બ્રાટિન સાહા / NTT DATA AIVista, Inc.
ટોક્યો આધારિત NTT ડેટાએ ભારતીય મૂળના અમેરિકન એક્ઝિક્યુટિવ બ્રાટિન સાહાને પોતાની નવી રચાયેલી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સબસિડિયરી એનટીટી ડેટા એઆઇવિસ્ટા ઇન્કોર્પોરેટેડના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) તરીકે ૧ ડિસેમ્બરથી નિમણૂક કરી છે.
સિલિકોન વેલીમાં સ્થિત આ નવી કંપનીની સ્થાપના NTTની વિવિધ ઓપરેટિંગ કંપનીઓને વૈશ્વિક બજારોમાં AI-નેટિવ બિઝનેસ વિકસાવવા અને મોટા પાયે અમલમાં મૂકવામાં મદદ કરવા માટે કરવામાં આવી છે.
NTT ડેટાએ જણાવ્યું કે, આ સબસિડિયરી કંપનીની કન્સલ્ટિંગ તેમજ એન્જિનિયરિંગ ક્ષમતાઓને સિલિકોન વેલીની પ્રતિભાઓ સાથે જોડીને AI-કેન્દ્રિત સેવાઓને ઝડપથી વિકસાવવામાં આવશે.
NTT ડેટા ગ્રૂપના પ્રમુખ તેમજ સીઈઓ યુતાકા સાસાકીએ કહ્યું, “બ્રાટિનમાં અમને એક પ્રેરણાદાયી અને અત્યંત લાયક નેતૃત્વ મળ્યું છે, જે AI યુગ માટે એનટીટી ડેટાના વૃદ્ધિ મોડલને બદલવામાં મહત્વની ભૂમિકા ભજવશે.”
બ્રાટિન સાહાએ જણાવ્યું કે, કંપનીનો હાલનો તકનીકી આધાર AIના વ્યાપક અમલીકરણ માટે મજબૂત પાયો બની રહેશે. તેમણે કહ્યું, “NTT ડેટામાં જોડાવું એ મારા માટે ગૌરવની વાત છે. એન્ટરપ્રાઇઝ ટ્રાન્સફોર્મેશનનો આગામી તબક્કો AI દ્વારા સંચાલિત થશે, પરંરતુ સાચો પ્રભાવ ત્યારે જ પડશે જ્યારે AIને વિશ્વસનીય અને મોટા પાયાની તકનીક સાથે જોડવામાં આવશે.”
NTT ડેટા ઇન્કના પ્રમુખ તેમજ સીઈઓ અભિજીત દુબેએ કહ્યું, “બ્રાટિન સાથે મળીને કામ કરવા હું ઉત્સાહિત છું. અમે NTT ડેટાને વૈશ્વિક સ્તરે અગ્રણી AI-નેટિવ સેવા પ્રદાતા તરીકે સ્થાપિત કરીશું.”
બ્રાટિન સાહા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રોડક્ટ ડેવલપમેન્ટમાં વિશાળ અનુભવ સાથે જોડાયા છે. તેમણે અગાઉ એનવીડિયા, અમેઝોન વેબ સર્વિસિસ (AWS) અને ડિજિટલઓશનમાં વરિષ્ઠ હોદ્દાઓ સંભાળ્યા છે.
AWSમાં તેમણે AI, મશીન લર્નિંગ તેમજ ડેટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેવાઓનું નેતૃત્વ કર્યું હતું અને અમેઝોન સેજમેકર, અમેઝોન ક્યૂ તેમજ અમેઝોન બેડરોક જેવા ઉત્પાદનોમાં મહત્વનું યોગદાન આપ્યું હતું.
એનવીડિયામાં તેમણે હાઇ-પર્ફોર્મન્સ કમ્પ્યુટિંગ અને AI પ્લેટફોર્મને સપોર્ટ કરતા સોફ્ટવેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્દેશન કર્યું હતું. ડિજિટલઓશનમાં તેમણે પ્રોડક્ટ સ્ટ્રેટેજી તેમજ પ્લેટફોર્મ ડેવલપમેન્ટનું નેતૃત્વ કર્યું અને અને AI આધારિત ઉત્પાદનો લોન્ચ કર્યા.
બ્રાટિન સાહા યેલ યુનિવર્સિટીમાંથી કમ્પ્યુટર સાયન્સમાં પીએચડી ધરાવે છે અને ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન (IIT)ના વિશિષ્ટ ભૂતપૂર્વ વિદ્યાર્થી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login