ADVERTISEMENT

ADVERTISEMENT

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ લેબરની તપાસ હેઠળ ૧૭૫થી વધુ સંભવિત એચ-૧બી ફ્રોડ કેસો.

તપાસ વિભાગના પ્રોજેક્ટ ફાયરવૉલ હેઠળ કરવામાં આવી રહી છે, જે ટ્રમ્પની $100,000ની H-1B ફી જાહેર કર્યા બાદ શરૂ કરવામાં આવ્યો હતો.

પ્રતીકાત્મક તસ્વીર / REUTERS/Dado Ruvic/Illustration

અમેરિકામાં એચ-૧બી વિઝા કાર્યક્રમના સંભવિત દુરુપયોગ સામે છેલ્લા બે મહિનામાં ૧૭૫થી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે, એમ અમેરિકી સત્તાધિકારીઓએ જાહેર કર્યું છે. ફોક્સ ન્યૂઝના અહેવાલ મુજબ આ માહિતી સામે આવી છે.

અમેરિકી શ્રમ વિભાગ દ્વારા શરૂ કરાયેલી આ તપાસો ‘પ્રોજેક્ટ ફાયરવોલ’નો ભાગ છે. આ પ્રોજેક્ટ સપ્ટેમ્બર ૨૦૨૫માં શરૂ કરવામાં આવ્યો હતો જેનો હેતુ નોકરીદાતાઓને અમેરિકન કર્મચારીઓને પ્રાથમિકતા આપવા દબાણ કરવું અને એચ-૧બી વિઝા પ્રક્રિયાના દુરુપયોગ બદલ જવાબદાર ઠેરવવાનો છે.

આ પગલાના મહત્વ પર પ્રકાશ પાડતાં અમેરિકી શ્રમ સચિવ લોરી ચાવેઝ-ડીરેમરે નિવેદનમાં જણાવ્યું હતું કે, “ટ્રમ્પ વહીવટીતંત્ર અમેરિકનોને પાછળ છોડી દેતી પદ્ધતિઓનો અંત લાવવાની પ્રતિબદ્ધતા પર અડગ છે. જ્યારે આપણે આર્થિક વર્ચસ્વ ફરી સ્થાપિત કરીએ છીએ ત્યારે આપણા સૌથી મૂલ્યવાન સંપત્તિ એટલે અમેરિકન કર્મચારીનું રક્ષણ કરવું જરૂરી છે.”

ચાવેઝ-ડીરેમરે એચ-૧બીમાં છેતરપિંડી સામે કાર્યવાહીની જરૂરિયાત પર ભાર મૂકતાં કહ્યું, “છેતરપિંડી અને દુરુપયોગનો મૂળોચ્છેદ કરીને શ્રમ વિભાગ અને અમારા સંઘીય ભાગીદારો ખાતરી કરશે કે ઉચ્ચ કુશળ નોકરીઓ સૌથી પહેલાં અમેરિકનોને મળે.”



રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિઝા અરજીઓ પર ૧,૦૦,૦૦૦ ડોલરનો ભારે દંડ જાહેર કર્યા બાદ ‘પ્રોજેક્ટ ફાયરવોલ’ શરૂ કરવામાં આવ્યો હતો.

આ પગલું એ ચિંતાઓને સંબોધે છે કે કેટલાક વિદેશી કર્મચારીઓને તેમની ઉચ્ચ ડિગ્રીઓ હોવા છતાં નોકરીના વર્ણન કરતાં ઘણી ઓછી મજૂરી આપવામાં આવતી હતી. આ પદ્ધતિથી વિઝાધારકો તેમજ અમેરિકી કર્મચારીઓની મજૂરી ઘટી હતી અને સમાન લાયકાત ધરાવતા અમેરિકી કર્મચારીઓને સ્પર્ધાત્મક રહેવા ઓછી મજૂરી સ્વીકારવા દબાણ કરવામાં આવતું હતું.

અમેરિકી કાયદા મુજબ એચ-૧બી, એચ-૧બી૧ અને ઈ-૩ વિઝા કાર્યક્રમો દ્વારા વિદેશી કર્મચારીઓની નિમણૂક કરતા પહેલાં નોકરીદાતાઓએ અમેરિકન કર્મચારીઓને ‘લેબર કન્ડિશન એપ્લિકેશન’ (એલસીએ) ફોર્મ દ્વારા સૂચના આપવી ફરજિયાત છે. જોકે ફોક્સ ન્યૂઝના અહેવાલ મુજબ અનેક નોકરીદાતાઓએ બનાવટી અહેવાલો દાખલ કર્યા હતા જેમાં બિનઅસ્તિત્વમાં રહેલા કાર્યસ્થળોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને કર્મચારીઓને અરજીમાં દર્શાવેલી નોકરી વિશે કોઈ જાણકારી આપવામાં આવી ન હતી.

એ ઉપરાંત વિદેશી કર્મચારીઓનું પણ શોષણ થતું હોવાનું જાણવા મળ્યું છે. તેમને એલસીએમાં દર્શાવેલી મજૂરી કરતાં ઓછું વેતન આપવામાં આવતું હતું અને બે પ્રોજેક્ટ વચ્ચેના સમયગાળામાં તેમને વેતન ચક્રમાંથી બહાર રાખવામાં આવતા હતા.

જો ઉલ્લંઘન જણાશે તો પાછલા વેતનની વસૂલાત, નાગરિક દંડની આકારણી અને/અથવા નિયત સમયગાળા માટે ભવિષ્યમાં એચ-૧બી કાર્યક્રમના ઉપયોગ પર પ્રતિબંધ લાદવામાં આવી શકે છે.

Comments

Related