ADVERTISEMENT

ADVERTISEMENT

કેલિફોર્નિયામાં હિટ-એન્ડ-રન અકસ્માતમાં બેના મોત બાદ મનવીર સિંહની ધરપકડ

અકસ્માત બાદ ઘટનાસ્થળેથી પગપાળા ફરાર થવાનો પણ સિંહ પર આરોપ છે, જોકે પોલીસે નજીકમાંથી તેને ઝડપી લીધો હતો.

 પ્રતીકાત્મક તસ્વીર પ્રતીકાત્મક તસ્વીર / Pexels

કેલિફોર્નિયા હાઇવે પેટ્રોલે 24 વર્ષીય મનવીર સિંહની ધરપકડ કરી છે. તેના પર આરોપ છે કે તેણે 19 મેના રોજ લોડી નજીક હાઇવે 99 પર ફ્રેઇટલાઇનર ટ્રક સાથે અકસ્માત સર્જ્યો હતો, જેમાં બે લોકોના મોત થયા અને અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

આ અકસ્માત ઉત્તર દિશામાં જતા હાઇવે 99 પર હાર્ની લેન નજીક થયો હતો. પોલીસે જણાવ્યું કે સિંહનો ભારે ટ્રક કિયા ફોર્ટે કારના પાછળના ભાગ સાથે જોરદાર અથડાયો હતો.

આ અથડામણ બાદ ચેઇન-રિએક્શન અકસ્માત સર્જાયો હતો, જેમાં નિસાન ફ્રન્ટિયર અને ટોયોટા કેમરી સહિતના અન્ય વાહનો પણ આગળના વાહન સાથે અથડાયા હતા.

અધિકારીઓએ જણાવ્યું કે કિયા ફોર્ટેમાં સવાર 16 અને 20 વર્ષીય બે યુવકોના ઘટનાસ્થળે મોત થયા હતા.

અકસાન્ત બાદ ફ્રેઇટલાઇનર ટ્રક હાઇવે પરથી લપસી ગયો હતો અને ગાર્ડરેલ સાથે અથડાયો હતો.

આ ઘટનામાં અન્ય પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા.

અધિકારીઓએ જણાવ્યું કે ઇજાગ્રસ્તોમાંથી બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જ્યારે અન્યને સામાન્યથી મધ્યમ ઇજાઓ પહોંચી હતી.

કેલિફોર્નિયા હાઇવે પેટ્રોલ મુજબ, અકસ્માત બાદ મનવીર સિંહ ઘટનાસ્થળેથી પગપાળા ફરાર થઈ ગયો હતો. જોકે, પોલીસે થોડા સમય બાદ નજીકના વિસ્તારમાંથી તેને શોધી કાઢી ધરપકડ કરી હતી.

સિંહ સામે ગંભીર બેદરકારી સાથે વાહન હંકારીને માનવવધ અને મોત અથવા ઇજા પહોંચાડ્યા બાદ ફરાર થવાના ગંભીર ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે તેની જામીન રકમ 185,000 ડોલર નક્કી કરવામાં આવી છે.

અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે આ જીવલેણ અકસ્માતની તપાસ ચાલુ છે અને સિંહને 21 મેના રોજ કોર્ટમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે.

ગુજરાતીમાં અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો "ન્યુ ઇન્ડિયા અબ્રોડ ગુજરાતી"

Comments

Related