ADVERTISEMENT

ADVERTISEMENT

અંડરકવર તપાસમાં યુકે વર્ક વિઝા છેતરપિંડીનો પર્દાફાશ

અંડરકવર તપાસમાં કોમલ શિંદે પર નકલી યુકે વિઝા વેચવાનો આરોપ, ખોટી નોકરી અને પગારના રેકોર્ડ તૈયાર કરીને લોકોને છેતર્યા

પ્રતીકાત્મક તસ્વીર / Consulate General of India in Russia

કોમલ શિંદે પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને પ્રવાસીઓને ગેરકાયદેસર યુકે વર્ક વિઝા વેચવાનો ગંભીર આરોપ લાગ્યો છે. આ આરોપો ‘ધ ડેઇલી મેલ’ની અંડરકવર તપાસ દરમિયાન સામે આવ્યા છે, જેમાં તપાસકર્તાઓએ કૃષિવ કન્સલ્ટન્સી લિ. દ્વારા શિંદેનો સંપર્ક કર્યો હતો.

રિપોર્ટ અનુસાર, કોમલ શિંદેએ નકલી જોબ ઑફર, ખોટા રોજગાર રેકોર્ડ અને બનાવટી પગારના ટ્રાન્ઝેક્શનના આધારે સ્કિલ્ડ વર્કર વિઝા આપવાનો દાવો કર્યો હતો.

અરજદારો પાસેથી દરેક વિઝા માટે ૧૬,૧૭૦ ડોલર (લગભગ ૧૨,૦૦૦ પાઉન્ડ) થી લઈને ૨૫,૬૦૩ ડોલર (લગભગ ૧૯,૦૦૦ પાઉન્ડ) સુધીની રકમ વસૂલવામાં આવતી હોવાનું જાણવા મળ્યું છે. અનેક કેસમાં પ્રવાસીઓને કહેવામાં આવ્યું હતું કે તેમને સ્પોન્સર કરેલી નોકરીમાં ખરેખર કામ કરવાની જરૂર નથી. તેના બદલે એમ્પ્લોયર દર મહિને માઇગ્રન્ટના બેંક ખાતામાં પગાર જમા કરાવશે અને તે પગારની રકમ માઇગ્રન્ટે રોકડમાં પરત કરવાની હોય છે.

તપાસકર્તાઓએ એવો પણ દાવો કર્યો છે કે કોમલ શિંદે વૈજ્ઞાનિક, ટેકનોલોજી અને કલા જેવા ક્ષેત્રોમાં અસાધારણ સિદ્ધિઓ ધરાવતા વ્યક્તિઓ માટે રાખવામાં આવતા ગ્લોબલ ટેલેન્ટ વિઝા ૪૦,૪૨૭ ડોલર (લગભગ ૩૦,૦૦૦ પાઉન્ડ)માં ગોઠવી આપવાની ઑફર કરતી હતી.

શિંદેએ કથિત રીતે સ્વીકાર્યું હતું કે તે દરેક વિઝા પર આશરે ૧,૩૪૭ ડોલર (લગભગ ૧,૦૦૦ પાઉન્ડ) કમાતી હતી, જ્યારે બાકીની રકમ ભાગીદાર એમ્પ્લોયરોમાં વહેંચાતી હતી. તેણે એવો પણ દાવો કર્યો હોવાનું કહેવાય છે કે તેણે અગાઉ પણ ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કરીને અનેક વખત વિઝા મેળવ્યા હતા. 

આ તપાસ યુકેમાં વર્ક વિઝા સિસ્ટમમાં ચાલતી છેતરપિંડીના વધતા જતા કેસો તરફ ધ્યાન દોરે છે.

Comments

Related