પ્રતીકાત્મક તસ્વીર / pexels
અમેરિકામાં નોકરી ગુમાવનાર ૨૯ વર્ષીય ભારતીય યુવાનની પોતાની વાર્તાએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી
અમેરિકામાં માસ્ટર્સ પૂર્ણ કર્યા બાદ ૨૦૨૧થી એક જ અમેરિકન કંપનીમાં નોકરી કરતા ૨૯ વર્ષીય ભારતીય યુવાનને કંપની પ્રત્યેની અંધભક્તિનું ભારે નુકસાન ભોગવવું પડ્યું છે. રેડિટ પર ‘લેડ ઓફ વિથિન અ મન્થ ઓફ રિટર્નિંગ ટુ ધ યુએસ’ શીર્ષક હેઠળ મૂકેલી પોતાની પોસ્ટમાં તેણે જણાવ્યું કે, વીઝા લોટરીમાં વારંવાર નામ ન આવતાં કંપનીએ તેને પહેલાં કેનેડા અને પછી ભારત ટ્રાન્સફર કર્યો હતો.
યુવાને લખ્યું છે, “કેનેડા વીઝા પણ સમયસર ન મળ્યો. અંતે કંપનીએ મને ભારતમાં ત્રણ મહિના માટે મોકલ્યો અને પછી કેનેડા વીઝા આવે ત્યારે ત્યાં જવાનું નક્કી કર્યું.”
આ વર્ષે એટલે કે ૨૦૨૫માં તેનું નામ વીઝા લોટરીમાં આવ્યું અને ઉનાળામાં કંપનીએ તેની ફાઈલ કરી. પોતાના ખિસ્સેથી પ્રીમિયમ પ્રોસેસિંગ કરાવીને તેણે સપ્ટેમ્બરના અંતે અમેરિકા પરત ફરવાનું નક્કી કર્યું.
જોકે, પરત ફર્યાના એક મહિનામાં જ આઘાતજનક સમાચાર આવ્યા. તેણે લખ્યું, “અમારી ટીમ બિલેબલ કામ કરતી નહોતી. આજે સવારે મને અને મારા એક સાથીદારને લેઓફ કરી દેવામાં આવ્યા.”
સિનિયર કર્મચારી હોવા છતાં પોતાને સૌથી પહેલાં કાઢી મૂકવામાં આવ્યો તેનો તેને આઘાત લાગ્યો. તેણે લખ્યું, “મને લેઓફ થવાની અપેક્ષા તો હતી, પણ હું સૌથી પહેલો હઇશ એવું ક્યારેય વિચાર્યું નહોતું.”
પોતાનો સૌથી મોટો અફસોસ વ્યક્ત કરતાં તેણે જણાવ્યું, “મારી સૌથી મોટી ભૂલ એ થઈ કે અમેરિકા પરત આવ્યા તુરત જ બીજે ક્યાંક નોકરી શોધવાનું શરૂ ન કર્યું. કંપનીને ખરાબ લાગશે એવો ડર હતો.”
અંતમાં તેણે બધા માટે સંદેશ આપ્યો : “કોઈ કંપની માટે અંધશ્રદ્ધા ન રાખો, હંમેશા પોતાની જાતનું હિત જુઓ.”
આ પોસ્ટ વાયરલ થતાં ઈન્ટરનેટ જગતમાં બે જૂથ બની ગયા. એક જૂથ કહે છે કે અમેરિકામાં હોવાથી હજુ ઘણા વિકલ્પો ખુલ્લા છે, જ્યારે બીજું જૂથ સલાહ આપે છે કે ભારત પરત આવીને માતૃભૂમિ માટે કામ કરો.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login