ADVERTISEMENTs

૧૯ ઓક્ટોબર: મનુષ્ય ગૌરવ દિનની વૈશ્વિક ઉજવણી

પૂ. દાદાજીના વિચારો અને તપશ્ચર્યા આજે પણ કાર્યકરોને પ્રેરે છે, જેઓ પોતાના કેન્દ્રો સાથે વ્રતની જેમ જોડાયેલા છે.

પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે (પૂ. દાદાજી) / Wikipedia

૧૯ ઓક્ટોબર એટલે સ્વાધ્યાય પ્રવૃત્તિના પ્રણેતા, પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે (પૂ. દાદાજી)નો પવિત્ર જન્મદિવસ, જે વિશ્વભરમાં "મનુષ્ય ગૌરવ દિન" તરીકે ઉજવાય છે. આ વર્ષે તેમનો ૧૦૬મો જન્મદિવસ અને મુંબઈની શ્રી મદ્ ભગવદ્ ગીતા પાઠશાળાનું સોમું વર્ષ ઉજવાશે. પૂ. દાદાજીએ છ દાયકા સુધી ગીતાના વિચારો દ્વારા વિશ્વભરમાં આધ્યાત્મિક અને સામાજિક ક્રાંતિ સાકાર કરી. તેમના વિચારોને વૈશ્વિક સ્તરે પહોંચાડનાર પૂજ્ય જયશ્રી દીદી આઠવલે તળવલકરજીની પ્રેરણાથી સ્વાધ્યાય પરિવાર સાત દિવસની ભક્તિફેરી દ્વારા કૃતજ્ઞતા અર્પશે.

પૂ. દાદાજીએ ૧૯૪૨માં, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, માધવબાગની વ્યાસપીઠ પરથી ગીતા-ઉપનિષદના પ્રવચનો શરૂ કર્યા. તેમણે ઈશ્વરને કેન્દ્રમાં રાખી માનવને માનવ સાથે જોડવાનો મહાન યજ્ઞ આરંભ્યો. તેમની પંચરંગી ક્રાંતિએ ભારતને વૈશ્વિક સ્તરે ગૌરવ અપાવ્યું. આ ક્રાંતિ ગ્રંથો કે વ્યાખ્યાનોથી નહીં, પરંતુ ઈશ્વરનિષ્ઠ, કૃતિશીલ સમાજ નિર્માણ દ્વારા સાકાર થઈ. આજે વિશ્વભરમાં સાત લાખથી વધુ કાર્યકરો પૂ. દીદીજીના માર્ગદર્શન હેઠળ ભક્તિફેરી અને ભાવફેરી દ્વારા આ વિચારોનું વહન કરે છે.

પૂ. દાદાજીએ આદિવાસીઓ, માછીમારો, હરિજનો અને સમાજના દરેક વર્ગમાં પ્રેમ અને અસ્મિતાનું સિંચન કર્યું. તેમણે "તું પ્રભુનો લાડકો દિકરો છે" કહીને દરેકને ગૌરવવંતી ઓળખ આપી. ૧૯૯૦માં દિલ્હીના પત્રકારો અમદાવાદની હરિજન વસ્તીમાં ૧૦ વર્ષની બાળકીના મોઢે નારાયણ ઉપનિષદનું પારાયણ સાંભળી દિગ્મૂઢ થયા. દ્વારકાના બ્રાહ્મણો પણ સાગરપુત્રોના શુદ્ધ સંસ્કૃત ઉચ્ચારણથી અચંબિત થયા. આ ક્રાંતિની નોંધ વૈશ્વિક વિચારકોએ ગ્રંથોમાં લીધી છે.

પૂ. દીદીજીના કુશળ આયોજનથી સ્વાધ્યાય પરિવાર ધર્મ, સંસ્કૃતિ, રાષ્ટ્રપ્રેમ અને માનવતાના ક્ષેત્રમાં પરિવર્તન લાવી રહ્યો છે. પૂ. દાદાજીના વિચારો અને તપશ્ચર્યા આજે પણ કાર્યકરોને પ્રેરે છે, જેઓ પોતાના કેન્દ્રો સાથે વ્રતની જેમ જોડાયેલા છે. આ કાર્ય જન્મજન્માંતરનું પુણ્ય ગણાય છે. 

Comments

Related