ADVERTISEMENT

ADVERTISEMENT

ઝોહરાન મામદાનીએ સ્ટારબક્સ કર્મચારીઓની હડતાલને ટેકો આપ્યો

૨૦૨૨થી સ્ટારબક્સના કર્મચારીઓના અધિકારો માટે અવાજ ઉઠાવતા આવેલા મમદાનીએ કંપનીનો બહિષ્કાર કરવાનું આહ્વાન કર્યું છે.

2023 માં સ્ટારબક્સનો વિરોધ કરતા પ્લેકાર્ડ પકડીને ઝોહરાન મમદાની / Zohran Mamdani via X

ન્યૂયોર્કના નવનિર્વાચિત મેયર ઝોહરાન મામદાનીએ સ્ટારબક્સ કંપની વિરુદ્ધ ચાલી રહેલી કર્મચારીઓની હડતાલમાં જોડાઈને કંપની પર અનુચિત શ્રમ પદ્ધતિઓનો આરોપ લગાવ્યો છે અને વૈશ્વિક કોફી ચેઇનનો બહિષ્કાર કરવાનું અનુરોધ કર્યું છે.

સમાજવાદી વિચારધારા પર ચૂંટણી જીતનાર મામદાની ૨૦૨૨થી જ સ્ટારબક્સ કર્મચારીઓના અધિકારો અને યુનિયન બનાવવાના અભિયાનના સમર્થક રહ્યા છે.

અમેરિકામાં ૧૩ નવેમ્બરના રોજ એક હજારથી વધુ યુનિયનાઇઝ્ડ સ્ટારબક્સ કર્મચારીઓએ કંપનીની કથિત અનુચિત શ્રમ પદ્ધતિઓ સામે હડતાલ પાડી હતી અને કામ છોડી દીધું હતું.

મામદાનીએ આ હડતાલને ટેકો આપતાં જણાવ્યું હતું કે, “દેશભરમાં સ્ટારબક્સ કર્મચારીઓ ન્યાયી કરાર માટે અનુચિત શ્રમ પદ્ધતિ હડતાલ (ULP Strike) પર છે.”

બહિષ્કારનું અનુરોધ કરતાં તેમણે વધુમાં કહ્યું, “જ્યાં સુધી કર્મચારીઓ હડતાલ પર છે ત્યાં સુધી હું સ્ટારબક્સમાંથી કંઈ ખરીદીશ નહીં અને હું તમને પણ તેમાં જોડાવા વિનંતી કરું છું. એકસાથે મળીને આપણે મજબૂત સંદેશ આપી શકીએઃ કરાર વગર કોફી નહીં.”

સ્ટારબક્સ વર્કર્સ યુનાઇટેડ (જેમાં ૧૨,૦૦૦થી વધુ કર્મચારીઓ છે) એ આ હડતાલનું આહ્વાન કર્યું હતું અને X પર જાહેરાત કરી હતી કે, “આજથી દેશભરના સ્ટારબક્સ કર્મચારીઓ સત્તાવાર રીતે હડતાલ પર છે. અને અમે તૈયાર છીએ કે આ સ્ટારબક્સના ઇતિહાસમાં સૌથી મોટી અને સૌથી લાંબી ULP હડતાલ બને.”

તેમના નારા ‘નો કોન્ટ્રાક્ટ, નો કોફી’ સાથે યુનિયને લોકોને હડતાલ ચાલુ રહે ત્યાં સુધી સ્ટારબક્સનો બહિષ્કાર કરવા અપીલ કરી છે.

Comments

Related