ADVERTISEMENT

ADVERTISEMENT

"સુરત માત્ર શહેર નહીં, પરંતુ સ્પિરીટ છે" : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વિશ્વ પર્યાવરણ દિવસે સુરતને રૂ. ૧૮,૭૭૮ કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ

 વડાપ્રધાનના હસ્તે ૧૮,૭૭૮ કરોડના ૨૪ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ વડાપ્રધાનના હસ્તે ૧૮,૭૭૮ કરોડના ૨૪ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ / માહિતી વિભાગ, ગુજરાત.

વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સુરતની મુલાકાત દરમિયાન દક્ષિણ ગુજરાત માટે કેન્દ્ર અને રાજ્ય સરકારના કુલ રૂ. ૧૮,૭૭૮ કરોડના ૨૪ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરીને વિકાસની નવી દિશા દર્શાવી હતી. સુરતના દીનદયાળ ઉપાધ્યાય ઈન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સમારોહને સંબોધતા વડાપ્રધાનશ્રીએ સુરતની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, "સુરત માત્ર એક શહેર નથી, પરંતુ એક સ્પિરીટ છે." તેમણે ઉમેર્યું કે, એક સમય પ્લેગ જેવી મહામારીનો સામનો કરનાર સુરત આજે દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં સ્થાન પામી ગ્રીન એનર્જી અને પર્યાવરણ સંરક્ષણના મોડેલ તરીકે ઉભરી આવ્યું છે.

વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે, સુરતવાસીઓએ સ્વચ્છતાને અભિયાન નહીં પરંતુ સંસ્કાર તરીકે અપનાવી છે. સ્વચ્છતા અભિયાન દેશના સ્વસ્થ ભવિષ્ય માટેનું સંસ્કાર પર્વ છે અને સમગ્ર દેશમાં સ્વચ્છતાને જનઆંદોલન બનાવવા માટે સુરત પ્રેરણારૂપ બની રહ્યું છે. તેમણે કહ્યું કે, શહેરની જાગૃતિ અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીને કારણે સુરત આજે દેશનું સૌથી સ્વચ્છ શહેર બન્યું છે.

આ પ્રસંગે વડાપ્રધાનશ્રીએ દક્ષિણ ગુજરાતમાં માર્ગ, ઊર્જા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઔદ્યોગિક વિકાસ સાથે જોડાયેલા કેન્દ્ર સરકારના રૂ. ૧૬,૯૬૮ કરોડ અને રાજ્ય સરકારના રૂ. ૧,૮૧૦ કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. તેમણે જણાવ્યું કે, આ પ્રોજેક્ટ્સ માત્ર ઔદ્યોગિક ઉત્પાદન ક્ષમતામાં વધારો નહીં કરે, પરંતુ પર્યાવરણીય સંરક્ષણ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટના લક્ષ્યોને સિદ્ધ કરવામાં પણ મદદરૂપ બનશે.

પર્યાવરણ અને ગ્રીન ગ્રોથ વિષયક દૃષ્ટિકોણ રજૂ કરતા વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે, વિશ્વના દેશો હવે 'ગ્રીન ફ્યુચર' તરફ આગળ વધી રહ્યા છે ત્યારે ભારત પણ 'ઈકોનોમી' અને 'ઈકોલોજી'ના સંતુલન સાથે ગ્રીન ગ્રોથના માર્ગે આગળ વધી રહ્યું છે. ગુજરાતે આ દિશામાં દેશને પહેલેથી માર્ગદર્શન આપ્યું છે. રાજ્યમાં વર્ષો પહેલા ક્લાઈમેટ ચેન્જ વિભાગની સ્થાપના કરવામાં આવી હતી અને પાટણના ચારણકામાં ભારતનો પ્રથમ સોલાર પાર્ક ઉભો કરવામાં આવ્યો હતો. આજે ભારત વિશ્વના ટોચના પાંચ સોલાર એનર્જી ઉત્પાદક દેશોમાં સામેલ છે, જેમાં ગુજરાતનું યોગદાન નોંધપાત્ર હોવાનું તેમણે જણાવ્યું હતું.

વડાપ્રધાનશ્રીએ જણાવ્યું કે, છેલ્લા ૧૨ વર્ષથી દેશમાં 'વેસ્ટ ટુ વેલ્થ' અભિયાન ચાલી રહ્યું છે. "કચરામાંથી કંચન" ના ધ્યેય સાથે કચરાનું સંપત્તિમાં પરિવર્તન કરીને શહેરોને સ્વચ્છ અને હરિયાળા બનાવવાના પ્રયાસો સફળ સાબિત થઈ રહ્યા છે. સુરત મહાનગરપાલિકાની ગંદા પાણીને શુદ્ધ કરીને ઉદ્યોગોને વેચાણ કરવાની 'સર્ક્યુલર વોટર ઈકોનોમી'ની તેમણે વિશેષ પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે, આ મોડેલ પર્યાવરણ સુરક્ષા સાથે આર્થિક આવકનું પણ ઉત્તમ ઉદાહરણ છે.

તેમણે આગામી સમયમાં તાપી બેરેજ પ્રોજેક્ટ દ્વારા સુરતની પાણી સમસ્યાનો કાયમી ઉકેલ આવશે તેવી આશા વ્યક્ત કરી હતી. સુરત મનપાએ આગામી પાંચ દાયકાઓ સુધી પાણીની તંગી ન પડે તે માટે કરેલા આયોજનને પણ તેમણે બિરદાવ્યું હતું.

વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિનો ઉલ્લેખ કરતા વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષો સમગ્ર વિશ્વ માટે પડકારજનક રહ્યા છે. કોરોના મહામારી બાદ યુદ્ધો અને ઊર્જા સંકટ જેવી પરિસ્થિતિઓ ઊભી થઈ હોવા છતાં ભારતે પોતાની ઊર્જા સપ્લાય ચેનને મજબૂત રાખી છે. ૧.૪ અબજ ભારતીયોના સામૂહિક પ્રયાસોથી દેશ દરેક પડકારનો સફળતાપૂર્વક સામનો કરી રહ્યો છે.

વડાપ્રધાનના હસ્તે ૧૮,૭૭૮ કરોડના ૨૪ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ / માહિતી વિભાગ, ગુજરાત.

આત્મનિર્ભર ભારતના વિઝનને આગળ ધપાવતા વડાપ્રધાનશ્રીએ જણાવ્યું કે, સુરતનું હજીરા આજે મેરીટાઈમ હબ અને ડિફેન્સ પ્રોડક્શનના ગ્લોબલ સેન્ટર તરીકે વિકસી રહ્યું છે. વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વે, ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર અને આધુનિક રેલવે નેટવર્ક દ્વારા દક્ષિણ ગુજરાતના આદિવાસી અને ગ્રામ્ય વિસ્તારોને પણ વિકાસની મુખ્ય ધારામાં જોડવામાં આવી રહ્યા છે.

સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાત 'વિકસિત ગુજરાતથી વિકસિત ભારત @૨૦૪૭'ના વિઝનને સાકાર કરવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કાર્યકાળ દરમિયાન જ ક્લાઈમેટ ચેન્જ વિભાગની રચના કરી હતી અને રાજ્યને ગ્રીન એનર્જી ક્ષેત્રે અગ્રેસર બનાવ્યું હતું.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાત આજે સોલાર અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે દેશનું અગ્રણી રાજ્ય બની ગયું છે. 'પીએમ સૂર્યઘર નિઃશુલ્ક વીજળી યોજના'માં ગુજરાત દેશનું નેતૃત્વ કરી રહ્યું છે. રાજ્યમાં 'કેચ ધ રેઈન' અભિયાન હેઠળ ૨.૨૦ લાખથી વધુ રેઈન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર પૂર્ણ કરવામાં આવ્યા છે અને ૩૩ જિલ્લાઓમાં ૨,૭૦૩ અમૃત સરોવરોના નિર્માણથી ભૂગર્ભ જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, 'એક પેડ મા કે નામ' અભિયાન હેઠળ રાજ્યમાં ૧૬.૯૬ કરોડ વૃક્ષો વાવવામાં આવ્યા છે. સાથે જ 'મિશન લાઈફ' અને પ્રાકૃતિક ખેતી અભિયાન સાથે ૮ લાખથી વધુ ખેડૂતો જોડાયા છે.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશે સેવા અને સુશાસનના નવા માપદંડો સ્થાપ્યા છે. તેમણે જણાવ્યું કે, સુરતમાં યોજાયેલા કાર્યક્રમમાં ૧૫,૫૦૦થી વધુ નાગરિકોએ પ્લાસ્ટિક વિના બનાવેલા હેન્ડમેડ પોસ્ટરો દ્વારા પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સમગ્ર કાર્યક્રમ 'ગ્રીન પ્રોટોકોલ' હેઠળ યોજાયો હતો, જેમાં પ્લાસ્ટિક બોટલના બદલે માટલાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

તેમણે સુરત મહાનગરપાલિકાની વિશેષતા દર્શાવતા જણાવ્યું કે, સુરત દેશની એકમાત્ર એવી મહાનગરપાલિકા છે, જે ગંદા પાણીને રિસાયકલ કરીને ઉદ્યોગોને પૂરું પાડીને વર્ષે અંદાજે રૂ. ૧૪૦ કરોડની આવક મેળવે છે.

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, સુરત ટેક્સટાઇલ, ડાયમંડ, સિલ્ક, મેટ્રો અને સ્વચ્છતા ક્ષેત્રે દેશ માટે પ્રેરણારૂપ શહેર છે. તેમણે સુરતમાં દેશની પ્રથમ ૨૯થી વધુ માળની સરકારી બિલ્ડિંગ અને મિની સચિવાલયના નિર્માણનો પણ ઉલ્લેખ કર્યો હતો.

સમારોહના અંતે વડાપ્રધાનશ્રી અને અન્ય મહાનુભાવોએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન 'વિકસિત ભારત' અને 'વિકસિત ગુજરાત'ના સંકલ્પ સાથે વિકાસ, પર્યાવરણ અને જનભાગીદારીનો સમન્વય સ્પષ્ટપણે જોવા મળ્યો હતો.

ગુજરાતીમાં વધુ સમાચારો વાંચવા અહીં ક્લિક કરો "ન્યુ ઇન્ડિયા અબ્રોડ ગુજરાતી"

Comments

Leave A Comment

Required fields are marked (*).

Related

Talk to us?