યુ.એસ. વેપાર પ્રતિનિધિ જેમીસન ગ્રીર / X/@USTradeRep
અમેરિકાના ટ્રેડ રિપ્રેઝેન્ટેટિવ (USTR) જેમિસન ગ્રીરે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વ્યાપક ટેરિફ નીતિનું સમર્થન કરતાં કહ્યું કે આ પગલાંથી ભારત સહિતના વેપારી ભાગીદાર દેશો સામે અમેરિકાની વાટાઘાટ કરવાની સ્થિતિ વધુ મજબૂત બની છે. તેમણે કહ્યું કે આ નીતિ અમેરિકામાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને ફરીથી મજબૂત બનાવવાના પ્રયાસોમાં પણ મદદરૂપ થઈ રહી છે.
The New York Timesને આપેલા ઇન્ટરવ્યૂમાં ગ્રીરે જણાવ્યું કે કાનૂની પડકારો અને ભાવવધારા તેમજ વૈશ્વિક વેપાર પર અસર અંગેની ટીકા છતાં ટ્રમ્પ પ્રશાસનની વેપાર નીતિ સકારાત્મક પરિણામ આપી રહી છે.
ટેરિફ નીતિ સફળ રહી છે કે નહીં તે અંગે પૂછવામાં આવતા ગ્રીરે કહ્યું, "હા, અમે ખૂબ જ સફળ રહ્યા છીએ. જ્યારે તમે મોટા પાયે નીતિમાં ફેરફાર કરો છો અને ખાસ હિત ધરાવતા જૂથો અથવા કોર્પોરેટ હિતોને પડકારો છો, ત્યારે વિરોધ તો થશે જ. તેઓ હાલની સ્થિતિ જાળવી રાખવા માંગે છે, પરંતુ અમે તેમાં ફેરફાર કરવા માંગીએ છીએ."
ગ્રીરે કહ્યું કે વધતા વેપાર ખાધ (ટ્રેડ ડેફિસિટ)ને અમેરિકાએ આર્થિક ઇમરજન્સી તરીકે જોયું હતું અને તેથી ઝડપથી પગલાં લેવામાં આવ્યા. તેમના જણાવ્યા મુજબ વ્યાપક ટેરિફના કારણે અમેરિકા અનેક દેશો સાથે નવા વેપાર કરારો કરવામાં સફળ રહ્યું છે.
The New York Timesના અહેવાલ મુજબ ગ્રીરે કહ્યું કે આ અભિગમના કારણે અમેરિકા બ્રિટન, યુરોપિયન યુનિયન, ઇન્ડોનેશિયા, ભારત અને જાપાન સાથે વેપાર કરારો કરવામાં સફળ રહ્યું છે.
ગ્રીરે સ્વીકાર્યું કે અમેરિકાની સુપ્રીમ કોર્ટે પ્રશાસનની ટેરિફ યોજનાના મહત્વના ભાગને રદ કર્યો હતો, પરંતુ તેમણે કહ્યું કે તેમને આ વ્યૂહરચના અંગે કોઈ પસ્તાવો નથી.
તેમણે કહ્યું, "અમારા પર હંમેશા કેસ થશે. કેટલાક લોકો અમેરિકન કામદારોના હિતના ભોગે પોતાનો ફાયદો જાળવી રાખવા માંગે છે અને પોતાની વ્યવસાયિક પદ્ધતિ બચાવવા માટે કોર્ટનો સહારો લે છે."
ગ્રીરે જણાવ્યું કે પ્રશાસન પોતાની વેપાર નીતિને આગળ વધારવા માટે અન્ય કાનૂની વિકલ્પો પર કામ કરી રહ્યું છે અને દાયકાઓ જૂની અમેરિકાની વેપાર નીતિમાં મૂળભૂત ફેરફાર કરવા માટે પ્રતિબદ્ધ છે.
તેમણે કહ્યું, "અમે વેપાર નીતિમાં ફેરફાર લાવવામાં સફળ થઈ રહ્યા છીએ. વેપાર ખાધ ઘટી રહી છે, ઉત્પાદન ફરી અમેરિકામાં આવી રહ્યું છે, વેતનમાં વધારો થઈ રહ્યો છે અને અનેક ક્ષેત્રોમાં સકારાત્મક પરિણામ મળી રહ્યા છે. તેથી હાલની સ્થિતિથી હું સંતોષમાં છું."
ગ્રીરે વધુમાં કહ્યું, "અમારો હેતુ દુનિયા બદલવાનો નથી. અમે માત્ર વેપારની શરતો અમેરિકાના હિતમાં બદલવા માંગીએ છીએ. જરૂર પડશે તો અન્ય દેશો સામે પણ જરૂરી પગલાં લઈશું. આ કોઈ દેશ વિરોધી નીતિ નથી, પરંતુ અમેરિકા-પ્રથમ અભિગમ છે."
ટેરિફ નીતિ રાજકીય રીતે ટકી શકશે નહીં એવી ટીકાને નકારી કાઢતાં ગ્રીરે કહ્યું કે આ નીતિનું મૂલ્યાંકન લાંબા ગાળાના પરિણામોના આધારે થવું જોઈએ.
તેમણે કહ્યું, "આ વેપાર નીતિનો હેતુ અમેરિકન કામદારોના વેતન વધારવાનો તેમજ ઉત્પાદન અને કૃષિ ક્ષેત્રને સુરક્ષિત કરવાનો છે. સમય જતાં અમેરિકન લોકો તેના લાભો સ્પષ્ટ રીતે જોઈ શકશે."
ગ્રીરના જણાવ્યા મુજબ અમેરિકાનું ઉત્પાદન ક્ષેત્ર ફરીથી મજબૂત બનવામાં સમય લાગશે, પરંતુ હાલથી જ નવા કારખાનાઓમાં રોકાણ, મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં વધતા વેતન અને ઔદ્યોગિક ઉત્પાદકતામાં સુધારાના સંકેતો જોવા મળી રહ્યા છે.
ગુજરાતીમાં અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો "ન્યુ ઇન્ડિયા અબ્રોડ ગુજરાતી"
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login