દુબઇમાં યોજાયેલી યુનાઈટેડ નેશન્સ ક્લાઈમેટ કોન્ફરન્સ (COP-28)ના સ્ટેજ ઉપર એક અનોખી ઘટના ઘટી છે. ભારતના એક 12 વર્ષીય ક્લાઈમેટ એક્ટિવિસ્ટે સ્ટેજ ઉપર બળજબરીથી ચઢીને અશ્મિભૂત ઇંધણનો વિરોધ કરતું એક પોસ્ટર લગાવ્યું હતું. મણિપુરની આબોહવા કાર્યકર્તા લિસિપ્રિયા કંગુજમે પૃથ્વી અને બાળકોના ભવિષ્યને બચાવવા માટે વિનંતી પણ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, અશ્મિભૂત ઇંધણનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરવા માટે દુબઈમાં COP28માં ચર્ચા કરવામાં આવી, આ ચર્ચામાં લગભગ 200 દેશો આ મુદ્દાને ઉકેલવા માટે વિચાર-મંથન કરવા ભેગાં થયાં.. આ ક્લાઈમેટ કોન્ફરન્સમાં 60,000 થી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો. આ જ કોન્ફરન્સના એક સત્રમાં, ભારતની લિસિપ્રિયા કંગુજમ અચાનક એક પોસ્ટર સાથે સ્ટેજ પર આવી, જેના પર લખ્યું હતું – અશ્મિભૂત ઇંધણ સમાપ્ત કરો, આપણા ગ્રહ અને આપણા ભવિષ્યને બચાવો. સુરક્ષા અધિકારીઓ લઇ જાય તે પહેલાં કંગુજમે અશ્મિભૂત ઇંધણ અંગે સ્ટેજ પર એક નાનું પ્રવચન પણ આપ્યું હતું, પ્રેક્ષકોએ તાળીઓના ગડગડાટ સાથે આ પ્રવચનને વધાવ્યું હતું. લિસિપ્રિયાએ આ ઘટનાનો વીડિયો ટ્વિટર પર શેર કરીને લખ્યું કે આ વિરોધ બાદ મને 30 મિનિટથી વધુ સમય સુધી કસ્ટડીમાં રાખવામાં આવી હતી. મારો એકમાત્ર ગુનો એ હતો કે મેં અશ્મિભૂત ઇંધણને તબક્કાવાર બંધ કરવાની માગણી કરી, જે આબોહવા સંકટનું સૌથી મોટું કારણ માનવામાં આવે છે. તેઓએ મને COP28માંથી બહાર કાઢી હતી.
અન્ય પોસ્ટમાં કંગુજામે લખ્યું કે સરકારોએ કોલસો, તેલ અને ગેસનો તબક્કાવાર ઉપયોગ બંધ કરવા માટે સાથે મળીને કામ કરવું જોઈએ. તમે આજે જે નિર્ણય લો છો તે આપણું આવતીકાલનું ભવિષ્ય નક્કી કરશે. આપણે પહેલેથી જ ક્લાઈમેટ ચેન્જનો શિકાર બની ગયા છીએ. તેથી હું નથી ઇચ્છતી કે મારી આવનારી પેઢીઓ ફરી આપણે જે પરિણામો ભોગવીએ છીએ તે ભોગવે. આપણા નેતાઓની નિષ્ફળતા માટે લાખો નિર્દોષ બાળકોના જીવનું બલિદાન આપવું એ કોઈપણ કિંમતે સ્વીકાર્ય નથી.
લિસિપ્રિયાએ લખ્યું હતું કે મારા જેવા લાખો બાળકો ક્લાઈમેટ ચેન્જને કારણે જીવ ગુમાવી રહ્યાં છે, માતા-પિતાને પણ ગુમાવી રહ્યાં છે અને હવામાનની આફતોના કારણે તેમના ઘરો ગુમાવી રહ્યાં છે. આ વાસ્તવિક આબોહવાની કટોકટી છે. યુદ્ધો પર અબજો ડોલર ખર્ચવાને બદલે, ભૂખમરા ઉપર ધ્યાન આપવા, શિક્ષણ પ્રદાન કરવા અને આબોહવા પરિવર્તન સામે લડવા માટે ખર્ચ કરો. આપણને શ્વાસ લેવા માટે સ્વચ્છ હવા, પીવા માટે સ્વચ્છ પાણી અને રહેવા માટે સ્વચ્છ ગ્રહની જરૂર છે. આ આપણા મૂળભૂત અધિકારો છે. બાદમાં COP28 ના ડિરેક્ટર જનરલ માજિદ અલ સુવૈદીએ પોતે કહ્યું કે તેઓ છોકરીના ઉત્સાહની પ્રશંસા કરે છે.
2 ઓક્ટોબર 2011ના રોજ જન્મેલી કંગુજમ ધ ચાઈલ્ડ મૂવમેન્ટની સ્થાપક છે. તે છ વર્ષની ઉંમરથી આબોહવા સંકટને લઈને એક્ટિવ છે. કંગુજામ વૈશ્વિક સ્તરે સૌથી યુવા ક્લાઈમેટ એક્ટિવિસ્ટ્સ પૈકી એક છે. તેમને સ્પેનના મેડ્રિડમાં યુનાઈટેડ નેશન્સ ક્લાઈમેટ કોન્ફરન્સ 2019 (COP25) માં વિશ્વ નેતાઓને પણ સંબોધિત કર્યા છે. કંગુજમને ઘણા પ્રતિષ્ઠિત એવોર્ડ પણ મળ્યા છે. તે ગ્લોબલ ક્લાઈમેટ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગને પોતાની પ્રેરણા માને છે.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login