વડાપ્રધાન મોદીએ ભગવાન બિરસા મુંડાનાં વંશજોને શાલ ઓઢાડી સન્માન કર્યું / માહિતી વિભાગ, ગુજરાત.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે જનજાતીય ગૌરવ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ભવ્ય અને ગૌરવભરી ઉજવણીમાં ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિએ ભાવવંદના કરતાં જણાવ્યું હતું કે, દેશના સન્માન, સ્વાભિમાન અને સ્વરાજના રક્ષણ માટે જનજાતિ સમુદાય હરહંમેશ અગ્રિમ હરોળમાં ઉભો રહ્યો છે.
આઝાદીની લડાઈ, જળ, જંગલ અને જમીનના અધિકારોની રક્ષા તેમજ જનજાતિ સંસ્કૃતિના જતન માટે જન-જનમાં ચેતના પ્રગટાવનાર ધરતી આબા ભગવાન બિરસા મુંડા તેનું પ્રત્યક્ષ ઉદાહરણ છે તેમ વડાપ્રધાનશ્રીએ ઉમેર્યુ હતું.
ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિને યાદગાર બનાવવા અને જનજાતિય નાયકોના શૌર્ય તથા અમૂલ્ય યોગદાનને સન્માનિત કરવા માટે સમગ્ર દેશમાં ૨૦૨૫નું વર્ષ જનજાતીય ગૌરવ વર્ષ તરીકે ઉજવાઈ રહ્યું છે.
વડાપ્રધાનશ્રીએ ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિ ૧૫મી નવેમ્બરે જનજાતીય ગૌરવ દિવસ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કુલ રૂ.૯૭૦૦ કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ આપી હતી. વડાપ્રધાનશ્રીએ ગુજરાતના જનજાતિ સમુદાયના સર્વાંગીણ વિકાસ માટે રૂ.૨૦૦૦ કરોડની જનજાતિય કલ્યાણ યોજનાનું પણ લોન્ચિંગ કર્યું હતું.
વડાપ્રધાનશ્રીએ સાતપુડાની ગિરિમાળામાં આવેલા દેવમોગરા ધામમાં જનજાતિઓના આરાધ્ય યાહા મોગી પાંડોરી માતાના દર્શન અને પૂજા-અર્ચના કરીને ધન્યતા અનુભવી હતી. તેમણે સમારોહના સભામંડપમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ખૂલ્લી જીપમાં જનમેદની વચ્ચેથી પસાર થતાં જનજાતિ બાંધવોનું અભિવાદન ઝીલ્યું હતું.
વડાપ્રધાનશ્રીએ વિશાળ જનજાતિ જનસમુદાયને સંબોધતા વધુમાં જણાવ્યું કે, ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતીના શુભ અવસરે આપણે 'સૌનો સાથ, સૌનો વિકાસ'ના મંત્રને મજબૂત બનાવવાનો સંકલ્પ લેવો છે. આ એ જ જનમંત્ર છે જેનાથી 'વિકાસમાં કોઈ પાછળ ન રહે અને કોઈ વિકાસથી વંચિત પણ ન રહે'ની ભાવના સાથે સરકારે જનજાતિઓના ઉત્કર્ષનો માર્ગ કંડાર્યો છે.
આઝાદીના જંગ અને દેશના વિકાસમાં જનજાતિઓના યોગદાનની સરાહના કરતા વડાપ્રધાનશ્રીએ ભૂતકાળની સરકારો દ્વારા જનજાતિ સમુદાય પ્રત્યેની ઉપેક્ષા તરફ ધ્યાન દોર્યું હતું. તેમણે કહ્યું કે, છ દાયકા સુધી દેશ પર શાસન કરનારા વિપક્ષો દ્વારા ભગવાન બિરસા મુંડાની સદંતર ઉપેક્ષા થઈ હતી. એટલું જ નહીં, જનજાતિઓને અન્યાય કરવામાં આવ્યો અને તેમને વિકાસની મુખ્ય ધારામાં લાવવાને બદલે હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા હતા.
જનજાતિ બંધુઓને તેમની સરકારે આપેલા ગૌરવ-સન્માન સંદર્ભમાં વડાપ્રધાનશ્રીએ કહ્યું કે, સરકારે શિક્ષણ, આરોગ્ય, રોજગારી અને આર્થિક વિકાસના ક્ષેત્રે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકીને જનજાતિ સમાજના ઉત્થાન અને વિકાસ માટે પ્રતિબદ્ધતા દાખવી છે. પી.એમ. જનમન યોજના હેઠળ અતિ પછાત જનજાતિઓ માટે રૂ. ૨૪,૦૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. દેશના ૬૦,૦૦૦ જેટલા ગામડાઓ પી.એમ. જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન હેઠળ યોજનાકીય લાભ મેળવી રહ્યા છે. અમારી સરકારે અતિ પછાત જનજાતિ જિલ્લાઓની આકાંક્ષી જિલ્લાઓ તરીકે ઓળખ કરીને વધુ બજેટની ફાળવણીથી સર્વાંગી વિકાસ તરફ પ્રેરિત કર્યા છે તેમ પણ વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે, વન ઉપજની સંખ્યા ૨૦ સ્થાને વધારીને ૧૦૦ કરવામાં આવી છે, ઉપરાંત વન ઉપજ પરની એમ.એસ.પી. પણ વધારી છે અને જનજાતિ વિકાસના માર્ગમાં આવતી બાધાઓ નિવારવા રાજ્ય અને કેન્દ્ર સરકાર સાથે મળીને સતત કર્તવ્યરત છે.
જનજાતિ સમુદાયમાં જ જોવા મળતા જોખમી સિકલસેલ રોગનો સામનો કરવા માટે રાષ્ટ્રીય સ્તરનું અભિયાન આદર્યુ છે, ઉપરાંત જનજાતિ વિસ્તારોમાં ડિસ્પેન્સરી- દવાખાનાઓ, આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલોની સંખ્યા વધારવામાં આવી છે. પરિણામે આજ સુધીમાં દેશના છ કરોડ જનજાતિ નાગરિકોનું હેલ્થ સ્ક્રીનીંગ થઈ ચૂક્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
વડાપ્રધાશ્રીએ કહ્યું કે, જનજાતિઓના ઈતિહાસ, કલા, સંસ્કૃતિ, પ્રાચીન ભાષાને પુન: જીવંત કરવા માટે બિરસા મુંડા આદિજાતિ યુનિવર્સીટીમાં શ્રી ગોવિંદ ગુરુ ચેર જનજાતિ ભાષા પ્રમોશન સેન્ટરની પણ સ્થાપના કરી છે, જ્યાં ભીલ, ગામીત, વસાવા, ગરાસિયા, કોંકણી, સંથાલ, રાઠવા, નાયક, દબલા, ચૌધરી, કોંકણા, કુંભી, વારલી, ઢોડિયા વગેરે જેવી તમામ જાતિઓની બોલીઓનો અભ્યાસ કરવામાં આવશે. જેમાં જનજાતિ ગાથાઓ, લોકકાવ્યો, લોકવાર્તાઓ અને પ્રાચીન ગીતોનો સંગ્રહ અને સંવર્ધન કરવામાં આવશે એમ જણાવી હજારો વર્ષોથી જનજાતિ કલા અને સંસ્કૃતિનું ગૌરવગાન થાય અને ભારતીય ચેતનાનો અભિન્ન હિસ્સો બનાવવાના સરકારના પ્રયાસોની છણાવટ કરી હતી.
વડાપ્રધાનશ્રીએ જનજાતિ વિસ્તારોમાં ભૂતકાળની વિકટ સ્થિતિની સ્મૃતિ તાજી કરતા કહ્યું કે, બે દશક પહેલા અંબાજીથી ઉમરગામ સુધીના જનજાતિ પટ્ટામાં એક પણ સાયન્સ કોલેજ ન હતી, જ્યારે છેલ્લા બે દશકમાં બે ડઝન સાયન્સ, આર્ટસ અને કોમર્સ કોલેજ કાર્યરત થઈ છે. આ વિસ્તારમાં શિક્ષણ, સુવિધાઓ, યોજનાઓ અને આર્થિક ગતિવિધિઓનો વ્યાપ નિરંતર વધી રહ્યો છે.
વડાપ્રધાનશ્રીએ ગુજરાતમાં વનબંધુ કલ્યાણ યોજનાનો વ્યાપ વધારી અંબાજીથી ઉમરગામ સુધીના જનજાતિ બેલ્ટને વિકાસના ફળો પહોંચાડવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વને બિરદાવ્યું હતું.
વડાપ્રધાનશ્રીએ બિરસા મુંડાના વંશજ શ્રી સુખરામ મુંડા અને રવિ મુંડાને શાલ અને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કર્યા હતા.
જનજાતિ કલ્યાણ યોજનાઓના લાભાર્થીઓએ સરકારી યોજનાકીય સહાયથી જીવનમાં આવેલા હકારાત્મક પરિવર્તનના અનુભવો વડાપ્રધાનશ્રી સમક્ષ વર્ણવ્યા હતા.
આ વેળાએ વડાપ્રધાનશ્રીએ ગુજરાત એસટીની ભગવાન બિરસા મુંડા જનજાતીય પરિવહન બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
વડાપ્રધાનશ્રીએ મંચ પર ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવવંદના કરી હતી. વડાપ્રધાનશ્રીનું જનજાતિ સમુદાયના પ્રતિક સમાન કોટી, કડું અને ગમછો અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌએ જનજાતિ વિકાસને રજૂ કરતી શોર્ટ વિડીયો ફિલ્મ નિહાળી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login