ADVERTISEMENT

ADVERTISEMENT

નાસાના ઇનોવેશન ગ્રાન્ટમાં ત્રણ ભારતીય મૂળના અમેરિકનોને સ્થાન

2026ના NIAC ફેઝ-1 હેઠળ અવકાશ ટેક્નોલોજીના પ્રારંભિક અને નવીન વિચારો માટે પસંદગી.

 (L-R) એ.સી. ચારણિયા/ સપ્તર્ષિ બંદ્યોપાધ્યાય/ અનીશ દામોદરન (L-R) એ.સી. ચારણિયા/ સપ્તર્ષિ બંદ્યોપાધ્યાય/ અનીશ દામોદરન / LinkedIn

નાસાએ 2026ના Innovative Advanced Concepts (NIAC) ફેઝ-1 એવોર્ડ્સ માટે પસંદ કરાયેલા સંશોધકોમાં ત્રણ ભારતીય મૂળના અમેરિકન વૈજ્ઞાનિકોને સ્થાન આપ્યું છે. આ એવોર્ડ્સ ભવિષ્યના અવકાશ મિશનો માટે ઉપયોગી બની શકે તેવી પ્રારંભિક અને નવીન ટેક્નોલોજી વિકસાવવા માટે આપવામાં આવે છે.

નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરી (JPL)ના સપ્તર્ષિ બંદ્યોપાધ્યાય, ઝીનો પાવર સિસ્ટમ્સના એ.સી. ચરણિયા અને યુનિવર્સિટી ઓફ સેન્ટ્રલ ફ્લોરિડાના અનિશ દામોદરનને તેમના સંશોધન પ્રોજેક્ટ માટે દરેકને મહત્તમ 1,75,000 ડોલર સુધીની ગ્રાન્ટ મળશે.

કેલિફોર્નિયાના પાસાડીનામાં આવેલી નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરીમાં રોબોટિક્સ ટેક્નોલોજિસ્ટ તરીકે કાર્યરત સપ્તર્ષિ બંદ્યોપાધ્યાયને "Dimming the Sun Using Controllable Dust Cloud to Reduce Solar Insolation (DimSun)" પ્રોજેક્ટ માટે પસંદ કરવામાં આવ્યા છે. આ સંકલ્પનામાં અવકાશમાં નિયંત્રિત ધૂળના વાદળો દ્વારા પૃથ્વી સુધી પહોંચતા સૂર્યકિરણોના પ્રમાણમાં ઘટાડો કરી શકાય કે નહીં તેની શક્યતાઓનો અભ્યાસ કરવામાં આવશે.

સપ્તર્ષિ બંદ્યોપાધ્યાયે આઈઆઈટી બોમ્બેથી અભ્યાસ કર્યો હતો અને ત્યાં વિદ્યાર્થી ઉપગ્રહ પ્રોજેક્ટ 'પ્રથમ'ના સહ-સ્થાપક રહ્યા હતા. ત્યારબાદ તેમણે યુનિવર્સિટી ઓફ ઇલિનોઇસ અર્બાના-શેમ્પેઇનમાંથી એરોસ્પેસ એન્જિનિયરિંગમાં ડોક્ટરેટ મેળવી હતી. 2020માં તેઓ તેમના "લુનર ક્રેટર રેડિયો ટેલિસ્કોપ" પ્રોજેક્ટ માટે પણ નાસાના NIAC ફેલો બની ચૂક્યા છે.

વોશિંગ્ટન સ્થિત ઝીનો પાવર સિસ્ટમ્સમાં સ્પેસ બિઝનેસ ડેવલપમેન્ટના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ એ.સી. ચરણિયાને "Extended Astronaut Radioisotope-EVA in Nighttime and Deep-space Icy Landscapes (EARENDIL)" પ્રોજેક્ટ માટે પસંદ કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટમાં ચંદ્ર પર લગભગ બે અઠવાડિયા સુધી ચાલતી રાત્રિઓ તેમજ બરફીલા ઊંડા અવકાશીય વિસ્તારોમાં કાર્યરત અવકાશયાત્રીઓના સ્પેસસૂટમાં રેડિયોઆઇસોટોપ આધારિત ગરમીના સ્ત્રોતનો ઉપયોગ કરવાની સંભાવનાઓનું સંશોધન કરવામાં આવશે.

ચરણિયા અગાઉ નાસાના ચીફ ટેક્નોલોજિસ્ટ તરીકે સેવા આપી ચૂક્યા છે, જ્યાં તેમણે સંસ્થાની ટેક્નોલોજી વ્યૂહરચના અને સંશોધન પ્રાથમિકતાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેઓ બ્લૂ ઓરિજિન, વર્જિન ગેલેક્ટિક, રિલાયબલ રોબોટિક્સ અને સ્પેસવર્ક્સ એન્ટરપ્રાઇઝિસ જેવી કંપનીઓમાં પણ નેતૃત્વની ભૂમિકામાં રહી ચૂક્યા છે.

યુનિવર્સિટી ઓફ સેન્ટ્રલ ફ્લોરિડાના અનિશ દામોદરનને "PS21: Transforming Submillimeter Space Interferometry with Photonic Technologies" પ્રોજેક્ટ માટે ગ્રાન્ટ આપવામાં આવી છે. આ સંકલ્પનાનો હેતુ ખગોળીય અવલોકન માટે અવકાશ આધારિત ઇન્ટરફેરોમેટ્રીને ફોટોનિક ટેક્નોલોજી દ્વારા વધુ અસરકારક બનાવવાનો છે.

અનિશ દામોદરન પ્રયોગાત્મક રેડિયો એસ્ટ્રોફિઝિસિસ્ટ છે અને હાલમાં ફ્લોરિડા સ્પેસ ઇન્સ્ટિટ્યૂટમાં રિસર્ચ પ્રોફેસર તરીકે કાર્યરત છે. તેઓ અગાઉ એરેસિબો ઓબ્ઝર્વેટરીમાં સિનિયર ઓબ્ઝર્વેટરી સાયન્ટિસ્ટ પણ રહી ચૂક્યા છે. તેમણે યુનિવર્સિટી ઓફ કેરળમાંથી એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી અને ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચના નેશનલ સેન્ટર ફોર રેડિયો એસ્ટ્રોફિઝિક્સમાં પોતાના સંશોધન કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમણે ભારત અને અમેરિકા બંનેમાં વિવિધ સંશોધન સંસ્થાઓમાં કામગીરી કરી છે.

નાસાએ 2026 માટે કુલ 18 NIAC ફેઝ-1 એવોર્ડ્સ જાહેર કર્યા છે, જેની કુલ કિંમત 32 લાખ ડોલર છે. દરેક પ્રોજેક્ટને નવ મહિનાના અભ્યાસ માટે મહત્તમ 1,75,000 ડોલર સુધીની સહાય મળશે, જેથી ઉચ્ચ જોખમ અને ઊંચી સંભાવના ધરાવતા વિચારોની વ્યવહારિક શક્યતાઓનું મૂલ્યાંકન કરી શકાય. નાસાએ સ્પષ્ટ કર્યું છે કે આ પ્રોજેક્ટ્સ પ્રારંભિક ટેક્નોલોજી વિકાસ માટે છે અને તેઓ નાસાના સત્તાવાર મિશન નથી.

2026ની NIAC પસંદગીઓમાં ચંદ્ર સંશોધન પ્રણાલીઓ, ગ્રહ વિજ્ઞાન મિશન, આંતરતારકીય પ્રોપલ્શન, બ્લેક હોલનું અવલોકન તેમજ પૃથ્વીના હવામાન અને તેની કક્ષીય પર્યાવરણને વધુ સારી રીતે સમજવામાં મદદરૂપ બની શકે તેવી વિવિધ ટેક્નોલોજીનો સમાવેશ થાય છે. NIAC ફેલો આગામી નવ મહિનામાં તેમના પ્રસ્તાવિત વિચારોની તકનીકી ક્ષમતા અને પડકારોનું મૂલ્યાંકન કરશે.

નાસાની રિસર્ચ એન્ડ ટેક્નોલોજી મિશન ડિરેક્ટોરેટના એડવાન્સ્ડ રિસર્ચ એન્ડ ટેક્નોલોજી ડિવિઝનના ડિરેક્ટર ગ્રેગ સ્ટોવરે જણાવ્યું હતું કે, "નાસાએ અવકાશ સંશોધન માટે મહત્ત્વાકાંક્ષી દ્રષ્ટિકોણ નક્કી કર્યો છે. અમે ચંદ્ર પર ફરી જઈને ત્યાં લાંબા ગાળે રહેવાની તૈયારી કરી રહ્યા છીએ, મંગળ તરફ આગળ વધી રહ્યા છીએ અને અવકાશ વિશેની સમજને વધુ વિસ્તૃત કરવા માંગીએ છીએ. આ માટે માત્ર નાના સુધારા પૂરતા નથી, પરંતુ મોટા ટેક્નોલોજીકલ પરિવર્તનો જરૂરી છે. આવા એવોર્ડ્સ એ જ પ્રકારની નવીનતા પ્રોત્સાહિત કરે છે."

NIACના કાર્યકારી પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ ફિલિપ વિલિયમ્સે જણાવ્યું હતું કે, "દરેક નવીનતા અને દરેક ટેક્નોલોજીકલ પ્રગતિની શરૂઆત એક નાના વિચારથી થાય છે. NIAC કાર્યક્રમ એવા વિચારોને વિકસવાની તક આપે છે અને ભવિષ્યના અવકાશ મિશનો તેમજ અમેરિકાના એરોસ્પેસ ક્ષેત્ર માટે તેઓ કેટલા ઉપયોગી બની શકે તેનું મૂલ્યાંકન કરે છે."

ગુજરાતીમાં અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો "ન્યુ ઇન્ડિયા અબ્રોડ ગુજરાતી"

Comments

Leave A Comment

Required fields are marked (*).

Related

Talk to us?