પ્રશાંત શ્રીકુમાર / YEGWAVE via X
કેનેડાના એડમન્ટન શહેરમાં ગ્રે નન્સ કોમ્યુનિટી હોસ્પિટલમાં સારવારમાં લાંબા વિલંબને કારણે ભારતીય મૂળના ૪૪ વર્ષીય પ્રશાંત શ્રીકુમારનું ૨૨ ડિસેમ્બરે હાર્ટ એટેક (સસ્પેક્ટેડ કાર્ડિયાક એરેસ્ટ)થી અકાળ અવસાન થયું હોવાનું સામે આવ્યું છે.
પ્રશાંત શ્રીકુમાર કામ કરતી વખતે તીવ્ર છાતીના દુખાવાની ફરિયાદ કરી હતી. તેમને એક ક્લાયન્ટે ગ્રે નન્સ કોમ્યુનિટી હોસ્પિટલમાં લઈ જઈને ટ્રાયેજમાં રજિસ્ટર કરાવ્યા હતા. ત્યાંથી તેમને ઈમરજન્સી વેઇટિંગ એરિયામાં બેસાડવામાં આવ્યા અને આશરે ૮ કલાકથી વધુ સમય સુધી કોઈ યોગ્ય સારવાર આપવામાં આવી નહીં.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં પ્રશાંતની પત્નીએ જણાવ્યું હતું કે, "તેમને બપોરે ૧૨.૨૦ વાગ્યાથી રાત્રે લગભગ ૮.૫૦ વાગ્યા સુધી ટ્રાયેજ વિસ્તારમાં બેસાડી રાખવામાં આવ્યા હતા. તેઓ સતત છાતીના દુખાવાની ફરિયાદ કરી રહ્યા હતા." તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે તેમનું બ્લડ પ્રેશર વધતું જતું હતું, તેમ છતાં માત્ર એક ટાયલેનોલ (પેઇનકિલર) આપવામાં આવ્યું હતું. હોસ્પિટલ સ્ટાફે કથિત રીતે જણાવ્યું હતું કે "છાતીનો દુખાવો એક્યુટ પ્રોબ્લેમ ગણાય છે."
પ્રશાંતના પિતા કુમાર શ્રીકુમારે જણાવ્યું હતું કે પુત્રે તેમને કહ્યું હતું, "પપ્પા, હું દુખાવો સહન કરી શકતો નથી." તેમણે દુખાવાને ૧૫/૧૦ રેટિંગ આપ્યું હતું. ઈસીજી (ECG) કરાવ્યું હતું, પરંતુ કોઈ ગંભીર બાબત નથી તેવું કહીને રાહ જોવા કહેવામાં આવ્યું હતું.
આઠ કલાકથી વધુ રાહ જોયા બાદ જ્યારે તેમને અંતે ટ્રીટમેન્ટ રૂમમાં બોલાવવામાં આવ્યા તો માત્ર ૧૦ સેકન્ડમાં જ તેઓ ઢગલો થઈ ગયા અને હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યા. હોસ્પિટલ સ્ટાફે રિસુસિટેશન કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમને બચાવી શકાયા નહીં.
પ્રશાંતની પત્નીએ આક્ષેપ કર્યો કે, "હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશન અને સ્ટાફે સમયસર સારવાર ન આપીને મારા પતિ પ્રશાંત શ્રીકુમારની હત્યા કરી છે." તેમણે વધુમાં જણાવ્યું કે સુરક્ષા કર્મચારીઓએ પણ અસભ્ય વર્તન કર્યું હતું.
પ્રશાંત પાછળ તેમની પત્ની અને ત્રણ નાના બાળકો (૩, ૧૦ અને ૧૪ વર્ષના)ને છોડી ગયા છે. આ ઘટનાએ એડમન્ટનના ભારતીય મૂળના સમુદાયમાં ભારે આઘાત ઉભો કર્યો છે અને હોસ્પિટલની ઈમરજન્સી સેવાઓના વિલંબ અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. હોસ્પિટલ સંચાલક કોવેનન્ટ હેલ્થે શોક વ્યક્ત કર્યો છે અને કેસની તપાસ ચાલુ હોવાનું જણાવ્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login