ADVERTISEMENTs

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ રાષ્ટ્રને અર્પણ કર્યું.

₹૮૨૫ કરોડના ખર્ચે નિર્માણ પામેલા સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સમાં રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓના આયોજન માટે સંપૂર્ણ સુવિધાઓ ઉપલબ્ધ

અમદાવાદના નારણપુરામાં ₹૮૨૫ કરોડના ખર્ચે નિર્માણ પામેલું વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ રાષ્ટ્રને અર્પણ કર્યું. / X@AmitShah

ઓલિમ્પિક ૨૦૩૬ના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ પામી રહ્યું છે ત્યારે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે અમદાવાદના નારણપુરામાં ₹૮૨૫ કરોડના ખર્ચે નિર્માણ પામેલું વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ રાષ્ટ્રને અર્પણ કર્યું હતું.

રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓના આયોજન માટે સંપૂર્ણ સુવિધાઓથી સજ્જ સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય રમતગમત મંત્રી શ્રી મનસુખ માંડવિયા, રાજ્યના કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, રમતગમત રાજયમંત્રી શ્રી હર્ષ સંઘવી તથા મેયર શ્રી પ્રતિભા જૈન ઉપસ્થિત રહ્યા હતા.

દેશના ખેલાડીઓને વિશ્વ કક્ષાનું સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ અર્પણ કરતા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે ખેલકૂદ સ્પોર્ટ્સ ભારતનો આત્મા છે. રમતગમતની શરૂઆત ભારતમાં થઈ હતી અને ભારત દુનિયાનો સૌથી યુવા દેશ છે ત્યારે ખેલકૂદ ક્ષેત્રમાં અવ્વલ સ્થાને રહેવું એ આપણું લક્ષ્ય હોવું જોઈએ.

તેમણે કહ્યું કે, દેશમાં ખેલાડીઓને વિશ્વ કક્ષાનું સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર- તાલીમ- સિલેક્સનમાં પારદર્શિતા - સારા પર્ફોર્મરને વિશ્વ રમતોમાં દેશના પ્રતિનિધિત્વની તક જેવા મોટા બદલાવો સ્પોર્ટ્સ ક્ષેત્રે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં આવ્યા છે. પાછલા ૧૦ વર્ષમાં ભારતના સ્પોર્ટ સેક્ટરનું પરિદ્રશ્ય સંપૂર્ણપણે બદલાઈ ગયું છે, તેમ તેમણે ઉમેર્યું હતું. 

કેન્દ્રીય મંત્રીશ્રીએ કહ્યું કે, વીર સાવરકર સ્પોર્ટ્સ સંકુલ આધુનિક વિશાળ અને પરિપૂર્ણ છે. લોકાર્પણ પહેલાં જ બે મોટી સ્પર્ધાઓ અહીં યોજાઇ ચૂકી છે. અહીં રમવા આવેલા દેશ વિદેશના ખેલાડીઓ, તેમના ખેલકૂદ મંડળોના અધ્યક્ષોએ પ્રતિભાવ આપ્યો છે કે, વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની સુવિધાઓ વર્લ્ડ ક્લાસ છે, આધુનિક છે.

નારણપુરામાં ₹૮૨૫ કરોડના ખર્ચે નિર્માણ પામેલું વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ / X@AmitShah

મંત્રીશ્રીએ અમદાવાદના નારણપુરા સ્થિત સ્પોર્ટ કોમ્પ્લેક્સને સ્વાતંત્ર સેનાની વીર સાવરકરનું નામ આપવા સંદર્ભે જણાવ્યું કે, મહાન સ્વાતંત્ર વીર સાવરકર ખૂબ જ માહેર તરવૈયા હતા. અંગ્રેજોની ચુન્ગાલ માંથી છૂટવા તેઓ આગબોટમાંથી બેડીઓ સાથે કૂદીને, દરિયો ઓળંગીને ફ્રાન્સ પહોંચ્યા હતા. 

અંગ્રેજ શાસિત ભારત ના ઇતિહાસ માં ૧૨૦ વર્ષની બેવડી જનમટીપની સજા મેળવનારા એકમાત્ર ક્રાંતિવીર સાવરકર અંગ્રેજોને દેશમાંથી હાંકી કાઢવા માટે સતત લડ્યા છે. ૧૮૫૭ ના સંગ્રામને અંગ્રેજોએ સૈનિક બળવો ગણાવ્યો હતો, પરંતુ વીર સાવરકરે આને સ્વાતંત્ર સંગ્રામ ગણાવ્યો હતો. એવા વીર સાવરકરને આ સ્પોર્ટ સંકુલ સમર્પિત છે, તેમ તેમણે ઉમેર્યું હતું. 

કેન્દ્રીય મંત્રીશ્રીએ કહ્યું કે, અહીં જે પણ ખેલાડી રમવા આવશે તે પોતાના માટે નહીં પરંતુ તેના દેશ માટે મેડલ જીતવાની આશા સાથે આવશે. વીર સાવરકર સ્પોર્ટ સંકુલ, આવા ખેલાડીઓને યથાર્થ પ્રેરણા આપશે. 

કેન્દ્રીય મંત્રીશ્રીએ જણાવ્યું કે, અમદાવાદ દેશની ખેલકૂદ રાજધાની, સ્પોર્ટ્સ કેપિટલ બનશે. અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ, વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જેવા આધુનિક સંકુલોથી રમત ગમતની પૂરતી સુવિધાઓ વિકસી છે. 

તેમણે વધુમાં કહ્યું કે, ૧૦ વર્ષ પહેલાં UPA સરકારમાં ખેલકૂદ વિભાગનું બજેટ ૧૬૪૩ કરોડ હતું જે વધીને હવે ૫૩૦૦ કરોડ થયું છે. ખેલો ઇન્ડિયા જેવી સ્પર્ધાઓના માધ્યમથી ખેલાડીઓનું પર્ફોર્મન્સ, ન્યુટ્રીશન ચિકિત્સા, ઇંજરી વગેરેનું ધ્યાન રખાય છે. દેશમાં નવું સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થઈ રહ્યું છે. ખેલો ઇન્ડિયા ગેમ્સ, પેરાગેમ્સ અને વિન્ટર ગેમ્સ પણ યોજાય છે. નવી ખેલ નીતિ સ્પોર્ટ્સ પોલીસી પણ આપણે લાવ્યા છીએ. 

Ahmedabad Sports Complex / X@AmitShah

સ્પોર્ટ પોલિસીના સંદર્ભમાં કેન્દ્રીય મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, ભારતના ખેલાડીઓને વૈશ્વિક મંચ મળે, ખેલકુદના માધ્યમથી આર્થિક વિકાસ અને સામાજિક વિકાસ થાય, ખેલકૂદ એક જનઆંદોલન બને તેમ જ શિક્ષણ અને રમતગમતનું એકીકરણ થાય તેવા પાંચ પિલર્સ ઉપર નવી સ્પોર્ટ્સ પોલીસી આધારિત છે. 

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી એ ભારપૂર્વક જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીની સરકાર આવ્યા પછી દેશના ખેલાડીઓનું ઓલમ્પિક, કોમનવેલ્થ અને વિન્ટર ગેમ્સમાં પર્ફોર્મન્સ વધુ ઉત્કૃષ્ટ બન્યું છે. 

આ અંગે વધુ વિગતો આપતા મંત્રી શ્રી એ કહ્યું કે, ૧૯૪૭ થી ૨૦૧૨ સુધીમાં તમામ ઓલમ્પિકમાં ભારતને ૨૦ ગોલ્ડ મેડલ મળ્યા હતા જ્યારે પાછલા ૮ વર્ષમાં ૧૫ ઓલમ્પિક મેડલ મળ્યા છે. પેરા ઓલમ્પિકમાં ૮ મેડલ મળ્યા હતા, મોદી સરકાર આવ્યા પછી ૫૨ મેડલ મળ્યા છે. ડેફ ઓલમ્પિકમાં બે મેડલ મળ્યા હતા, હવે ૨૨ મળ્યા છે. 

તેમણે ઉમેર્યું કે, ૨૦૨૯માં અમદાવાદમાં પોલીસ અને ફાયર વિભાગના જવાનોની આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ થવાની છે. ૨૦૩૦માં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં રમાય તે માટેની મંજૂરી ટૂંક સમયમાં મળે તેવી સંભાવના છે. અને ૨૦૩૬ માં ઓલમ્પિક પણ અમદાવાદમાં રમાય તે માટે સરકાર કટિબધ્ધ છે.

આ પ્રસંગે શ્રી અમિતભાઈ શાહે વીર સાવરકર સ્પોર્ટ કોમ્પ્લેક્સની અત્યાધુનિક સુવિધાઓનો ચિતાર  પણ આપ્યો હતો. 

મંત્રીશ્રીએ પોતાના મતવિસ્તાર અને પોતાના વોર્ડમાં નિવાસસ્થાનથી નજીક જ અધ્યાધુનિક રમતગમત સંકુલ આકાર પામ્યું છે તેની ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીને અહીંની ૨૧ એકર જમીનમાં આ સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ બને તેની મંજૂરી માટે વિનંતી કરી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ વિસ્તારમાં વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બને તેવા આગ્રહ સાથે મંજૂરી આપી હતી, જે આ અદ્યતન વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના નિર્માણથી પૂર્ણ થઈ છે, એમ તેમણે ઉમેર્યું હતું.

Comments

Related

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video