ADVERTISEMENTs

ભારતીય સિનિયર સિટીઝન ઓફ ડલાસ દ્વારા ભવ્ય નવરાત્રી ઉત્સવનું સફળ આયોજન

માતાજીનો શણગાર સંસ્થાના સ્વયંસેવક બહેનોએ ભક્તિભાવથી કર્યો, અને આરતી વિધિ ધામધૂમથી યોજાઈ.

BSCD દ્વારા “નવરાત્રી ઉત્સવ - 3G રાસ ગરબા” કાર્યક્રમનું ભવ્ય આયોજન. / Subhash Shah

ભારતીય સિનિયર સિટીઝન ઓફ ડલાસ (BSCD) દ્વારા 4 ઓક્ટોબર, 2025ના શનિવારે બપોરે 3 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી પ્લાનો, ટેક્સાસ સ્થિત ઓટો મિડલ સ્કૂલ ખાતે “નવરાત્રી ઉત્સવ - 3G રાસ ગરબા” કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં સંસ્થાના સભ્યો, તેમના પરિવારજનો અને આમંત્રિત મહેમાનોએ ઉત્સાહ અને હર્ષોલ્લાસ સાથે ભાગ લીધો, જે ભારતીય સંસ્કૃતિની ઝાંખી અને સમુદાયની એકતાનું પ્રતીક બન્યું.

કાર્યક્રમની શરૂઆત પરંપરાગત ગુજરાતી સ્વાદ સાથે થઈ, જ્યાં ઉપસ્થિત સૌએ ફાફડા, જલેબી અને ગરમ ચાનો આનંદ માણ્યો. આ ઉપરાંત, ફોટો બૂથની વિશેષ વ્યવસ્થાએ મહેમાનોને પરિવાર અને મિત્રો સાથે સ્મૃતિરૂપ ફોટોગ્રાફ્સ ખેંચવાનો અવસર પૂરો પાડ્યો, જેનો સૌએ ભરપૂર લાભ લીધો. કાર્યક્રમનું સંચાલન શ્રી વિઠ્ઠલભાઈ દિયોરા અને શ્રી શરદભાઈ પટેલે અત્યંત આકર્ષક રીતે સંભાળ્યું, જેનાથી કાર્યક્રમમાં ઉત્સાહનું વાતાવરણ જળવાઈ રહ્યું.

આ પ્રસંગે ઓક્ટોબર મહિનામાં જન્મદિવસ અને લગ્નની વર્ષગાંઠ ઉજવતા સભ્યોનું પુષ્પગુચ્છ સાથે સ્વાગત કરવામાં આવ્યું. સૌએ મળીને ‘હેપી બર્થડે’ ગીત ગાઈને શુભેચ્છાઓ પાઠવી, જેનાથી વાતાવરણમાં ઉમંગનો સંચાર થયો. 

BSCD દ્વારા “નવરાત્રી ઉત્સવ - 3G રાસ ગરબા” / Subhash Shah

કાર્યક્રમના પ્રાયોજકો તરીકે ન્યૂ યોર્ક લાઈફ તરફથી શ્રી રાજેશભાઈ સાંચલા, એફોર્ડેબલ ઈન્સ્યોરન્સ તરફથી શ્રીમતી રોમાબેન પીઠડીયા અને રિયલ્ટર શ્રીમતી શીતલબેન બલરે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. તેમણે મેડિકેર, મેડિકેડ, લાઈફ ઈન્સ્યોરન્સ, ફાઈનાન્સિયલ મેનેજમેન્ટ અને હાઉસિંગ જેવા વિષયો પર મૂલ્યવાન માર્ગદર્શન આપ્યું. શ્રીમતી રોમાબેન પીઠડીયા દ્વારા 25 ઈનામોનું વિતરણ કરવામાં આવ્યું, જ્યારે શ્રીમતી શીતલબેન બલરે રેફલ ડ્રો દ્વારા ઈનામો વહેંચ્યા, જેનાથી સભ્યોમાં ઉત્સાહ બમણો થયો.

ફૂડ સ્પોન્સર તરીકે ઈન્ડિયા બજાર અને રજુલાસ કિચન તરફથી શ્રી આનંદભાઈ પબારી અને તેમના ધર્મપત્નીનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું. તેમના આર્થિક સહયોગ માટે સંસ્થાએ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. 

માતાજીનો શણગાર સંસ્થાના સ્વયંસેવક બહેનોએ ભક્તિભાવથી કર્યો, અને આરતી વિધિ ધામધૂમથી યોજાઈ. ત્યારબાદ ડીજે મ્યુઝિક, સંગીત અને ઢોલના તાલે ગરબા અને રાસની રંગત જામી. સૌએ ઉત્સાહ અને મસ્તી સાથે ગરબા અને દાંડિયાનો આનંદ માણ્યો. કાર્યક્રમ દરમિયાન પાનીપુરી, પાવભાજી, પીઝા, રગડા પેટીસ જેવી સ્વાદિષ્ટ વાનગીઓની વ્યવસ્થાએ સૌના મન મોહી લીધા. ઈન્ટરવેલમાં આઈસ્ક્રીમની ખાસ વ્યવસ્થાએ કાર્યક્રમમાં મીઠો તડકો ઉમેર્યો, જેનાથી સૌના ચહેરા ખીલી ઉઠ્યા.

BSCD દ્વારા “નવરાત્રી ઉત્સવ - 3G રાસ ગરબા” / Subhash Shah

આ કાર્યક્રમને સફળ બનાવવામાં સંસ્થાના સભ્યો શ્રી હીરાભાઈ સુતરીયા, શ્રી પ્રવીણભાઈ પાનસુરીયા, શ્રી શાંતિભાઈ ગાબાણી, શ્રી પ્રવીણભાઈ હિરપરા, શ્રી ચંપકલાલ છેટા, શ્રી વિનોદભાઈ રામોલિયા, શ્રી વિઠ્ઠલભાઈ દિયોરા, શ્રી બળવંતભાઈ ધાનાણી, શ્રી વિઠ્ઠલભાઈ બલર અને સેક્રેટરી શ્રી નરેશભાઈ શાહનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું. 

કાર્યક્રમના અંતે સંસ્થાના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ પાનસુરીયાએ ઉપસ્થિત સભ્યો, પ્રાયોજકો, મહેમાનો અને સ્વયંસેવકોનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું, “આપ સૌના સહકાર અને આશીર્વાદથી ભારતીય સિનિયર સિટીઝન ઓફ ડલાસ પ્રગતિના પંથે આગળ વધી રહી છે. આવા સાંસ્કૃતિક કાર્યક્રમો સિનિયર સિટીઝન્સના જીવનમાં નવી ઉર્જા અને આનંદનો સંચાર કરે છે.”

આ રીતે, માતાજીના આશીર્વાદ સાથે સૌએ વિદાય લીધી, અને ભારતીય સિનિયર સિટીઝન ઓફ ડલાસનો આ નવરાત્રી ઉત્સવ સફળતા, એકતા અને સાંસ્કૃતિક ગૌરવનું અનોખું ઉદાહરણ બની રહ્યું.

Comments

Related

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video