ADVERTISEMENT

ADVERTISEMENT

પિતાના કેન્સર બાદ કલ્પેશ પટેલે અપનાવી પ્રાકૃતિક ખેતી, આજે દેશના ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા

સુરતના સરસ ગામના ખેડૂત 50થી વધુ જાતની કેળની ખેતી સાથે મૂલ્યવર્ધન દ્વારા કમાઈ રહ્યા છે લાખોની આવક

 સુરતના સરસ ગામના ખેડૂત કલ્પેશ પટેલ સુરતના સરસ ગામના ખેડૂત કલ્પેશ પટેલ / માહિતી વિભાગ, ગુજરાત.

જીવનમાં બનતી કેટલીક ઘટનાઓ માત્ર વ્યક્તિને જ નહીં, પરંતુ તેના વિચારો, જીવનશૈલી અને ભવિષ્યને પણ સંપૂર્ણપણે બદલી નાખે છે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સરસ ગામના ખેડૂત કલ્પેશ પટેલના જીવનમાં પણ આવી જ એક ઘટના બની હતી, જેણે તેમને માત્ર ખેતી કરવાની રીત જ નહીં બદલાવી, પરંતુ આજે તેઓ સમગ્ર દેશના ખેડૂતો માટે પ્રેરણારૂપ અને રોલ મોડેલ બની ગયા છે.

કલ્પેશ પટેલ વ્યવસાયે સુરતની એક ફેક્ટરીમાં કેમિકલ ઓપરેટર તરીકે નોકરી કરે છે. જોકે તેમના જીવનમાં મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે તેમના પિતા રમણભાઈ પટેલનું કેન્સરના કારણે અવસાન થયું. પિતાની આ દુઃખદ ઘટનાએ તેમને વિચારવા મજબૂર કર્યા કે ખેતીમાં વપરાતા રાસાયણિક ખાતરો અને જંતુનાશકો માનવજીવન તથા પર્યાવરણ માટે કેટલા હાનિકારક બની શકે છે.

પિતાના અવસાન બાદ તેમણે પોતાના જીવનમાં એક સંકલ્પ કર્યો કે હવે તેઓ ખેતરમાં ક્યારેય રાસાયણિક ખાતર કે ઝેરી જંતુનાશક દવાઓનો ઉપયોગ નહીં કરે. આ નિર્ણય સાથે તેમણે વર્ષ 2019થી પ્રાકૃતિક ખેતીનો માર્ગ પસંદ કર્યો અને આજે તેમની સફળતા અન્ય ખેડૂતો માટે એક ઉદાહરણ બની છે.

સ્વભાવે પ્રકૃતિપ્રેમી એવા કલ્પેશ પટેલે ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા આપવામાં આવતી પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધી. તેમણે જીવામૃત અને અન્ય કુદરતી પદ્ધતિઓ દ્વારા જમીનને વધુ ફળદ્રુપ બનાવવાની ટેકનિક શીખી અને પોતાની ખેતીમાં તેનો અમલ શરૂ કર્યો.

કલ્પેશ પટેલને વારસામાં લગભગ આઠ વીઘા જમીન મળી હતી, જેમાંથી સાડા ત્રણ વીઘા જમીનમાં તેમણે કેળની ખેતી શરૂ કરી. સામાન્ય કેળાની ખેતી કરતાં અલગ દિશામાં વિચારી તેમણે 50થી વધુ વિવિધ જાતની કેળની ખેતી શરૂ કરી. તેમની વાડીમાં પુવન, આધાપુરી, રસ થલી, લાલ કેળા, બ્લુ જાવા, બસરાઈ, મહાલક્ષ્મી અને એલચી કેળા જેવી અનેક જાતો જોવા મળે છે.

તેમની ખેતી માત્ર વિવિધતા માટે જ જાણીતી નથી, પરંતુ ઉત્પાદનમાં પણ તેમણે નોંધપાત્ર સફળતા મેળવી છે. વર્ષ 2025માં તેમની વાડીમાં ઉગેલા એક કેળના લૂમનું વજન 73 કિલો નોંધાયું હતું, જે સામાન્ય રીતે મળતા 20થી 30 કિલોના સરેરાશ કરતાં ઘણું વધુ છે. તેમની વાડીમાં સરેરાશ એક લૂમનું વજન 30 કિલોથી વધુ રહે છે.

કલ્પેશ પટેલે 50થી વધુ વિવિધ જાતની કેળની ખેતી શરૂ કરી / માહિતી વિભાગ, ગુજરાત.

પોતાની સફળતા પાછળનું કારણ સમજાવતા કલ્પેશ પટેલ કહે છે કે જ્યારે તેમના પિતાને કેન્સર થયું, ત્યારથી જ તેમના મનમાં વિચાર આવ્યો કે હવે રાસાયણિક ઝેરથી મુક્ત થવું જરૂરી છે. તેઓ યાદ કરે છે કે તેમના પિતા ખેતરમાં ભારે પ્રમાણમાં જંતુનાશક દવાઓનો ઉપયોગ કરતા અને ઘણી વખત તેમના શરીરમાંથી પણ તે દવાઓની ગંધ આવતી હતી. જોકે તે સમયે તેઓ ખેતી સાથે જોડાયેલા ન હોવાથી વધારે કંઈ કહી શકતા નહોતા. પરંતુ પિતાના અવસાન બાદ તેમણે જીવનમાં એક નવો રસ્તો પસંદ કર્યો.

કલ્પેશ પટેલ છેલ્લા સાત વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. તેમણે જંગલ મોડેલ જેવી પદ્ધતિઓ પણ અપનાવી છે. તેઓ માત્ર ખેતી પૂરતી મર્યાદિત નથી રહ્યા, પરંતુ ખેતી પેદાશોમાં મૂલ્યવર્ધન કરીને આવકમાં વધારો પણ કર્યો છે.

તેઓ "મારો માલ, મારો ભાવ"ના સિદ્ધાંત પર કામ કરે છે. તેમના જણાવ્યા મુજબ પ્રાકૃતિક ખેતી અપનાવ્યા પછી એક વીઘા દીઠ 15થી 20 હજાર રૂપિયાનો રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો ખર્ચ બંધ થઈ ગયો છે. જમીનની ગુણવત્તામાં સુધારો થતાં ઉત્પાદન પણ વધ્યું છે અને હાલ તેઓ માત્ર સાડા ત્રણ વીઘા જમીનમાં કેળની ખેતીથી દર વર્ષે અંદાજે 10થી 12 લાખ રૂપિયાની આવક મેળવી રહ્યા છે.

આવક વધારવા માટે તેમણે મૂલ્યવર્ધનનો માર્ગ પણ અપનાવ્યો છે. સુરતના વેસુ ખાતે આવેલા પ્રાકૃતિક કૃષિ બજારમાં તેઓ કેળા અને અન્ય પેદાશોનું વેચાણ કરે છે. જો કાચા કેળા વેચાઈ ન શકે તો તેમાંથી વેફર અને પાવડર બનાવી વેચાણ કરે છે, જેના કારણે વધારાની આવક પણ પ્રાપ્ત થાય છે.

તેમની સફળતાની ચર્ચા હવે માત્ર ગુજરાત પૂરતી મર્યાદિત રહી નથી. સમગ્ર દેશમાંથી ખેડૂતો, કૃષિ વૈજ્ઞાનિકો અને કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો તેમની ખેતી જોવા માટે સરસ ગામ પહોંચે છે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ તેમની સફળતાની નોંધ લઈને તેમની કહાની પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

આજે કલ્પેશ પટેલ ઘરે બેઠા અન્ય રાજ્યોમાંથી મળતા ઓર્ડરો અનુસાર કેળા અને તેની પેદાશો પાર્સલ મારફતે મોકલી રહ્યા છે. એક સામાન્ય ખેડૂતથી પ્રાકૃતિક ખેતીના પ્રેરણાસ્ત્રોત સુધીની તેમની સફર બતાવે છે કે જો દ્રઢ સંકલ્પ અને નવી દિશામાં વિચારવાની હિંમત હોય તો ખેતી માત્ર વ્યવસાય નહીં, પરંતુ સમાજને નવી દિશા આપનાર માધ્યમ પણ બની શકે છે.

ગુજરાતીમાં અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો "ન્યુ ઇન્ડિયા અબ્રોડ ગુજરાતી"

Comments

Leave A Comment

Required fields are marked (*).

Related

Talk to us?