ADVERTISEMENT

ADVERTISEMENT

ટ્રમ્પના વિઝા પ્રતિબંધોથી ભારત-ચીનને મોટો ફટકો: રિપોર્ટ

આ ઘટાડો વિદ્યાર્થીઓ, કામદારો તેમજ અમેરિકી નાગરિકો અને કાયદેસર રહેવાસીઓના પરિવારજનો માટેના વિઝા તેમજ પ્રવાસી વિઝાને આવરી લે છે.

ડોનાલ્ડ ટ્રમ્પ(ફાઈલ ફોટો) / X/@realDonaldTrump

અમેરિકામાં કાયદેસર ઈમિગ્રેશનમાં 2025ના પ્રથમ આઠ મહિનામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ટ્રમ્પ વહીવટે વિઝા નીતિઓને કડક બનાવતાં ભારત અને ચીન સૌથી વધુ અસરગ્રસ્ત થયાં છે, એવું 'ધ વોશિંગ્ટન પોસ્ટ'ના અહેવાલમાં જણાવાયું છે.

સ્ટેટ ડિપાર્ટમેન્ટે જાન્યુઆરીથી ઓગસ્ટ 2025 દરમિયાન 2024ના સમાન ગાળા કરતાં આશરે 2.5 લાખ ઓછા વિઝા જારી કર્યા છે. માર્ચની શરૂઆતમાં જાહેર થયેલા અધિકૃત આંકડા અનુસાર, પર્મનન્ટ રેસિડન્ટ (ગ્રીન કાર્ડ) અને ટેમ્પરરી વિઝાની મંજૂરીમાં 11 ટકાનો ઘટાડો થયો છે.

આ ઘટાડો વિદ્યાર્થી વિઝા, કામદાર વિઝા તેમજ અમેરિકી નાગરિકો અને કાયદેસર રહેવાસીઓના પરિવારજનો માટેના વિઝાને આવરી લે છે. પ્રવાસી વિઝામાં પણ સમાન ગાળામાં ઘટાડો નોંધાયો છે.

ભારત અને ચીનના નાગરિકો માટેના વિઝામાં સૌથી વધુ તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. અહેવાલ મુજબ, આ બે દેશોના નાગરિકો માટે આશરે 84,000 ઓછા વિઝા જારી થયા છે. આ ઘટાડો મુખ્યત્વે વિદ્યાર્થી, કામદાર અને પરિવાર સંબંધિત વિઝામાં થયો છે.

આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ સૌથી વધુ અસરગ્રસ્ત થયા છે. વિદ્યાર્થી વિઝામાં 30 ટકાથી વધુ ઘટાડો થયો છે. એક્સચેન્જ વિઝિટર વિઝામાં પણ લગભગ 30,000નો ઘટાડો થયો છે.

પર્મનન્ટ રેસિડન્સી (ગ્રીન કાર્ડ) માટેના વિઝામાં પણ ઘટાડો થયો છે. કામદારો, અમુક સંબંધીઓ તેમજ અફઘાનિસ્તાન અને ઈરાક જેવા દેશોના નાગરિકો માટેના વિઝામાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે.

અધિકારીઓ અને વિશ્લેષકોએ આ ઘટાડાને નીતિ ફેરફારો અને વહીવટી કારણો સાથે જોડ્યો છે. આમાં 19 દેશો પરનો ટ્રાવેલ બેન, વિદ્યાર્થી વિઝા ઈન્ટરવ્યૂનો અસ્થાયી રોક, વિસ્તૃત વેટિંગની જરૂરિયાતો તેમજ સોશિયલ મીડિયા તપાસ જેવા પગલાંનો સમાવેશ થાય છે.

સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં સ્ટાફ કટોતીથી પ્રોસેસિંગ ક્ષમતા ઘટી છે. અનેક હાઈ-ડિમાન્ડ સ્થળોએ કોન્સ્યુલર એપોઈન્ટમેન્ટ ઓછા થયા છે અને વેઈટિંગ ટાઈમ વધ્યો છે.

સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા ટોમી પિગોટે કહ્યું કે, “વિઝા એક અધિકાર નહીં પણ વિશેષાધિકાર છે. બાઈડન વહીવટથી વિપરીત, રાષ્ટ્રપતિ ટ્રમ્પ અમેરિકી નાગરિકોની સુરક્ષા સાથે સમાધાન કરીને અનવેરિફાઈડ વિદેશી નાગરિકોના સામૂહિક સ્થળાંતરને મંજૂરી આપવા તૈયાર નથી.”

વ્હાઈટ હાઉસની પ્રવક્તા એબિગેઈલ જેક્સને જણાવ્યું કે, “રાષ્ટ્રપતિ ટ્રમ્પને અમેરિકી નાગરિકોને પ્રાથમિકતા આપવાનો ભવ્ય મેન્ડેટ મળ્યો છે અને તેમના દરેક નીતિ નિર્ણયમાં આ પ્રાથમિકતા પ્રતિબિંબિત થાય છે.”

વિશ્લેષકો માને છે કે નીતિ અને માંગ બંને પરિબળો આ ઘટાડામાં ભાગ ભજવી રહ્યા છે.

નિસ્કાનેન સેન્ટરના સેસિલિયા એસ્ટરલાઈને કહ્યું કે, “આ ઘટાડામાં કેટલો ભાગ માંગને કારણે અને કેટલો નીતિને કારણે છે તે અલગ કરી શકાતું નથી, પરંતુ બંને દબાણ ઊભું કરી રહ્યા છે.”

વિરોધીઓનું કહેવું છે કે આ પ્રતિબંધો અમેરિકાની અર્થવ્યવસ્થા અને વૈશ્વિક સ્પર્ધાત્મકતાને નુકસાન પહોંચાડી શકે છે.

હાર્વર્ડ યુનિવર્સિટીના જેસન ફર્મને જણાવ્યું કે, “ઈમિગ્રેશન કરતાં વધુ મહત્વની કોઈ નીતિ અમેરિકાની વર્તમાન અને ભવિષ્યની અર્થવ્યવસ્થા માટે નથી. જ્યારે આપણે ઈમિગ્રેશનને પ્રતિબંધિત કરીએ છીએ, ત્યારે માત્ર આજના લેબર ફોર્સ વૃદ્ધિને જ નહીં, પરંતુ ભવિષ્યમાં નવીનતા અને ઉત્પાદકતા વૃદ્ધિને પણ ઓછી કરીએ છીએ.”

ગુજરાતીમાં અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો "ન્યુ ઇન્ડિયા અબ્રોડ ગુજરાતી"

Comments

Related

To continue...

Already have an account? Log in

Create your free account or log in