ADVERTISEMENT

ADVERTISEMENT

દિલ્હી હાઈકોર્ટે બ્રિટિશ એકેડેમિક નિતાશા કૌલના OCI રદ કરવાના કેસમાં કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો

કૌલને ભારતમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા બાદ OCI રદ કરાયું, 'ભારત-વિરોધી' પ્રવૃત્તિઓનો આરોપ

નીતાશા કૌલ / Nitasha Kaul via X

દિલ્હી હાઈકોર્ટે ભારતીય મૂળની બ્રિટિશ એકેડેમિક પ્રોફેસર નિતાશા કૌલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. આ અરજીમાં કેન્દ્ર સરકારે તેમનું ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા (OCI) કાર્ડ રદ કરીને ભારતમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાના આદેશને પડકારવામાં આવ્યો છે.

નિતાશા કૌલને ગત વર્ષે કર્ણાટક સરકારના આમંત્રણ પર 'બંધારણ અને રાષ્ટ્રીય એકતા' વિષય પરના સંમેલનમાં ભાગ લેવા ભારત આવવાના હતા. વૈધ પાસપોર્ટ અને OCI કાર્ડ હોવા છતાં તેમને એરપોર્ટ પર અટકાવવામાં આવ્યા હતા. લગભગ ૨૪ કલાક ડિટેન કર્યા બાદ તેમને પરત બ્રિટન મોકલી દેવામાં આવ્યા હતા.

પછી તેમનું OCI કાર્ડ રદ કરવામાં આવ્યું અને ભારતમાં પ્રવેશ પર કાળી યાદીમાં મૂકવામાં આવ્યા. સરકારી પત્રમાં તેમના પર 'ભારત-વિરોધી' પ્રવૃત્તિઓ અને ભારતની સાર્વભૌમત્વને નુકસાન પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો છે, જેનો નિતાશા કૌલે સખત ઇન્કાર કર્યો છે.

કાશ્મીરી પરિવારમાં જન્મેલા કાશ્મીરી પંડિત પ્રોફેસર નિતાશા કૌલનું શૈક્ષણિક કાર્ય મુખ્યત્વે કાશ્મીર, રાષ્ટ્રવાદ અને હિન્દુત્વ વિષયો પર કેન્દ્રિત છે. તેઓ યુનિવર્સિટી ઓફ વેસ્ટમિન્સ્ટરમાં પોલિટિક્સ, ઇન્ટરનેશનલ રિલેશન્સ અને ક્રિટિકલ ઇન્ટરડિસિપ્લિનરી સ્ટડીઝના પ્રોફેસર તથા સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ડેમોક્રસીના ડિરેક્ટર છે. તેઓ નવલકથાકાર, કવયિત્રી અને અર્થશાસ્ત્રી પણ છે.

તેઓ અમેરિકી કોંગ્રેસની વિદેશી બાબતોની સમિતિ સમક્ષ કાશ્મીરમાં માનવાધિકારની સ્થિતિ અંગે સાક્ષી પણ આપી ચૂક્યા છે, જેના કારણે તેમના વૈચારિક વિરોધીઓ તરફથી તીવ્ર ટીકાનો સામનો કરવો પડ્યો હતો.

દિલ્હી હાઈકોર્ટમાં દાખલ અરજીમાં કૌલે જણાવ્યું છે કે તેમની સામે કોઈ ચોક્કસ આરોપ કે પુરાવા વિના તેમની શૈક્ષણિક લેખન અને અભિવ્યક્તિના અધિકારના કારણે તેમને નિશાન બનાવવામાં આવ્યા છે. સરકારના આ પગલાને તેઓએ 'મનસ્વી અને ઉચ્ચહસ્તક' ગણાવ્યા છે. આ કારણે તેઓ પોતાની ૭૨ વર્ષીય બીમાર માતાને મળવા પણ ભારત આવી શકતા નથી. 

કોર્ટે આ મામલે કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.

Comments

Related

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video