ADVERTISEMENT

ADVERTISEMENT

MAGA ટિપ્પણીકારે ભારતીયોને ‘શારીરિક રીતે કમજોર’ ગણાવ્યા

ક્રાઉડરની ભારતીયો વિરુદ્ધની વ્યાપક વાતનો ભાગ છે આ નિવેદન; અગાઉ પણ તેમણે ભારતીયોને ‘સૌથી ઉત્તમ અને તેજસ્વી નહીં’ કહ્યા હતા

સ્ટીવન ક્રાઉડર / Wikimedia commons

અમેરિકન-કેનેડિયન કન્ઝર્વેટિવ રાજકીય ટિપ્પણીકાર અને મીડિયા હોસ્ટ સ્ટીવન ક્રાઉડરે ભારતીયોને શારીરિક રીતે કમજોર અને શારીરિક શ્રમ કરવામાં અસમર્થ ગણાવ્યા છે. તેઓ યુટ્યૂબ ટોકશો ‘પિયર્સ મોર્ગન અનસેન્સર્ડ’માં મહેમાન તરીકે હાજરી આપી રહ્યા હતા; આ એપિસોડ ૨૧ નવેમ્બરે રિલીઝ થયો હતો.

સ્ટીવન ક્રાઉડરનો જન્મ અમેરિકાના મિશિગન રાજ્યના ડેટ્રોઇટમાં થયો હતો. તેઓ બાળકોના કાર્ટૂન શો ‘આર્થર’માં ‘ધ બ્રેઇન’ના અવાજ માટે જાણીતા થયા હતા અને પાછળથી ફોક્સ ન્યૂઝમાં ફાળો આપનાર તરીકે કામ કર્યું હતું.

પિયર્સ મોર્ગન સાથે વાતચીત દરમિયાન ક્રાઉડરે કહ્યું કે, ભારતીય ઇમિગ્રન્ટ્સ કન્સ્ટ્રક્શન વર્કરોની નોકરીઓ છીનવી શકે તેમ નથી, કારણ કે ભારતીયો શારીરિક રીતે ખૂબ જ કમજોર હોય છે અને મજૂરીનું કામ કરી શકતા નથી.

માર્જોરી ટેલર ગ્રીન વિશેના પ્રશ્નના જવાબમાં ક્રાઉડરે જણાવ્યું હતું કે, “હું કઈ માર્જોરી ટેલર ગ્રીન સાથે વાત કરી રહ્યો છું? જે કહે છે કે ‘આપણે લોકોને દેશનિકાલ કરી શકીએ નહીં કારણ કે તેનાથી મારી કન્સ્ટ્રક્શન કંપનીને નુકસાન થશે’ – જેની સાથે હું સંમત નથી, મને લાગે છે કે તે MAGAની વિચારધારા વિરુદ્ધ છે – કે પછી જે કહે છે કે H1-B વિઝાને સંપૂર્ણપણે બંધ કરી દેવો જોઈએ? જેની સાથે હું સંપૂર્ણપણે સંમત છું.”

આ પછી જાતિવાદી ટિપ્પણી કરતાં તેમણે ઉમેર્યું કે, “આ બંને વચ્ચેનું એકમાત્ર સામ્ય એ છે કે તમારી કન્સ્ટ્રક્શન કંપનીમાં ભારતીય H1-B ધારકો હોવાની શક્યતા ખૂબ જ ઓછી છે, કારણ કે તેઓ શારીરિક રીતે કમજોર લોકો છે.”

Comments

Related