DFW હિન્દુ મંદિર, જે એકતા મંદિર તરીકે પણ ઓળખાય છે, તે ગુજરાતી સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનું પ્રતીક છે. આ વર્ષે 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી નવરાત્રીનો ઉત્સવ અહીં અદ્ભુત ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવાયો. દરરોજ સાંજે 8 વાગ્યાથી મધ્યરાત્રિના 12 વાગ્યા સુધી, અને વીકેન્ડમાં બપોરે 2 વાગ્યા સુધી, મંદિરના પરિસરમાં ગરબા અને દાંડિયાની રમઝટ જામી. આ ઉત્સવમાં ભારતથી આવેલા પ્રખ્યાત મેલોડી સ્ટાર ગ્રૂપે પોતાની મધુર ગરબા રાગની રજૂઆતથી ઉત્સવમાં ચાર ચાંદ લગાવ્યા.
આ નવરાત્રી ઉત્સવમાં દરરોજ 1500થી 2000 ભાઈ-બહેનોએ ગરબા અને દાંડિયામાં ભાગ લઈને ગુજરાતી સંસ્કૃતિની ઝાંખી કરાવી. મંદિરના ટ્રસ્ટીઓ અને સ્વયંસેવક ભાઈ-બહેનોએ અદ્ભુત વ્યવસ્થાપન સાથે આ ઉત્સવને સફળ બનાવ્યો. દરેક દિવસે એક બહેને હાથમાં દીવો લઈને આરતી કરી, જેનાથી ઉત્સવનું આધ્યાત્મિક મહત્વ વધી ગયું.
ઉત્સવ દરમિયાન દરરોજ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું, જેના માટે અલગ-અલગ સ્પોન્સર્સે સહયોગ આપ્યો. મંદિરના હોલની બહાર ખાવા-પીવાના બૂથ પણ ગોઠવવામાં આવ્યા હતા, જેનાથી ઉત્સવમાં આવેલા લોકોને ગુજરાતી વાનગીઓનો આનંદ માણવાની તક મળી.
નવરાત્રીના આઠમા દિવસે, અષ્ટમીના પવિત્ર દિવસે, માતાજીના હવનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ હવનમાં ભક્તોએ ભાગ લઈને માતાજીના આશીર્વાદ મેળવ્યા. આ સાથે, દશેરાની ઉજવણી પણ ખૂબ ધામધૂમથી કરવામાં આવી, જેમાં ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. DFW હિન્દુ મંદિરે આ ઉત્સવ દ્વારા ગુજરાતી સંસ્કૃતિ અને એકતાનો સંદેશ આપ્યો. “જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં ત્યાં નવરાત્રી” એ કહેવતને આ ઉત્સવે સાચી સાબિત કરી.
આવા ઉત્સવો ગુજરાતી સમુદાયને એકબીજા સાથે જોડે છે અને પરદેશમાં પણ પોતાની સંસ્કૃતિને જીવંત રાખે છે. આવનારા વર્ષોમાં પણ આ ઉત્સવની ઉજવણી આવી જ ઉમંગભેર થાય, એવી શુભેચ્છા!
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login