ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના આમંત્રણને પગલે ઝિમ્બાબ્વેના ઉપરાષ્ટ્રપતિ મહામહિમ જનરલ (નિવૃત્ત) ડૉ. સી.જી.ડી.એન. ચિવેન્ગા, તેમનાં ધર્મપત્ની, ઝિમ્બાબ્વેના કેબિનેટ મંત્રી માનનીય શ્રી રાજ મોદી (નાયબ મંત્રી- ઉદ્યોગ અને વાણિજ્ય) અને શ્રી ટોંગાઈ માફીદી મનાંગાગ્વા (નાયબ મંત્રી – પર્યટન અને આતિથ્ય સત્કાર), ઝિમ્બાબ્વેના એમ્બેસેડર માનનીય શ્રીમતી સ્ટેલા શ્રીમતી સ્ટેલા એનકોમો અને ટોચના સચિવો સાથેનું સુરત પધારેલ પ્રતિનિધિમંડળ તા. ૨૩ ઓગષ્ટ ૨૦૨૫ના રોજ સાંજે ૦૫:૦૦ કલાકે, પ્લેટિનમ હોલ, સરસાણા, સુરત ખાતે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત ‘ચલો ઝિમ્બાબ્વે’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યું હતું, જેમાં ઝિમ્બાબ્વેના વાઈસ પ્રેસિડેન્ટે સુરતના ઉદ્યોગ સાહસિકો, વેપારીઓ અને પ્રોફેશનલ્સની સાથે સીધો સંવાદ સાધ્યો હતો.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, ‘ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ૧૯૮૦ થી વેપાર અને સહકારના ઐતિહાસિક સંબંધો છે. હાલમાં ભારત-ઝિમ્બાબ્વે વચ્ચેનો વેપાર યુ.એસ. ડોલર ૧૫૦ થી ૨૦૦ મિલિયન જેટલો છે. ૨૦૨૪માં માત્ર ફાર્માસ્યુટિકલ્સ ક્ષેત્રમાં જ ભારતે યુ.એસ. ડોલર ૬૨ મિલિયનનો નિકાસ ઝિમ્બાબ્વે તરફ કર્યો છે. ITEC પ્રોગ્રામ અને ICCR સ્કોલરશિપ દ્વારા ભારત ઝિમ્બાબ્વેને તાલીમ અને શિક્ષણક્ષેત્રે સતત સહાય પૂરી પાડે છે.
ભારત એ ઝિમ્બાબ્વેમાં યુ.એસ. ડોલર યુ.એસ.ડોલર ૦૫ મિલિયનની ગ્રાન્ટ હેઠળ ૧૭ ઈન્ડો–ઝિમ ટેક્નોલોજી સેન્ટર્સ સ્થાપ્યા છે, જે SME અને વ્યાવસાયિક તાલીમ માટે અદ્યતન સાધનો અને સુવિધાઓ પૂરી પાડે છે. ૨૦૨૪ માં ભારતે ઝિમ્બાબ્વેથી યુ.એસ. ડોલર ૪૬.૬ મિલિયનનો તમાકુ, યુ.એસ. ડોલર ૯.૩ મિલિયનનો લોહ–સ્ટીલ અને યુ.એસ. ડોલર ૮૭.૪ મિલિયનના મોતી, રત્નો અને કિંમતી પથ્થરોની આયાત કરી છે, જે સીધી સુરતના હીરા–જ્વેલરી ઉદ્યોગ તેમજ કૃષિ પ્રોસેસિંગ અને એન્જિનિયરિંગ ક્ષેત્રોને પૂરક છે.’
ઝિમ્બાબ્વેના ઉપરાષ્ટ્રપતિ મહામહિમ જનરલ (નિવૃત્ત) ડૉ. સી.જી.ડી.એન. ચિવેન્ગાએ જણાવ્યું હતું કે, ‘ભારત અને ઝિમ્બાબ્વેના આર્થિક સંબંધોમાં ઐતિહાસિક મોરચે મહત્વપૂર્ણ છે. ઝિમ્બાબ્વે Vision 2030 અંતર્ગત અપર-મિડલ-ઈનકમવાળું અર્થતંત્ર બનવા માટે પ્રતિબદ્ધ છે. કુદરતી સંસાધનોની સમૃદ્ધિ, યુવા તથા કુશળ માનવબળ અને પ્રાદેશિક બજારોમાં પ્રાથમિક પ્રવેશ સાથે ઝિમ્બાબ્વે આકર્ષક રોકાણ સ્થળ છે. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેના સંબંધો પરસ્પર સન્માન અને સંયુક્ત સમૃદ્ધિના પાયા ઉપર વર્ષોથી ટકેલા છે. આજે અમે આ સંબંધોને વધુ ઊંચા સ્તરે લઈ જવા માગીએ છીએ, જે મોટા રોકાણો, અદ્યતન ટેક્નોલોજી અને બંને દેશોને મૂલ્ય આપતા વ્યાપાર મોડલો દ્વારા નિર્ધારિત થાય.
દક્ષિણ આફ્રિકાના મધ્યસ્થાનમાં સ્થિત ઝિમ્બાબ્વે, ઝડપથી વિકસતી લોજિસ્ટિક્સ અને ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે, આફ્રિકન કોન્ટિનેન્ટલ ફ્રી ટ્રેડ એરિયાનો કુદરતી પ્રવેશદ્વાર છે. જે ૧.૪ અબજ લોકો અને યુ.એસ. ડોલર ૩.૪ ટ્રિલિયનથી વધુ GDP ધરાવતું એકીકૃત બજાર છે. હાલમાં ૨૫ થી વધુ ભારતીય કંપનીઓ ઝિમ્બાબ્વેમાં સફળતાપૂર્વક કાર્યરત છે, જેમાં Surface Wilmar Investments અને Varun Beveragesનો સમાવેશ થાય છે.
તેમણે રોકાણની તકો વિશે જણાવતા કહ્યું હતું કે, ઝિમ્બાબ્વે પ્રીમિયમ કપાસનું ઉત્પાદન કરે છે. તેથી ગુજરાતના ટેક્સટાઈલ ઉદ્યોગ સાથે ભાગીદારી કરીને વૈશ્વિક બજારોમાં નવા દ્વાર ખોલી શકાય. સાથે જ માઈનિંગ અને મિનરલ વેલ્યુ એડિશનમાં લિથિયમ, સોનું, પ્લેટિનમ, હીરા સહિત ૬૦થી વધુ ખનિજો, લિથિયમ બેટરી, મિનરલ પ્રોસેસિંગ અને ડાયમંડ કટિંગ–પોલિશિંગમાં વિશાળ સંભાવનાઓ રહેલી છે, જ્યારે ઊર્જા અને રિન્યુએબલ્સ ક્ષેત્રે સોલાર, હાઈડ્રો અને બાયોમાસ પ્રોજેક્ટમાં રોકાણની વિશાળ તકો રહેલી છે. ઝિમ્બાબ્વે MICE ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ક્રિકેટ સ્ટેડિયમોમાં રોકાણ કરવા માટે દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ સાહસિકોને આમંત્રિત કર્યા હતા.
ઝિમ્બાબ્વેના કેબિનેટ મંત્રી માનનીય શ્રી રાજ મોદીએ જણાવ્યું હતું કે, ઝિમ્બાબ્વે રોકાણકારો માટે એક સુરક્ષિત દેશ છે. ભારતીય રોકાણકારો કોઈપણ પ્રકારના ભય વિના ઝિમ્બાબ્વે રોકાણ કરી પોતાના વ્યવસાયનો વ્યાપ વધુ વધારી શકે છે. રોકાણકારોને ઈઝી ટુ બિઝનેસની અનેક પ્રકારની સવલતો ઝિમ્બાબ્વેમાં આપવામાં આવે છે. દક્ષિણ ગુજરાતના ફાર્માસ્યુટિકલ્સના ઉદ્યોગ સાહસિકો સમક્ષ ઝિમ્બાબ્વેના ફાર્માસ્યુટિકલ્સ ક્ષેત્રે રોકાણ કરવાની અને ઝિમ્બાબ્વેના આ ઉદ્યોગના આધુનિકીકરણ માટેની વિશેષ તકો રહેલી છે.
ઝિમ્બાબ્વેના કેબિનેટ મંત્રી માનનીય શ્રી ટોંગાઈ માફીદી મનાંગાગ્વાએ જણાવ્યું હતું કે, ‘ઝિમ્બાબ્વે પર્યટનનો અનુભવ લેવા માટે એક સુંદર સ્થળ છે. દેશમાં વિશ્વપ્રસિદ્ધ વિક્ટોરિયા ફોલ્સ સહિત અનેક આકર્ષણો અને વાઈલ્ડ લાઈફ છે. ઉપજાઉ જમીન અને પૂરતા જળસ્ર્તો સાથે ઝિમ્બાબ્વે ભવિષ્યમાં પ્રાદેશિક ફૂડ બની શકે છે. પ્લાસ્ટિક વેસ્ટ રીસાયકલિંગ અને પર્યાવરણીય ટકાઉ પ્રોજેક્ટ્સનું નિર્માણ કરીને ભારતીય ઉદ્યોગકારો પોતાના વ્યવસાયનો વ્યાપ વધારી શકે છે. સાથે જ AI, ICT, સ્ટાર્ટઅપ્સ અને R&D માં ભારતના સહકાર દ્વારા આફ્રિકન ટેક હબ બનવાનું લક્ષ્ય ઝિમ્બાબ્વે રાખે છે.’
બારડોલીના સાંસદ માનનીય શ્રી પરભુભાઈ વસાવાએ આ પ્રસંગે ભારત અને ઝિમ્બાબ્વે સુમેળ સંબંધો વિશે ચર્ચા કરી હતી. તેમણે સુરતને ભારતનું એક મહત્વનું ઔદ્યોગિક શહેર અને મિની ભારત તરીકેની ઓળખ ઝિમ્બાબ્વેના પ્રતિનિધિમંડળને કરાવી હતી.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login