ADVERTISEMENTs

યશરાજ ફિલ્મ્સને સ્વિસ એક્સેલન્સ એવોર્ડ એનાયત, સ્વિટ્ઝર્લેન્ડ પ્રત્યેના ફાળા બદલ મળ્યું સન્માન!

ભારતના જાણીતા ફિલ્મ પ્રોડક્શન હાઉસ યશ રાજ ફિલ્મ્સને સ્વિસ એક્સેલન્સ એવોર્ડથી સન્માનિત કરાયું છે. મુંબઈમાં સ્વિટ્ઝર્લેન્ડના કોન્સુલ જનરલ માર્ટિન માયર અને સ્વિસ લર્નિંગના સંસ્થાપક અને નિર્દેશક ક્રિસ્ટોફર ઝેવિયર ક્લિવાઝની હાજરીમાં તેમને આ એવોર્ડ એનાયત કરાયો હતો.

સ્વિસ એક્સેલન્સ એવોર્ડ / Google

ભારતના જાણીતા ફિલ્મ પ્રોડક્શન હાઉસ યશ રાજ ફિલ્મ્સને સ્વિસ એક્સેલન્સ એવોર્ડથી સન્માનિત કરાયું છે.  મુંબઈમાં સ્વિટ્ઝર્લેન્ડના કોન્સુલ જનરલ માર્ટિન માયર અને સ્વિસ લર્નિંગના સંસ્થાપક અને નિર્દેશક ક્રિસ્ટોફર ઝેવિયર ક્લિવાઝની હાજરીમાં તેમને આ એવોર્ડ એનાયત કરાયો હતો. 

યશરાજ ફિલ્મ્સના સીઈઓએ રિસીવ કર્યો આ એવોર્ડ 

યશરાજ પ્રોડક્શન હાઉસના લાંબા સમયથી સ્વિટ્ઝર્લેન્ડના સાથેના રચનાત્મક સહયોગ અને સ્વિસ એક્સેલન્સને પ્રોત્સાહન આપવા બદલ આ એવોર્ડ અપાયો છે. આ એવોર્ડ યશરાજ ફિલ્મ્સના સીઈઓ અક્ષય વિધાનીએ રિસીવ કર્યો હતો. આ દરમિયાન તેમણે કહ્યું કે આ અમારા માટે ગર્વની ક્ષણ છે અને અમે સ્વિટઝર્લેન્ડની સરકારના આભારી છીએ કે તેમણે અમને સ્વિસ એક્સેલન્સ એવોર્ડથી અમને સન્માનિત કર્યા. તેમણે કહ્યું કે ફિલ્મ જગતના જાણીતા ફિલ્મનિર્માતા યશ ચોપડા એક દૂરદર્શી અને રચનાત્મક વ્યક્તિ હતા.  

કઇ કઈ ફિલ્મોનું શૂટિંગ સ્વિટ્ઝર્લેન્ડમાં કર્યું હતું... 

યશરાજ ફિલ્મ્સ પ્રોડક્શન હાઉસ દ્વારા લગભગ 14 જેટલી ફિલ્મોનું સ્વિટ્ઝર્લેન્ડમાં શૂટિંગ કરવામાં આવ્યું હતું. જેમાં જાણીતી ફિલ્મ ડીડીએલજે સહિત ધૂમ 3, વીર ઝારા, દીલ તો પાગલ હૈ, ચાંદની અને ડરનો પણ સમાવેશ થાય છે. 

સ્વિત્ઝર્લેન્ડ અને યશ ચોપરાનું કનેક્શન

સ્વિટ્ઝર્લેન્ડ યશ ચોપરાનું પસંદીદા સ્થળ હતું. તેમણે અનેક ફિલ્મોનું શૂટિંગ અહીં કર્યું અને તેને કારણે સ્વિટ્ઝર્લેન્ડના ટુરિઝમમાં પણ વધારો થયો. સ્વિટ્ઝર્લેન્ડ સરકારે યશ ચોપરાને અનેક રીતે સન્માનિત કર્યા છે. 
મે 2016માં, સ્વિટ્ઝર્લેન્ડ સરકાર દ્વારા શ્રદ્ધાંજલિ તરીકે ચોપરાની કાંસ્ય પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. આ પ્રતિમાનું વજન લગભગ 250 કિલો છે અને તેનું ઉદ્ઘાટન યશ ચોપરાના પત્ની પામેલા અને અભિનેતા રાની મુખર્જી (તેમની વહુ) દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રતિમા ઈન્ટરલેકનમાં કોંગ્રેસ સેન્ટરની નજીક સ્થિત છે, જે એક લોકપ્રિય પર્યટન સ્થળ છે. 

યશ રાજ ફિલ્મ્સ બેનર હેઠળ બનેલી ફિલ્મોમાં સ્વિસ ટ્રેનો ઘણીવાર દર્શાવવામાં આવે છે. 2011માં, સ્વિટ્ઝર્લૅન્ડની જંગફ્રાઉ રેલ્વેએ તેમના નામ પર એક ટ્રેનનું ઉદ્ઘાટન કર્યું. આ સન્માન અગાઉ ફક્ત રેલ્વેના સ્થાપક, એડોલ્ફ ગાયરને આપવામાં આવ્યું હતું. ટ્રેનમાં સાઈનબોર્ડ પર યશ ચોપરાની સહી અને નામ દર્શાવવામાં આવ્યું હતું. જંગફ્રાઉ રેલ્વેના સીઈઓ ઉર્સ કેસ્લેની હાજરીમાં ચોપરા દ્વારા આ ટ્રેનને લીલી ઝંડી દર્શાવવામાં આવી હતી. 
સ્વિટ્ઝર્લૅન્ડ ફરવા જાવ ત્યારે બર્નના કેન્ટનમાં લેક લૌએનેનની મુલાકાત તો લેવી જ પડે. બિનસત્તાવાર રીતે, આ તળાવને ઘણીવાર ચોપરા તળાવ તરીકે ઓળખવામાં આવે છે. તે સ્વિટ્ઝર્લૅન્ડમાં તેના મનપસંદ સ્થળોમાંનું એક હતું, અને તેમની ફિલ્મોમાં પણ તે દર્શાવવામાં આવ્યું છે.

સ્વિસ સરકારે ચોપરાને ઇન્ટરલેકનના એમ્બેસેડરના બિરુદથી સન્માનિત કર્યા હતા, જેનાથી તેઓ આ એવોર્ડના પ્રથમ પ્રાપ્તકર્તા બન્યા. તેમને સમર્પિત ચાંદીની તકતી હોહેવેગ, ઇન્ટરલેકનની મુખ્ય શેરીમાં મૂકવામાં આવી હતી. તેમને સ્વિસ એમ્બેસેડર એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો.

Comments

Related