ADVERTISEMENT

ADVERTISEMENT

અમેરિકા કાયદેસર ઇમિગ્રેશનને સંપત્તિની કસોટી બનાવી રહ્યું છે

અમેરિકા આવેલા ઘણા સફળ ઇમિગ્રન્ટ્સ પાસે શરૂઆતમાં સંપત્તિ ઓછી હતી, પરંતુ શિક્ષણ, મહેનત અને પરિવારનો મજબૂત આધાર હતો.

 ડોનાલ્ડ ટ્રમ્પ(ફાઈલ ફોટો) ડોનાલ્ડ ટ્રમ્પ(ફાઈલ ફોટો) / IANS/X/@WhiteHouse

અમેરિકાએ વર્ષોથી ઇમિગ્રેશન માટે એક મુખ્ય પ્રશ્ન પૂછ્યો છે કે અરજદાર ભવિષ્યમાં સરકારી સહાય પર નિર્ભર બનશે કે નહીં. પરંતુ હવે ટ્રમ્પ પ્રશાસનની નીતિઓને જોતા એવું લાગી રહ્યું છે કે ધ્યાન હવે બીજા પ્રશ્ન તરફ વળી રહ્યું છે. અરજદાર અથવા તેનો પરિવાર કેટલો પૈસાદાર છે?

તાજેતરમાં થયેલા ત્રણ મહત્વપૂર્ણ નિર્ણયોથી એવું સંકેત મળે છે કે ઇમિગ્રેશન કાયદામાં રહેલી "આર્થિક રીતે આત્મનિર્ભર" હોવાની શરત હવે ધીમે ધીમે "સંપત્તિની કસોટી"માં બદલાઈ રહી છે.

અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) એ જાહેરાત કરી છે કે 2022ની 'પબ્લિક ચાર્જ' નિયમાવલીને 18 સપ્ટેમ્બરથી સત્તાવાર રીતે રદ કરવામાં આવશે. આ નિયમ ઇમિગ્રેશન અધિકારીઓને નક્કી કરવા માટે માર્ગદર્શિકા આપતો હતો કે કોઈ અરજદાર ભવિષ્યમાં સરકારી સહાય પર નિર્ભર બનવાની શક્યતા ધરાવે છે કે નહીં.

આ નિયમ રદ થતાં કોઈ નવી આવક મર્યાદા કે ફરજિયાત બોન્ડ લાગુ થતો નથી, પરંતુ સરકારને અરજદારોની આર્થિક સ્થિતિનું મૂલ્યાંકન કરવાની વધુ છૂટ મળશે.

આ દરમિયાન, ધ વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ, અમેરિકાનું સ્ટેટ ડિપાર્ટમેન્ટ વિદેશમાં આવેલા અમેરિકન દૂતાવાસો અને કાઉન્સ્યુલેટ્સમાં ઇમિગ્રન્ટ વિઝા માટે અરજી કરનાર કેટલાક લોકોને 1 લાખ ડોલર સુધીનો 'પબ્લિક ચાર્જ બોન્ડ' ભરવાની ફરજ પાડવા અંગે વિચારણા કરી રહ્યું છે.

આ પ્રસ્તાવ હજી ચર્ચા હેઠળ છે અને તેને સત્તાવાર રીતે અમલમાં મૂકવામાં આવ્યો નથી. બોન્ડની રકમ અરજદારની પરિસ્થિતિ પ્રમાણે બદલાઈ શકે છે.

આ પ્રસ્તાવ માત્ર એવા લોકો માટે છે, જે વિદેશમાંથી ઇમિગ્રન્ટ વિઝા માટે અરજી કરે છે અને અમેરિકા પ્રવેશ બાદ કાયમી રહેવાસી (ગ્રીન કાર્ડ ધારક) બને છે.

અમેરિકાની અંદર રહીને USCIS મારફતે ગ્રીન કાર્ડ માટે અરજી કરનારાઓ માટે હાલ 1 લાખ ડોલરના બોન્ડ અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

આથી DHS દ્વારા નિયમ રદ કરવો અને સ્ટેટ ડિપાર્ટમેન્ટનો સંભવિત બોન્ડ પ્રસ્તાવ બંને અલગ પ્રક્રિયાઓ છે અને અલગ પ્રકારના અરજદારોને અસર કરે છે. છતાં બંનેનો સંદેશ એક જ દિશામાં જાય છે.

આ ઉપરાંત, સ્ટેટ ડિપાર્ટમેન્ટે 21 જાન્યુઆરીથી એવા 75 દેશોના નાગરિકો માટે ઇમિગ્રન્ટ વિઝા જારી કરવાની પ્રક્રિયા સ્થગિત કરી છે, જેમના અંગે સરકારી સહાય પર નિર્ભર થવાનો વધુ જોખમ માનવામાં આવે છે. આવા અરજદારો ઇન્ટરવ્યૂ આપી શકે છે, પરંતુ મર્યાદિત અપવાદોને છોડીને વિઝા જારી કરવાની પ્રક્રિયા હાલ રોકી દેવામાં આવી છે.

આ તમામ પગલાં મળીને એવો સંકેત આપે છે કે હવે અરજદારનું નાગરિકત્વ, તેની આર્થિક સ્થિતિ અંગે અધિકારીઓનો અંદાજ અને મોટી રકમ જમા કરવાની ક્ષમતા આ ત્રણ બાબતો ઇમિગ્રેશનના નિર્ણયમાં વધુ મહત્વની બની રહી છે.

અમેરિકી સરકાર માટે એ જોવું યોગ્ય છે કે ઇમિગ્રન્ટ પોતાની રીતે જીવન નિર્વાહ કરી શકે છે કે નહીં. ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટની કલમ 212(a)(4) હેઠળ અધિકારીઓએ અરજદારની ઉંમર, આરોગ્ય, પરિવારની સ્થિતિ, સંપત્તિ, નાણાકીય સ્થિતિ, શિક્ષણ અને કૌશલ્ય જેવા અનેક પરિબળો ધ્યાનમાં લેવા પડે છે.

કોંગ્રેસે આ માટે વ્યક્તિગત અને ભવિષ્ય આધારિત મૂલ્યાંકનની જોગવાઈ કરી છે, કારણ કે માત્ર એક જ આર્થિક માપદંડ પરથી કોઈ વ્યક્તિ ભવિષ્યમાં સરકારી સહાય પર નિર્ભર બનશે કે નહીં તે નક્કી કરી શકાય નહીં.

ઉદાહરણ તરીકે, કોઈ યુવાન નર્સ, એન્જિનિયર અથવા કુશળ કર્મચારી પાસે બચત ઓછી હોઈ શકે, પરંતુ તેની આવક અને કર ચૂકવવાની ક્ષમતા ખૂબ સારી હોઈ શકે છે. બીજી તરફ, વૃદ્ધ માતા-પિતા પાસે પોતાની આવક ઓછી હોય છતાં તેઓ આર્થિક રીતે સક્ષમ સંતાનોના સહારે સુરક્ષિત હોઈ શકે છે.

તેની સામે, 1 લાખ ડોલરનો બોન્ડ માત્ર એટલું જ દર્શાવશે કે કોઈ પરિવાર પાસે તાત્કાલિક મોટી રકમ અથવા ક્રેડિટ ઉપલબ્ધ છે કે નહીં.

ભારતીય પરિવારો માટે આ મુદ્દો ખાસ મહત્વનો બની શકે છે. ઘણા પરિવારો પાસે ઘર, નિવૃત્તિ બચત, બાળકોના શિક્ષણનો ખર્ચ અને વિદેશમાં રહેતા માતા-પિતાની જવાબદારીઓ હોય છે, પરંતુ તેમ છતાં તેઓ સરકાર પાસે 1 લાખ ડોલર પાંચ વર્ષ કે તેથી વધુ સમય માટે જમા કરાવી શકે તેવી સ્થિતિમાં ન હોય.

આવી સ્થિતિમાં પરિવારોને ઘર પર લોન લેવી, રોકાણ વેચવું અથવા નિવૃત્તિ માટેની બચત ઉપાડવી પડી શકે. એટલે આર્થિક સ્થિરતા વધારવાના નામે આવી નીતિ પરિવારોને વધુ નબળા બનાવી શકે છે.

આ ઉપરાંત, અમેરિકી કાયદા હેઠળ મોટા ભાગના પરિવાર આધારિત ઇમિગ્રન્ટ્સ માટે સ્પોન્સરને કાનૂની રીતે અમલમાં મૂક શકાય તેવી 'એફિડેવિટ ઓફ સપોર્ટ' આપવી ફરજિયાત છે. સ્પોન્સરે પોતાની પૂરતી આવક દર્શાવવી પડે છે અને ઇમિગ્રન્ટને આર્થિક સહાય આપવાની જવાબદારી સ્વીકારવી પડે છે.

આ જવાબદારી ઇમિગ્રન્ટ અમેરિકન નાગરિક બને, 40 ક્વાર્ટર સુધી કામ કરે, કાયમ માટે અમેરિકા છોડે અથવા મૃત્યુ પામે ત્યાં સુધી ચાલુ રહી શકે છે. જો સરકાર કેટલીક સરકારી સહાય આપે તો તે સ્પોન્સર પાસેથી તે ખર્ચની વસૂલાત પણ કરી શકે છે.

જો આ નિયમોનો યોગ્ય અમલ થતો ન હોય તો સરકારએ તેના અમલને વધુ મજબૂત બનાવવો જોઈએ, પરંતુ તેના બદલે 1 લાખ ડોલરની ડિપોઝિટને યોગ્ય ઉકેલ માનવો યોગ્ય નથી.

હાલ ભારત તે 75 દેશોની યાદીમાં સામેલ નથી, જેમના માટે ઇમિગ્રન્ટ વિઝા જારી કરવાની પ્રક્રિયા સ્થગિત કરવામાં આવી છે. છતાં ભારતીય પરિવારો માટે આ બદલાતી નીતિઓને અવગણવી યોગ્ય નહીં ગણાય.

સ્ટેટ ડિપાર્ટમેન્ટે કાઉન્સ્યુલર અધિકારીઓને અરજદારોના આરોગ્ય, ઉંમર, શિક્ષણ, કૌશલ્ય, આર્થિક સ્થિતિ અને ભવિષ્યમાં સરકારી સહાય પર નિર્ભર થવાની શક્યતા જેવા મુદ્દાઓનું વિશેષ મૂલ્યાંકન કરવાની સૂચના આપી છે.

આથી ચિંતા માત્ર સંભવિત 1 લાખ ડોલરના બોન્ડ સુધી મર્યાદિત નથી.

ધીમે ધીમે એવું લાગી રહ્યું છે કે કાયદેસર ઇમિગ્રેશનનું મૂલ્યાંકન હવે ત્રણ બાબતોના આધારે થઈ રહ્યું છે. અરજદાર કયા દેશનો છે, અધિકારીનો ભવિષ્ય અંગેનો અંદાજ અને પરિવાર પાસે કેટલી મોટી રકમ ઉપલબ્ધ છે.

ઇતિહાસ સાક્ષી છે કે અમેરિકા આવેલા ઘણા સફળ ઇમિગ્રન્ટ્સ શરૂઆતમાં સમૃદ્ધ નહોતા. તેઓ શિક્ષણ, મહેનત અને પરિવારના સહારે આગળ વધ્યા અને પછી ડોક્ટર, વૈજ્ઞાનિક, એન્જિનિયર, ઉદ્યોગપતિ અને રોજગાર સર્જનાર બન્યા.

અમેરિકા માટે એ પૂછવું યોગ્ય છે કે કોઈ ઇમિગ્રન્ટ પોતાનો ખર્ચ ઉઠાવી શકશે કે નહીં.

પરંતુ સરકાર પાસે 1 લાખ ડોલર જમા કરવાની ક્ષમતા એ પ્રશ્નનો જવાબ આપતી નથી.

તે માત્ર એટલું જ દર્શાવે છે કે પરિવાર પહેલેથી કેટલો સમૃદ્ધ છે.

(આ લેખમાં વ્યક્ત કરાયેલા વિચારો લેખકના વ્યક્તિગત છે. તે જરૂરી નથી કે ન્યૂ ઈન્ડિયા અબ્રોડની સત્તાવાર નીતિ અથવા અભિપ્રાયને પ્રતિબિંબિત કરતા હોય.)

ગુજરાતીમાં અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો "ન્યુ ઇન્ડિયા અબ્રોડ ગુજરાતી"

Comments

Leave A Comment

Required fields are marked (*).

Related

Talk to us?