ADVERTISEMENT

ADVERTISEMENT

કેનેડા: કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા પિયરે પોઇલિવરે માટે સંસદમાં પુનરાગમનનો માર્ગ મોકળો

ડેમિયન કુરેકે પિયરને હાઉસ ઓફ કોમન્સમાં પ્રવેશવા માટેનો માર્ગ મોકળો કર્યો

કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા પિયરે પોઈલીવર / X@PierrePoilievre

કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા પિયરે પોઇલિવરે હાઉસ ઓફ કોમન્સમાં પુનરાગમન માટેનો માર્ગ મોકળો થયો છે. વડાપ્રધાન માર્ક કાર્નીએ જાહેરાત કરી છે કે આલ્બર્ટાના બેટલ રિવર-ક્રોફૂટમાં 18 ઓગસ્ટના રોજ પેટાચૂંટણી યોજાશે. આ પેટાચૂંટણીની જરૂરિયાત ઊભી થઈ કારણ કે કન્ઝર્વેટિવ સાંસદ ડેમિયન કુરેકે પોતાનું પદ છોડ્યું જેથી પાર્ટીના નેતા પિયરે પોઇલિવરેને સંસદમાં બેઠક મેળવવાની તક મળી શકે.

ઇલેક્શન્સ કેનેડાએ 18 ઓગસ્ટના રોજ પેટાચૂંટણી યોજવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે કેનેડામાં ફેડરલ ચૂંટણીઓ અને સંબંધિત પેટાચૂંટણીઓની તારીખો વડાપ્રધાન નક્કી કરે છે, ઇલેક્શન્સ કેનેડા નહીં, જે ફેડરલ ચૂંટણીઓનું સંચાલન કરતી સંસ્થા છે.

વિપક્ષના નેતા પિયરે પોઇલિવરે તાજેતરની ફેડરલ ચૂંટણીમાં હારનો સામનો કર્યો હતો. આ બાબતે વડાપ્રધાન માર્ક કાર્નીએ ઉદારતા દર્શાવતાં જાહેરાત કરી કે તેઓ વિપક્ષના નેતાને સંસદમાં પાછા લાવવા માટે પેટાચૂંટણીમાં વિલંબ નહીં કરે.

વડાપ્રધાન પાસે પેટાચૂંટણીને મહત્તમ 180 દિવસ સુધી મુલતવી રાખવાનો અધિકાર હતો, પરંતુ આ કિસ્સામાં, સાંસદ ડેમિયન કુરેકે 17 જૂનના રોજ નવી હાઉસ ઓફ કોમન્સના પ્રારંભિક સત્રના અંતે પદ છોડ્યું અને તુરંત પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી.

આ દરમિયાન, કન્ઝર્વેટિવ સાંસદ ડેમિયન કુરેકે એક સ્ટ્રેટેજિક કોમ્યુનિકેશન કંપનીમાં તેમની નવી ભૂમિકાની જાહેરાત કરી છે. કુરેક, જેઓ બેટલ રિવર-ક્રોફૂટમાંથી ફરીથી ચૂંટાયા હતા, તેમણે 2 મેના રોજ પોતાનું પદ છોડવાની ઓફર કરી હતી, જ્યારે પોઇલિવરે ફેડરલ ચૂંટણીમાં ઓટાવાના કાર્લટન રાઇડિંગમાં હારનો સામનો કર્યો હતો.

આ સાથે, કન્ઝર્વેટિવ નેતા પિયરે પોઇલિવરે, જેઓ ચૂંટણી પ્રચારમાં સંપૂર્ણ જોર લગાવી રહ્યા છે, તેમણે જાહેરાત કરી છે કે તેઓ સંસદના ભૂતપૂર્વ સભ્યોને મળતી સેવેરન્સ પે (વળતર) સ્વીકારશે નહીં. 

પોઇલિવરે તાજેતરની ફેડરલ ચૂંટણીમાં ઓટાવાના કાર્લટન રાઇડિંગમાં હારનો સામનો કર્યો, જે બેઠક તેઓ 20 વર્ષથી સંભાળી રહ્યા હતા. સંસદીય ડેટા અનુસાર, પોઇલિવરેનો સાંસદ તરીકેનો પગાર 209,800 ડોલર હતો, અને તેઓ વિપક્ષના નેતા તરીકે 99,900 ડોલરના વધારાના પગારના હકદાર હતા. હાઉસ ઓફ કોમન્સના નિયમો અનુસાર, પોઇલિવરેને તેમના સાંસદ પગારના 50 ટકા, એટલે કે આશરે 150,000 ડોલરનું વળતર મળવાનો અધિકાર હતો.

હાઉસ ઓફ કોમન્સની વેબસાઇટ અનુસાર, “જે ભૂતપૂર્વ સભ્યો તાત્કાલિક પેન્શન માટે પાત્ર નથી, તેઓ સેશનલ ભથ્થાના 50 ટકા જેટલું વળતર મેળવવા હકદાર હોય છે, જેમાં મંત્રી, હાઉસ લીડર, વ્હીપ, અથવા સંસદીય સચિવ જેવા અમુક હોદ્દાઓ ધરાવતા સભ્યોને મળતો વધારાનો વાર્ષિક પગાર પણ સામેલ છે.”

પિયરે પોઇલિવરે, જેઓ આલ્બર્ટાના બેટલ રિવર-ક્રોફૂટમાંથી હાઉસ ઓફ કોમન્સમાં પાછા ફરવા માટે તૈયાર છે, જે કન્ઝર્વેટિવ પાર્ટીની સૌથી સુરક્ષિત બેઠક માનવામાં આવે છે, તેમણે કોઈપણ સેવેરન્સ પે સ્વીકારવાનો ઇનકાર કર્યો છે.

Comments

Related