રોડ બનવવાની કામગીરી દરમ્યાન નિરીક્ષણ / માહિતી વિભાગ, ગુજરાત
ગુજરાતના માર્ગોને આધુનિક બનાવીને પર્યાવરણને અનુકૂળ ટકાઉ વિકાસની દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સ્પીડ અને સ્કેલના વિઝન અનુસાર ભારતના રોડ નેટવર્કના વિકાસની ગતિ અને તેના સ્કેલમાં પરિવર્તન જોવા મળી રહ્યું છે. આ વિઝનને અનુરૂપ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ વર્ષના બજેટમાં ₹1147 કરોડના ખર્ચે માર્ગોના નિર્માણકાર્યમાં ક્લાઇમેટ રેઝીલીય્ન્ટ અને નવી ટેક્નોલોજીના ઉપયોગની જોગવાઇ કરવામાં આવી હતી. તે અનુસાર રાજ્યના વિવિધ જિલ્લામાં 20 માર્ગો પર આ ગ્રીન ટેક્નોલોજીની મદદથી કામગીરી શરૂ થવા જઇ રહી છે. આ પ્રક્રિયામાં હયાત રોડના જૂના મટેરિયલને ફરી ઉપયોગ કરીને રોડનું નિર્માણ કરવામાં આવશે, જેનાથી ખર્ચમાં ઘટાડાની સાથે પર્યાવરણને અનુકૂળ પ્રક્રિયાને પ્રોત્સાહન મળશે.
રાજ્યના નીચે દર્શાવેલા માર્ગો પર ગ્રીન ટેક્નોલોજી અનુસાર કામગીરી કરવામાં આવશે
લણવા-મણુંદ-સંડેર-બાલીસાણા રોડ (પાટણ), રાધનપુર-મશાલી-માધાપુરા રોડ (પાટણ), ભીડીયા સોમનાથ રોડ (ગીર સોમનાથ), સંતરામપુર- ઝાલોદ રોડ (મહીસાગર), દયાદરા- નબીપુર- ઝનોર રોડ (ભરૂચ), ઈલાવ- કોસંબા રોડ (ભરૂચ), મોરબી-નાની વાવડી- બગથળા રોડ (મોરબી), સુરેન્દ્રનગર બાયપાસ રોડ (સુરેન્દ્રનગર), ડીંડોલી-કરડવા-ઇકલેરા રોડ (સુરત), માંગલેજ-નારેશ્વર રોડ (વડોદરા), કોસીન્દ્રા-ભાખા રોડ (છોટા ઉદેપુર), કરજણ-આમોદ રોડ (વડોદરા), ઇસરવાડા- ઉંદેલ રોડ (આણંદ), વાલમ- કડી રોડ (મહેસાણા), પેપળુ- કાપરા રોડ (મહેસાણા), લુણી-ગુંદાલા-પત્રી-ટપ્પર- બાબીયા રોડ (કચ્છ), વડતાલ- જોળ- બાકરોલ રોડ (આણંદ), તળાજા-ગોપનાથ રોડ (ભાવનગર), કાલાવડ- જામવંથલી- ફલ્લા રોડ (જામનગર) અને કોઠારા એપ્રોચ રોડ (નર્મદા).
આ માર્ગો પર રોડને પહોળા કરવાનું કામ, આર.સી.સી ગટરલાઈન, રિસર્ફેસિંગ, પ્રોટેક્શન વર્ક, ફોર લેન, માટીકામ, રમ્બલ સ્ટ્રીપ, રોડ ફર્નિચર, સાઇડ શોલ્ડર, વ્હાઇટ ટોપિંગ, ગ્લાસ ગ્રીડ સહિતની કામગીરી અલગ અલગ રોડની જરૂરિયાતો અનુસાર કરવામાં આવશે. આ રસ્તાઓ પર પર્યાવરણને અનુકૂળ (ક્લાયમેટ રેઝિલ્યન્ટ) અને નવી ટેક્નોલોજી અનુસાર કામગીરી કરવામાં આવશે.
કઈ રીતે કામ કરે છે ગ્રીન ટેક્નોલોજી ?
ગ્રીન ટેક્નોલોજીની કામગીરીમાં હયાત રોડની જૂની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં રોડને ઉખાડીને ત્યા ચૂનો પાથરવામાં આવે છે. આ સામગ્રીને પલ્વરાઈઝ (ભૂકો) કરીને તેનું રોલિંગ કરીને સ્થિર કરવામાં આવે છે. ત્યારબાદ રોડની ઉખાડેલી જૂની સામગ્રીને આ સપાટી પર પાથરીને ડ્રાય રોલિંગ કરવામાં આવે છે. ત્યારબાદ તેના પર સિમેન્ટ સ્પ્રેડર મશીનથી સિમેન્ટ પાથરીને તેના પર કેમિકલ સાથેની સિમેન્ટનું સ્ટેબિલાઇઝેશન કરવામાં આવે છે. ત્યારબાદ પેડ ફુટ રૉલર, ગ્રેડર તથા ન્યૂમેટિક ટાયર રૉલરથી તેનું લેવલિંગ અને કોમ્પેકેશન કરવામાં આવે છે. આ કામગીરીના સાત દિવસ બાદ નોન વુવન મટેરિયલ-સ્ટ્રેસ એબ્ઝોર્બિંગ મેમ્બ્રેન (SAMI) પાથરીને તેના પર ડામરનું આવરણ લગાવવામાં આવે છે. SAMI એક પ્રકારની હાઇટેક ફાઇબર શીટ હોય છે, જે ડામર પાથરતા પહેલા લગાવવામાં આવે છે. તે તિરાડોને ઉપર આવતા રોકે છે, ગાડીઓના પ્રેશરને શોષવામાં મદદરૂપ થાય છે અને રોડનું આયુષ્ય વધારે છે.
ગ્રીન ટેક્નોલોજીના ફાયદા
આ ટેક્નોલોજીમાં જૂના પેવમેન્ટની માટી તથા મેટલ જેવા મટેરિયલનો ફરી ઉપયોગ કરવામાં આવે છે. તેના લીધે ખર્ચો ઘટે છે અને રોડનો બેઝ વધુ મજબૂત બને છે. આ ટેક્નોલોજીની મદદથી રસ્તાને લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે જરૂરી એવા બેઝને સુધારવામાં આવે છે, જેનાથી રસ્તાની મજબૂતી વધે છે અને તેના પર વારંવાર રિપેરિંગની કામગીરી પણ જરૂરિયાત ઘટે છે. આ કામગીરીથી કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થવાની સાથે કુદરતી સંસાધનોની પણ બચત થાય છે.
બલ્ક ડ્રગ પાર્કને જોડતા માર્ગથી ઔદ્યોગિક વિસ્તારને ફાયદો
ભરૂચમાં જંબુસર-ટંકાલી-દેવલા રોડ પર ₹50 કરોડના ખર્ચે ગ્રીન ટેક્નલોજીનો ઉપયોગ કરીને રિકન્સ્ટ્રક્શનની મંજૂરી આપવામાં આવી છે. આ માર્ગ જંબુસાર પાસે ફાર્માસ્યુટિકલ બલ્ક ડ્રગ પાર્કને જોડે છે તેમજ ONGC પ્લાન્ટને જોડતો મુખ્ય માર્ગ છે. તે સિવાય દેવલા પાસે મીઠાની ખેતીના વિસ્તારને પણ તે જોડાણ પ્રદાન કરે છે. અહીં દરિયાકિનારા પાસે ઝીંગા ઉછેરના તળાવો માટે પણ આ માર્ગ જંબુસરથી વડોદરા જિલ્લાને જોડતો મહત્વપૂર્ણ રાજ્ય ધોરીમાર્ગ છે. તેના લીધે તે વડોદરાથી રેલવે, એરપોર્ટ તેમજ એક્સપ્રેસ-વે દ્વારા દેશના અન્ય ભાગો સાથે સીધું જોડાણ પ્રદાન કરે છે. આ રીતે વિવિધ એકમોને સીધી કનેક્ટિવીટી મળવાથી ઔદ્યોગિક દૃષ્ટિએ આ માર્ગથી ઘણો ફાયદો થશે.
રોડ નિર્માણની અમુક નવી ટેક્નોલોજી અને ડિઝાઇનનો સંક્ષિપ્ત ચિતાર:
વેસ્ટ પ્લાસ્ટિક રોડ : પ્લાસ્ટિકને ડામર સાથે મિક્સ કરવામાં આવે છે.
વ્હાઇટ ટોપિંગ: જૂના ડામર પર કોંક્રિટ પાથરવામાં આવે છે.
જિયોગ્રીડ અને ગ્લાસ ગ્રીડ: પોલીમરની જાળી (ગ્રીડ) અને ફાઇબર ગ્લાસની ગ્રીડ પાથરીને મજબૂત રોડ બનાવવામાં આવે છે. જિયોગ્રીડ પોચી માટીમાં વધારે મદદરૂપ બને છે. રોડના વજનને વહેંચવામાં મદદરૂપ થાય છે. ગ્લાસ ગ્રીડ ડામરની લેયર વચ્ચે પાથરવામાં આવે છે. તે રોડનું આયુષ્ય વધારે છે અને મજબૂતી આપે છે.
કોલ્ડ મિક્સ અસ્ફાલ્ટ: ગરમ કર્યા વિના ડામર મિક્સનો ઉપયોગ, ચોમાસાના સમયમાં પણ કામગીરીમાં ઉપયોગી બને છે.
સિમેન્ટ સ્ટેબિલાઇઝેશન: રોડના બેઝ અથવા માટીમાં સિમેન્ટ ભેળવીને મજબૂત લેયર બનાવવામાં આવે છે.
ફ્લાય એશ: થર્મલ પાવર પ્લાન્ટના કોલસાના પાવડરનો ઉપયોગ રોડ નિર્માણમાં કરવામાં આવે છે.
ઇન્ટરલોકિંગ પેવર્સ: નાના કોંક્રિટ બ્લૉક્સને એકબીજા સાથે લોક કરીને પાથરવામાં આવે છે.
પેનલ્ડ કોંક્રિટ: એકસાથે રોડ બનાવવાના સ્થાને કોંક્રિટના અલગ અલગ સ્લેબ પાથરીને રોડનું નિર્માણ.
પર્પેચ્યુઅલ પેવમેન્ટ: ઘણી બધી લેયર સાથે મજબૂત રોડનું નિર્માણ. આ રોડના મેન્ટેનન્સનો ખર્ચો ઓછો રહે છે અને લાંબા સમય સુધી રોડ કાર્યરત રહે છે.
ગુજરાતીમાં અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો "ન્યુ ઇન્ડિયા અબ્રોડ ગુજરાતી"
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login