ADVERTISEMENT

ADVERTISEMENT

કેનેડામાં બે ભારતીય મૂળના યુવાનોની ગોળી મારીને હત્યા

પોલીસે જણાવ્યું કે, મિત્રની જન્મદિવસની ઉજવણી માટે જતા હતા ત્યારે ટાર્ગેટેડ શૂટિંગમાં બન્નેના મોત થયા

પ્રતીકાત્મક તસ્વીર / Canva

કેનેડાના એડમન્ટનમાં ૧૨ ડિસેમ્બરની વહેલી સવારે ટાર્ગેટેડ હુમલામાં પંજાબના બે ભારતીય મૂળના યુવાનોની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.

મૃતકોની ઓળખ ૨૭ વર્ષીય ગુરદીપ સિંહ (બરેહ ગામ, પંજાબના માનસા જિલ્લાના બુઢલાડા પાસે) અને ૨૦ વર્ષીય રણવીર સિંહ (ઉદ્દત સૈદેવાલા ગામ) તરીકે થઈ છે. બન્ને રોજગારીની તકો માટે કેનેડામાં રહેતા હતા.

ગુરદીપના પરિવારને તેમના પિતરાઈ ભાઈ અર્શદીપ પાસેથી મળેલી માહિતી અનુસાર, બન્ને મિત્રો સાથે એસયુવીમાં મિત્રની જન્મદિવસની પાર્ટીમાં જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા હુમલાખોરોએ વાહન પર ગોળીબાર કર્યો હતો.

એડમન્ટન પોલીસ સર્વિસના મીડિયા રિલીઝ અનુસાર, ૧૨ ડિસેમ્બરે રાત્રે લગભગ ૧:૪૩ વાગ્યે ૩૨ સ્ટ્રીટ અને ૨૬ એવન્યુ વિસ્તારમાં ગોળીબારના અહેવાલ મળ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ગોળી વાગેલા બે યુવાનોને જીવન બચાવવાના પ્રયાસ કર્યા, પરંતુ ઈમર્જન્સી મેડિકલ સર્વિસ આવે તે પહેલાં જ બન્નેનું મોત થયું હતું.

એડમન્ટન પોલીસના હોમિસાઈડ વિભાગે તપાસ હાથ ધરી છે. પોસ્ટમોર્ટમ ૧૬ અને ૧૭ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ નિર્ધારિત છે.

તપાસકર્તાઓ ઘટના સમયે વિસ્તારમાં હાજર રહેલી ડાર્ક કલરની એસયુવીની શોધ કરી રહ્યા છે. પોલીસે સિલ્વરબેરી રોડ અને ૨૩ એવન્યુ અથવા ૩૪ સ્ટ્રીટ અને ૨૯ સ્ટ્રીટ પાસેના લોકોને ગુરુવારે બપોરે ૨ વાગ્યાથી શુક્રવારે સવારે ૨:૩૦ વાગ્યા સુધીના ડેશકેમ અથવા સિક્યોરિટી ફૂટેજ હોય તો સંપર્ક કરવા અપીલ કરી છે.

માનસામાં પરિવારજનોએ મૃતદેહો ભારત લાવવા માટે સરકારી મદદની માંગ કરી છે.

અહેવાલો અનુસાર, રણવીર સિંહ તેના માતા-પિતાનો એકલો દીકરો હતો. ગુરદીપ સિંહના લગ્ન લગભગ પાંચ વર્ષ પહેલાં થયાં હતાં અને તે આવતા મહિને ભારત આવવાની યોજના બનાવી રહ્યા હતા.

Comments

Related