અમદાવાદ વિમાન દુર્ઘટના(ફાઈલ ફોટો) / REUTERS/Amit Dave/File Photo
અમદાવાદમાં થયેલા એર ઈન્ડિયા ફ્લાઇટ AI171 અકસ્માતના કોકપિટમાં થયેલી વાતચીત (Cockpit Voice Recorder) જાહેર કરવામાં આવશે નહીં. ભારતના એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)એ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે આવા રેકોર્ડિંગ્સને કાયદાકીય સુરક્ષા આપવામાં આવી છે જેથી અકસ્માતની તપાસ નિષ્પક્ષ અને અસરકારક રીતે થઈ શકે.
AAIBએ એ પણ જણાવ્યું કે આ અકસ્માતની તપાસનો ડ્રાફ્ટ અંતિમ અહેવાલ ઓક્ટોબર 2026 સુધી તૈયાર થવાની શક્યતા છે.
AAIBએ કહ્યું કે કાયદો કોકપિટ રેકોર્ડિંગ જાહેર કરવાની મંજૂરી આપતો નથી
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલા સોગંદનામામાં AAIBએ જણાવ્યું કે તપાસ દરમિયાન એકત્ર થયેલા કેટલાક મહત્વપૂર્ણ પુરાવા જાહેર કરી શકાય નહીં અથવા બહારની કોઈ સમિતિને સોંપી શકાય નહીં.
આ સુરક્ષિત પુરાવામાં સામેલ છે:
• કોકપિટ વોઇસ રેકોર્ડર (CVR)નું ઓડિયો અને ટ્રાન્સક્રિપ્ટ
• વિમાનની અંદરના ઓડિયો અને વીડિયો રેકોર્ડિંગ
• તપાસ દરમિયાન નોંધાયેલા સાક્ષીઓના નિવેદનો
• પાઇલટ, એરલાઇન કર્મચારીઓ અને અન્ય સ્ટાફ વચ્ચે થયેલા સંચાર
• એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ના રેકોર્ડિંગ્સ
• મૃતકો અને ઘાયલોની વ્યક્તિગત તથા તબીબી માહિતી
AAIBએ જણાવ્યું કે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન રૂલ્સ, 2025ની રૂલ 17(5) મુજબ કોકપિટ વોઇસ રેકોર્ડિંગ્સ અને વિમાનની અંદરના અન્ય રેકોર્ડિંગ્સ જાહેર કરવા પર પ્રતિબંધ છે.
રેકોર્ડિંગ જાહેર ન કરવાની પાછળનું કારણ શું?
AAIBના જણાવ્યા મુજબ જો આવી માહિતી જાહેર કરવામાં આવશે તો ભવિષ્યમાં અકસ્માતોની તપાસ પર નકારાત્મક અસર પડી શકે છે. જો પાઇલટ, ક્રૂ સભ્યો અથવા સાક્ષીઓને તેમની વાતચીત જાહેર થવાની ભીતિ રહેશે તો તેઓ તપાસ દરમિયાન ખુલ્લેઆમ માહિતી આપવાનું ટાળી શકે છે. જેના કારણે અકસ્માતના સાચા કારણ સુધી પહોંચવું મુશ્કેલ બની શકે અને હવાઈ સુરક્ષા સુધારવાના પ્રયાસોને નુકસાન પહોંચી શકે.
બ્યુરોએ સ્પષ્ટ કર્યું કે તપાસનો હેતુ કોઈ પાઇલટ, ક્રૂ સભ્ય કે અન્ય વ્યક્તિને દોષિત ઠેરવવાનો નથી. તપાસનો મુખ્ય ઉદ્દેશ અકસ્માતના કારણો શોધી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવવા માટે જરૂરી ભલામણો કરવાનો છે.
આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ થઈ રહી છે તપાસ
AAIBએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે તપાસ માત્ર ભારતીય કાયદા હેઠળ જ નહીં પરંતુ ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન (ICAO)ના એનેક્સ 13 અને શિકાગો કન્વેન્શનના નિયમો મુજબ પણ થઈ રહી છે.
આંતરરાષ્ટ્રીય નિયમો મુજબ વિમાન બનાવનાર દેશ, એરલાઇન અને સંબંધિત અન્ય સંસ્થાઓ પણ તપાસ પ્રક્રિયામાં ભાગ લઈ શકે છે.
AAIBએ જણાવ્યું કે જો જરૂરી માહિતી સમયસર મળી રહેશે તો આગામી લગભગ છ અઠવાડિયામાં તપાસનું બાકી કામ પૂર્ણ થઈ જશે અને ત્યારબાદ પુરાવાના વિશ્લેષણ બાદ ઓક્ટોબર 2026 સુધીમાં ડ્રાફ્ટ અંતિમ અહેવાલ તૈયાર કરવામાં આવશે.
મામલો સુપ્રીમ કોર્ટ સુધી કેમ પહોંચ્યો?
આ સોગંદનામું કેપ્ટન સુમિત સભરવાલના પિતા પુષ્કરાજ સભરવાલ, ફેડરેશન ઓફ ઇન્ડિયન પાઇલટ્સ અને સેફ્ટી મેટર્સ ફાઉન્ડેશન દ્વારા દાખલ કરાયેલી અરજીઓના જવાબમાં રજૂ કરવામાં આવ્યું છે.
અરજદારોે નિવૃત્ત ન્યાયાધીશની દેખરેખ હેઠળ સ્વતંત્ર અને પારદર્શક તપાસની માંગ કરી છે. સુપ્રીમ કોર્ટે અગાઉ નોંધ્યું હતું કે અત્યાર સુધીની તપાસમાં કેપ્ટન સુમિત સભરવાલને અકસ્માત માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા નથી.
અમદાવાદ એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનામાં શું બન્યું હતું?
12 જૂન, 2025ના રોજ એર ઈન્ડિયાની ફ્લાઇટ AI171 અમદાવાદથી લંડનના ગેટવિક એરપોર્ટ માટે ઉડાન ભરી હતી. પરંતુ ટેકઓફના થોડા જ મિનિટોમાં વિમાન એક મેડિકલ કોલેજના હોસ્ટેલ પરિસરમાં તૂટી પડ્યું હતું.
વિમાનમાં સવાર 242માંથી 241 લોકોના મોત થયા હતા. ઉપરાંત જમીન પર રહેલા વધુ 19 લોકો પણ મૃત્યુ પામ્યા હતા. આમ કુલ મૃત્યુઆંક 260 થયો હતો. આ દુર્ઘટના ભારતના સૌથી ભયાનક હવાઈ અકસ્માતોમાંની એક માનવામાં આવે છે અને આજે પણ હવાઈ સુરક્ષા તથા અકસ્માત તપાસની પારદર્શિતા અંગે મહત્વપૂર્ણ ચર્ચાનો વિષય બની રહી છે.
ગુજરાતીમાં અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો "ન્યુ ઇન્ડિયા અબ્રોડ ગુજરાતી"
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login