ADVERTISEMENT

ADVERTISEMENT

લંડનના રાજકારણીને ગેરકાયદે ભારતીય વિદ્યાર્થિનીને નોકરીએ રાખવા બદલ £૪૦,૦૦૦નો દંડ

વિદ્યાર્થિની હિમાંશી ગોંગલેએ પોલીસનો સંપર્ક કરી કાઉન્સિલર હિના મીર પર શારીરિક હિંસાનો આરોપ મૂક્યો

પ્રતીકાત્મક તસ્વીર / Pexels

પશ્ચિમ લંડનના લેબર પાર્ટીના કાઉન્સિલર અને હાઉન્સલોના પૂર્વ ડેપ્યુટી મેયર હિના મીર (ઉં.વ. ૪૫)ને ભારતીય વિદ્યાર્થિની હિમાંશી ગોંગલેને ગેરકાયદે ફોલ-ટાઇમ નાની તરીકે રાખવા બદલ બ્રિટિશ કોર્ટે £૪૦,૦૦૦ (આશરે રૂ.૪૪ લાખ)નો દંડ ફટકાર્યો છે અને વધારાના £૩,૬૨૦ કોર્ટ ખર્ચ પણ ઠોક્યા છે.

આ કેસમાં પીડિતા હિમાંશી ગોંગલેનું વિઝા ૨૦૨૩માં પૂરું થયા પછી તે બ્રિટનમાં ગેરકાયદેસર રીતે રહેતી હતી. તેમ છતાં હિના મીરે તેને મહિને £૧,૨૦૦ (આશરે રૂ.૧.૩૨ લાખ) રોકડા ચૂકવીને ઘરની સંભાળ અને બાળકોની સંભાળનું કામ કરાવ્યું હતું.

ઓગસ્ટ ૨૦૨૪માં હિમાંશીએ અત્યંત વ્યથિત હાલતમાં રસ્તા પર પોલીસની ગાડી રોકીને મદદ માંગી હતી. તેણે હિના મીર પર શારીરિક હિંસા તેમજ માનસિક ત્રાસના આરોપ લગાવ્યા હતા અને તેને આત્મહત્યાના વિચારો આવતા હોવાનું જણાવ્યું હતું.

હિના મીરે પોતાનો બચાવ કરતાં દાવો કર્યો હતો કે હિમાંશી માત્ર તેમના ઘરે “સામાજિક મુલાકાતી” તરીકે આવતી હતી, વીડિયો ગેમ રમવા, ટીવી જોવા અને આરામ કરવા આવતી હતી અને ક્યારેક ઘરનાં નાનાં-મોટાં કામમાં મદદ કરી દેતી હતી.

ઇમિગ્રેશન અધિકારીઓએ આપેલા દંડ સામે હિના મીરે કોર્ટમાં પડકાર ફેંક્યો હતો, પરંતુ કોર્ટે દંડને યથાવત્ રાખી તેની અરજી ફગાવી દીધી છે. હિના મીર વ્યવસાયે વકીલ પણ છે.

Comments

Related