ADVERTISEMENT

ADVERTISEMENT

BSC ઓફ ડલાસની સમર પિકનિક 2026માં સ્નેહ, સંગાથ અને આનંદનો અનોખો મેળાપ

લગભગ 180 સભ્યોની હાજરીમાં સંગીત, મનોરંજન, સમાજસેવા અને યાદગાર પળોથી ભરપૂર બની સાંજ

 BSC ઓફ ડલાસની સમર પિકનિક 2026 BSC ઓફ ડલાસની સમર પિકનિક 2026 / Image Provided

ભારતીય સિનિયર નાગરિકોને એકતા, મિત્રતા અને સામાજિક જોડાણના માધ્યમથી એકત્ર લાવતી સંસ્થા Bharatiya Senior Citizens of Dallas (BSC) દ્વારા તા. 24 મે, રવિવારના રોજ ટેક્સાસના Richardson સ્થિત Breckinridge Park ખાતે સમર પિકનિક 2026નું ઉત્સાહભર્યું આયોજન કરવામાં આવ્યું હતું. બપોરના 3 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધી યોજાયેલા આ કાર્યક્રમમાં આશરે 180 જેટલા સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને આનંદ, હાસ્ય તથા સહભાગિતાથી ભરપૂર યાદગાર સાંજ માણી હતી.

અનુકૂળ હવામાન અને હરિયાળાં વાતાવરણ વચ્ચે યોજાયેલા કાર્યક્રમની શરૂઆત સ્વાદિષ્ટ સ્નેક્સ સાથે થઈ હતી. જ્યોત્સનાબેન અમીન દ્વારા પ્રેમપૂર્વક પીરસાયેલ ખમણ તેમજ લીલાબેન અને મેઘજીભાઈ ઘેલાણી તેમજ આશાબેન અને ધીરુભાઈ ડોબારિયા તરફથી પીરસવામાં આવેલી મસાલા ચા અને આત્મીય આવકારે સમગ્ર વાતાવરણને વધુ ઉષ્માભર્યું બનાવી દીધું હતું. ઉપસ્થિત સભ્યોએ આ પ્રેમાળ આત્થિયેને ખૂબ વખાણ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન ચાલુ મહિનામાં જેમના જન્મદિવસ અને લગ્નવાર્ષિકી આવી હતી તે સભ્યો અને દંપતિઓનું ફૂલ અર્પણ કરીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. “હેપી બર્થડે” અને લગ્નવાર્ષિકીના ગીતોની મધુર ધૂન વચ્ચે કેટલાક કપલ્સે હળવા નૃત્ય સાથે આ પ્રસંગને વધુ આનંદમય બનાવી દીધો હતો.

તાજેતરમાં યોજાયેલી San Antonio ટુર અંગેની સંપૂર્ણ માહિતી અને ખર્ચની વિગતો પ્રવીણભાઈ પાનસુરીયાએ સભ્યો સમક્ષ રજૂ કરી હતી. પ્રવાસ દરમિયાન બચેલી રકમ સભ્યોએ સંસ્થાને દાન સ્વરૂપે અર્પણ કરી હતી, જે સંસ્થાપ્રતિ સભ્યોની લાગણી અને જોડાણ દર્શાવતું એક સુંદર ઉદાહરણ બન્યું હતું.

આ પ્રસંગે Swami Vivekanand Netra Mandir Trust તરફથી સુરતથી પધારેલા ડૉ. ભાવિન ભુવા અને ડૉ. ભાવિન પટેલે ટ્રસ્ટની સેવાકીય અને માનવતાભરી પ્રવૃત્તિઓ અંગે માહિતી આપી હતી. ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને આપવામાં આવતી આર્થિક સહાય, નિઃશુલ્ક સારવાર તેમજ રહેવા અને જમવાની સુવિધા અંગેની માહિતી સભ્યોએ ખૂબ રસપૂર્વક સાંભળી હતી અને ટ્રસ્ટને વધુ સહયોગ આપવાની ભાવના પણ વ્યક્ત કરી હતી.

સમર પિકનિક 2026નું ઉત્સાહભર્યું આયોજન / Image Provided

મનોરંજન વિભાગમાં બિંગો ગેમ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બની હતી. નરેશભાઈ શાહ અને અશ્વિનભાઈ અમીનના સંચાલનમાં યોજાયેલી આ ગેમમાં સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિવિધ ઇનામોની જાહેરાત સાથે સમગ્ર વાતાવરણ હાસ્ય અને ઉત્સુકતાથી ગુંજી ઉઠ્યું હતું.

વિશાળ અને હરિયાળાં પાર્કના કારણે અનેક સભ્યોએ જૂથોમાં ફરવા, વાતચીત કરવા અને પ્રકૃતિનો આનંદ માણવાનો અવસર મેળવ્યો હતો. બીજી તરફ પેવેલિયન ખાતે શરદભાઈ પટેલ, રાજેન્દ્રભાઈ પવાશીયા અને અશોકભાઈ રૂપાણીએ મધુર ગીતોની રજૂઆત કરીને સમગ્ર વાતાવરણને સંગીતમય બનાવી દીધું હતું.

પ્રસંગ દરમિયાન રજનીભાઈ અને ભારતીબેન પટેલની લગ્નવાર્ષિકી નિમિત્તે ભોજનની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી, જ્યારે અશોકભાઈ અને મુક્તાબેન રૂપાણી દ્વારા મીઠાઈની ભેટ આપવામાં આવી હતી. પાપડ, છાશ, રસાવાળું શાક, વઘારેલી ખીચડી અને લાડુ જેવા સ્વાદિષ્ટ ભોજનનો સૌએ આનંદ માણ્યો હતો. ડિનર બાદ પીરસાયેલ ઠંડુ અને તાજગીભર્યું તરબૂચ સાંજને વધુ યાદગાર બનાવી ગયું હતું.

સંસ્થાના સેક્રેટરી નરેશભાઈ શાહના સુંદર સંચાલન અને અનેક સ્વયંસેવકોના સહયોગથી સમગ્ર કાર્યક્રમ સફળ રહ્યો હતો. સ્નેહ, સેવા અને સંગાથથી ભરપૂર આ સમર પિકનિક સભ્યો માટે લાંબા સમય સુધી મીઠી યાદો બની રહેશે.

ગુજરાતીમાં અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો "ન્યુ ઇન્ડિયા અબ્રોડ ગુજરાતી"

Comments

Related