હરમીત ઢિલ્લોન / Dhillon Law Group
ભારતીય મૂળની અમેરિકન સહાયક એટર્ની જનરલ હારમીત ઢિલ્લોને કેલિફોર્નિયાના ગ્લોક (Glock) અને અન્ય સમાન હેન્ડગનના વેચાણ પર લગાવવામાં આવેલા પ્રતિબંધ સામે કાનૂની કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.
કેલિફોર્નિયાએ તાજેતરમાં એસેમ્બલી બિલ 1127 હેઠળ મોટાભાગની ગ્લોક અને સમાન સ્ટ્રાઇકર-ફાયર્ડ પિસ્તોલના નવા ડીલર વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. આ કાયદો 1 જુલાઈ, 2026થી અમલમાં આવશે.
નવા કાયદા મુજબ લાઇસન્સ ધરાવતા હથિયાર ડીલરો સેમી-ઓટોમેટિક એવી પિસ્તોલનું વેચાણ, ટ્રાન્સફર અથવા ઓફર કરી શકશે નહીં, જેને બાદમાં ગેરકાયદેસર રીતે "મશીનગન"માં ફેરવી શકાય. આ જોગવાઈ હેઠળ મોટાભાગની ગ્લોક પિસ્તોલ અને તેની સમાન ડિઝાઇનવાળા મોડલ આવરી લેવામાં આવ્યા છે.
આ ઉપરાંત, કેલિફોર્નિયામાં રિટેલ વેચાણ માટે હેન્ડગન રાજ્યની સત્તાવાર હેન્ડગન રોસ્ટર યાદીમાં નોંધાયેલી હોવી જરૂરી છે. યાદીમાં સામેલ થવા માટે હથિયારમાં ચેમ્બર લોડ ઇન્ડિકેટર, મેગેઝિન ડિસ્કનેક્ટ મિકેનિઝમ અને માઇક્રોસ્ટેમ્પિંગ જેવી સુવિધાઓ હોવી આવશ્યક છે.
ઢિલ્લોને કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂસમ અને રાજ્યના એટર્ની જનરલ રોબ બોન્ટાને પત્ર લખીને જાણ કરી કે તેમનું કાર્યાલય આ કાયદા સામે ફેડરલ કોર્ટમાં કેસ દાખલ કરવાની તૈયારી કરી રહ્યું છે.
પત્રમાં ઢિલ્લોને જણાવ્યું કે તેમની સંભવિત અરજીમાં દલીલ કરવામાં આવશે કે નવા કાયદા બંધારણ દ્વારા સુરક્ષિત હથિયારોને લાઇસન્સ ધરાવતા ડીલરો પાસેથી ખરીદવાની પ્રક્રિયાને ગેરકાયદેસર બનાવી દે છે, જે અમેરિકન બંધારણના અધિકારોનું ઉલ્લંઘન છે.
તેમણે વધુમાં આરોપ મૂક્યો કે રાજ્યની કાયદા અમલવારી એજન્સીઓ દ્વારા આ પ્રતિબંધોનો અમલ અને ફોજદારી કાર્યવાહી કરવાની ધમકીઓ કાયદા અમલવારીમાં ગેરવર્તનના એક પેટર્ન સમાન છે.
ઢિલ્લોને કહ્યું, "અમેરિકાના બંધારણનો સેકન્ડ એમેન્ડમેન્ટ કાયદાનું પાલન કરતા નાગરિકોને પોતાની સુરક્ષા માટે હથિયાર રાખવાનો અને ઉપયોગ કરવાનો અધિકાર આપે છે. હેન્ડગન આત્મરક્ષા માટે અમેરિકનો દ્વારા સૌથી વધુ પસંદ કરવામાં આવતું હથિયાર છે, તેથી તેના ઉપયોગ પર પ્રતિબંધ બંધારણીય રીતે માન્ય નથી."
તેમણે રાજ્ય સરકાર સાથે કેસ પહેલાં ચર્ચા કરવાની તૈયારી પણ દર્શાવી છે. જોકે, તેના માટે કેલિફોર્નિયાએ તાત્કાલિક આ કાયદાના અમલને રોકવો, તેની અસંવિધાનિકતા સ્વીકારવી અને ભવિષ્યમાં આવા કાયદાઓ લાગુ ન કરવાની કોર્ટ દ્વારા અમલમાં મૂકી શકાય તેવી સમજૂતી પર સંમતિ આપવી જરૂરી હોવાનું જણાવ્યું.
પત્રમાં વધુમાં જણાવાયું છે કે આ નોટિસને "ડોક્યુમેન્ટ રિટેન્શન નોટિસ" તરીકે પણ ગણવામાં આવે, જેના આધારે રાજ્યના તમામ અધિકારીઓ, કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરોને આ મુદ્દા સંબંધિત તમામ દસ્તાવેજો, ફોટા, વીડિયો, ઇમેઇલ અને કમ્પ્યુટર ફાઇલોને હાલની સ્થિતિમાં જ સુરક્ષિત રાખવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.
ગુજરાતીમાં અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો "ન્યુ ઇન્ડિયા અબ્રોડ ગુજરાતી"
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login