ADVERTISEMENT

ADVERTISEMENT

શું લોકસભા ચૂંટણીમાં ગુજરાત ભાજપને તેનો આંતરિક જૂથવાદ નુકશાન કરાવશે ?

ગુજરાત ભાજપમાં આંતરિક જૂથવાદ ચરમસીમાએ, વડોદરાથી રંજનબેન ભટ્ટ બાદ સાબરકાંઠા બેઠકના ભીખાજી ઠાકોરે પણ ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી.

વડોદરાથી ઉમેદવારી પાછી ખેંચનાર 2 વખતના સાંસદ રંજન ભટ્ટ. / @mpvadodara

લોકસભા ચૂંટણી 2024ની જાહેરાત થયા બાદ તમામ પાર્ટીઓ પોતપોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારીને ચૂંટણી ના જંગની શરૂઆત કરવામાં લાગી ગઈ છે. દરેક પાર્ટીઓ પોતપોતાના દાવપેચ લગાવી રહી છે. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હોમ પીચ ગુજરાતમાં જ ક્યાંક અંદરોઅંદર જ દાવપેચ રમાઈ રહ્યા હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. ભાજપ હાઇકમાન્ડ દ્વારા ગુજરાતમાં કુલ 26 સીટો પૈકી 22 સીટો પર ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી ચુકી છે. જેમાં કુલ 12 બેઠક પર સીટિંગ સાંસદોને રિપીટ કરવામાં આવ્યા છે, જયારે 10 નવા ઉમેદવારોને મેદાનમાં ઉતારાયા છે. આ નવા ઉમેદવારોમાં પણ ભાજપે જાણીતા જૂનાજોગીઓ પુરુષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયાને ટિકિટ આપી છે.

મૂળ વાત છે કે, જ્યારથી વડાપ્રધાન ની નજીકના ગણાતા સી.આર.પાટીલને ગુજરાત પ્રદેશ પ્રમુખ બનાવાયા હતા. ત્યારથી જ ગુજરાત ભાજપમાં ક્યાંકને ક્યાંક અંદરો અંદર ગણગણાટ કે વિરોધ શરુ થયો હતો. રૂપાણી સરકારને ઘરે બેસાડીને નવી સરકારની રચના કરવામાં પણ ક્યાંક પાટીલની ભૂમિકા હોવાનું ચર્ચાઈ રહ્યું હતું. તે સમયે પાટીલે પોતાના જૂથના ગણાતા નેતાઓને યોગ્ય જગ્યા અને પદો પર ગોઠવી દીધા હતા. આ સમયથી ચાલી રહેલ જૂથવાદ હવે ક્યાંક લોકસભા ચૂંટણી ટાણે બહાર આવ્યો છે.

વડોદરા બેઠક પર સીટિંગ સાંસદ રંજનબેન ભટ્ટને ફરી રિપીટ કરવામાં આવતા વડોદરા ભાજપનો આંતરિક જૂથવાદ સપાટી પર આવ્યો હતો. રંજનબેનનું નામ જાહેર થતા જ વડોદરાના મેયર રહી ચૂકેલા અને ભાજપના જ રાષ્ટ્રીય મહિલા મોરચાનાં માજી ઉપાધ્યક્ષ જ્યોતિબેન પંડ્યા એ સૌપ્રથમ આક્રોશ ઠાલવતા વિરોધ નોંધાવ્યો હતો. તેમણે રંજનબેન સામે ઘણા આક્ષેપો પણ કર્યા હતા. જ્યોતિબેનના આક્રોશબાદ ભાજપ દ્વારા તેમને પાર્ટીના તમામ હોદ્દાઓ પરથી સસ્પેન્ડ કરી દેવાયા હતા.

આ મામલો હજુ શાંત પડયો ન હતો ત્યાં જ વડોદરા ભાજપના સાવલીના સીટિંગ ધારાસભ્ય કેતન ઇનામદારે રંજનબેન વિરુદ્ધ મોરચો ખોલ્યો હતો. કેતન ઇનામદારે પોતાનું રાજીનામુ આપતો પત્ર વિધાનસભા અધ્યક્ષને મેઈલ કર્યો હતો. જે સમગ્ર દિવસ દરમ્યાન ચર્ચાનો વિષય બન્યો હતો. ગુજરાતના રાજકારણમાં ભૂકંપ સર્જતી આ ઘટનાને પગલે વડોદરા આખો દિવસ દરમ્યાન રાજકારણનું એપી સેન્ટર બન્યું હતું. ચર્ચાઓ એવી થઇ રહી હતી કે, રંજન ભટ્ટને રિપીટ કરવામાં આવતા જૂથવાદ વકર્યો હતો. જોકે સાંજે પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાથે બેઠક કર્યા બાદ કેતન ઇનામદારના સુર બદલાયા હતા. તેમણે બાદમાં કહ્યું હતું કે હું મારુ રાજીનામું પાછું ખેંચું છું, મને સંતોષ છે અને આગામી 2027ની ચૂંટણી હું નહીં લડું.
 

રંજન ભટ્ટને રિપીટ કરાયા ત્યારે કેતન ઇનામદારે શુભેચ્છાઓ પાઠવતી પોસ્ટ કરી હતી. / @KetanInamdarMla

આ બંને ઘટનાઓને પગલે વડોદરા ભાજપનો જૂથવાદ સમગ્ર ગુજરાતે જોયો અને આ વખતે વડાપ્રધાનની 400+ સીટ મેળવવાના લક્ષ્યમાં ક્યાંક રોડા નંખાઈ રહ્યા હોય તેવું દ્રશ્ય ઉભું થયું હતું. કારણકે જો નરેન્દ્ર મોદીના હોમટાઉન માં જ અંદરો અંદર ડખા કરીને ભાજપ હારે છે. તો એક તરફ સી.આર.પાટીલની ગુજરાતની તમામ 26 સીટ લાવવાની ગણતરી અને વડાપ્રધાનનું હોમટાઉન બંને પર દાગ લાગે તેવું છે. આ અંગે પ્રદેશ લેવલ અને દિલ્હી સુધી નોંધ લેવામાં આવી અને અંદરો અંદર ચાલી રહેલા જુથવાદને ડામવા અને ડેમેજ કંટ્રોલ કરવા  કેટલાક ખાસ નેતાઓ ને દોડાવવામાં આવ્યા. 

આ સમગ્ર રાજકીય ડ્રામા બાદ આખરે 4 દિવસ પછી વડોદરા ભાજપના નેતાઓ જે ઇચ્છતા હતા તે જ થયું અને રંજન ભટ્ટે પોતાની દાવેદારી પાછી ખેંચી ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવીને જાહેરાત કરી દીધી. રંજનબેન એ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, "હું રંજનબેન ધનંજય ભટ્ટ મારા અંગત કારણોસર લોકસભા ચૂંટણી 2024ની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવું છું."



રાજકીય વર્તુળોમાં થઇ રહેલ ચર્ચા મુજબ રંજન ભટ્ટે જ્યોતિબેન પંડયા અને કેતન ઇનામદાર દ્વારા રચાયેલ ડ્રામા ને કારણે પ્રેશર બનતા ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. જયારે બીજી તરફ સાબરકાંઠાના ઉમેદવાર ભીખાજી ઠાકોરે પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી છે. તેમણે લખ્યું છે કે, "હું ભીખાજી ઠાકોર વ્યક્તિગત કારણોસર સાબરકાંઠા લોકસભા 2024ની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવું છું."

ભારતીય જનતા પાર્ટીને પહેલેથી જ શિસ્તબદ્ધ પાર્ટી ગણવામાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ભાજપમાં ક્યાંક આંતરિક જૂથવાદ વકર્યો છે અને હવે તે સપાટી પર આવી રહ્યો છે. સત્તાની હોડમાં કે સત્તાના મદમાં કેટલાક નેતાઓ પોતાને પાર્ટી થી ઉપર માનીને વ્યવહાર કરતા હોવાનું પણ સામે આવ્યું છે. ગુજરાત ભાજપમાં બનેલી આ ઘટનાઓમાં હવે સવાલ એ છે કે રંજનબેન ભટ્ટ એ જાતે અનિચ્છા દર્શાવી છે કે પછી ભાજપ આંતરિક જુથવાદને કારણે ડેમેજ ભાળી જતાં રંજનબેન ને હટી જવા માટે આદેશ આપવામાં આવ્યા છે ? 

 

ભાજપનો આ આંતરિક જૂથવાદ જ ક્યાંક પાટીલની 26 સીટ જીતવાની ગણતરીને ઉંધી પાડે તેવું લાગી રહ્યું છે.

Comments

Related