વિનિપેગના મેયરે હિરેન શાહને સન્માનિત કર્યા / LinkedIn
સમાજસેવા અને સ્વૈચ્છિક કાર્યો હિરેન શાહ માટે કોઈ નવી વાત નથી. વિનિપેગમાં જ જન્મેલા અને ઉછરેલા ૪૫ વર્ષીય હિરેન શાહે “પિતા જેવો પુત્ર” કહેવતને સાર્થક કરી બતાવી છે.
પોતાના પ્રખ્યાત પિતા હેમંત શાહનું અનુકરણ કરતાં હિરેનભાઈએ સાબિત કરી દીધું છે કે સમાજજીવનમાં નિષ્ઠા અને વફાદારીનો કોઈ વિકલ્પ નથી. તેમના પિતા હેમંતભાઈએ ઇન્ડો-કેનેડિયન સંબંધોને મજબૂત કરવામાં તેમજ વેપારી ભાગીદારી વધારવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો, તે જ વારસો હિરેનભાઈ આગળ વધારી રહ્યા છે.
પશ્ચિમી દેશોમાં “હાયર એન્ડ ફાયર”ની નીતિ પ્રચલિત હોવા છતાં હિરેનભાઈએ તેની વિરુદ્ધ ઉદાહરણ ઊભું કર્યું છે. માત્ર ૧૫ વર્ષની ઉંમરે શાળામાં અભ્યાસ સાથે મેકડોનાલ્ડમાં કામ શરૂ કરનાર હિરેનભાઈ આજે પણ પોતાના પ્રથમ એમ્પ્લોયર સાથે જોડાયેલા છે. લગભગ ૩૦ વર્ષથી મેકડોનાલ્ડના ફ્રેન્ચાઇઝ ઓનર-ઓપરેટર્સના ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે, જે કેનેડાના સંદર્ભમાં અત્યન્ત દુર્લભ સિદ્ધિ છે. આ સાથે તેમણે ઇન્ડો-કેનેડિયન સમાજનું નામ રોશન કર્યું છે.
હાલમાં જ વિનિપેગના મેયરે તેમની સ્વૈચ્છિક સેવાઓ માટે તેમને સન્માનિત કર્યા છે.
હિરેનભાઈ કહે છે, “આ વર્ષે મને વોલન્ટિયર મેનિટોબા દ્વારા ૨૦૨૫નો મેયર્સ વોલન્ટિયર સર્વિસ એવોર્ડ મળ્યો છે, જેની મને ખૂબ નમ્રતા અનુભવાય છે. સમાજને પાછું આપવું એ મારા જીવનનો મહત્વનો ભાગ રહ્યો છે. રોનાલ્ડ મેકડોનાલ્ડ હાઉસ, વિનિપેગ કિન્સમેન કે પછી સેન્ટ બોનિફેસ હોસ્પિટલ ફાઉન્ડેશન – અમે (હું અને મારી પત્ની નતાશા શાહ) હૃદયને વહાલાં કારણો માટે ભંડોળ ઊભું કરવામાં ઉત્સાહથી જોડાયેલા રહીએ છીએ. આ એવોર્ડ અમારા લોકો પ્રત્યેના પ્રેમ અને દરરોજ સમાજને વધુ સારો બનાવવાની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.”
જાણે શાહ દંપતી – હિરેન અને નતાશા – કોઈ પણ સેવાકીય પ્રવૃત્તિમાંથી પાછા નથી પડતા.
હિરેનભાઈ રોનાલ્ડ મેકડોનાલ્ડ હાઉસના વાર્ષિક ગોલ્ફ ટુર્નામેન્ટ બોર્ડના સભ્ય છે, જે ફંડરેઝરનું આયોજન-સંચાલન કરે છે. તેમણે ચેમ્પિયન્સ ફોર ફેમિલીઝ કાર્યક્રમને પણ ટેકો આપ્યો છે. ૨૦૧૮માં વિનિપેગ કિન્સમેન સાથે જોડાયા અને કિન્સમેન તથા રોનાલ્ડ મેકડોનાલ્ડ હાઉસ દ્વારા આગાપે ટેબલ સૂપ કિચન, રેઇન્બો રિસોર્સ સેન્ટર જેવી સંસ્થાઓને નાણાકીય મદદ પહોંચાડી છે.
વિનિપેગ કિન્સમેનમાં વાઇસ-પ્રેસિડેન્ટ (સર્વિસ) તરીકેની જવાબદારી નિભાવતાં તેમણે સ્પેશિયલ ઓલિમ્પિક્સ, વિનિપેગ હાર્વેસ્ટ, ટોબા સેન્ટર, બ્રુસ ઓક રિકવરી સેન્ટર સહિત અનેક બિનનફાકારક સંસ્થાઓને સહયોગ આપ્યો છે. દરેક કાર્યમાં નમ્રતા, આદર અને ગરિમા સાથે જોડાતા હિરેનભાઈ બીજાને પણ સમાજસેવા માટે પ્રેરણા આપે છે અને “પે ઇટ ફોરવર્ડ”ની ભાવનાને મજબૂત બનાવે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login