ADVERTISEMENT

ADVERTISEMENT

મોદીએ રશિયન રાષ્ટ્રપતિ પુતિનનું વિરલ અંગત સ્વાગત કર્યું

આ મુલાકાત ભારત-રશિયા વચ્ચે 2000માં હસ્તાક્ષરિત વ્યૂહાત્મક ભાગીદારી કરારની 25મી વર્ષગાંઠ સાથે સંનાધિત છે.

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન / Courtesy: @narendramodi via ‘X’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું નવી દિલ્હીના પાલમ એરબેઝ ખાતે વ્યક્તિગત રીતે સ્વાગત કર્યું હતું. આ ઘટના બંને નેતાઓ વચ્ચેના મજબૂત વ્યક્તિગત સંબંધોને રેખાંકિત કરે છે.

રાષ્ટ્રપતિ પુતિન 2021 પછી પ્રથમ વખત બે દિવસની સત્તાવાર મુલાકાતે ભારત આવ્યા છે. સામાન્ય રીતે વિદેશી રાષ્ટ્રાધ્યક્ષોનું એરપોર્ટ પર કનિષ્ઠ પ્રધાન કે અધિકારીઓ દ્વારા સ્વાગત થાય છે, પરંતુ આ વખતે વડાપ્રધાન મોદીએ પોતે તેમનું ત્રણેય પાંખના સૈન્યની ગાર્ડ ઓફ ઓનર વચ્ચે સ્વાગત કર્યું હતું. બંને નેતાઓએ એકબીજાને હૂંફાળું આલિંગન આપ્યું અને પછી એક જ કારમાં બેસીને એરપોર્ટથી રવાના થયા હતા.

સ્વાગત બાદ વડાપ્રધાન મોદીએ X પર લખ્યું, “મારા મિત્ર રાષ્ટ્રપતિ પુતિનનું ભારતમાં હાર્દિક સ્વાગત છે. આજે સાંજે અને આવતીકાલે તેમની સાથેની બેઠકોની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છું. ભારત-રશિયા મૈત્રી સમયની કસોટીએ ખરી ઉતરેલી છે અને તેનો બંને દેશના નાગરિકોને મોટો લાભ થયો છે.”

સાંજે વડાપ્રધાને પોતાના સત્તાવાર નિવાસસ્થાન 7, લોક કલ્યાણ માર્ગ ખાતે રાષ્ટ્રપતિ પુતિનના સન્માનમાં ખાનગી રાત્રિભોજનનું આયોજન કર કર્યું હતું. આ દરમિયાન તેમણે રશિયન રાષ્ટ્રપતિને ભગવદ્દીતાની એક નકલ ભેટ આપી હતી.

શુક્રવારે (5 ડિસેમ્બરે) બંને નેતાઓ 23મી ભારત-રશિયા વાર્ષિક શિખર બેઠક તેમજ સંરક્ષણ અને વેપાર સંબંધિત ઉચ્ચસ્તરીય વાટાઘાટો કરશે.

આ મુલાકાત 2000માં હસ્તાક્ષરિત વ્યૂહાત્મક ભાગીદારી કરારની રજત જયંતીના વર્ષે થઈ રહી છે. નાણાકીય વર્ષ 2024-25માં બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 70 અબજ ડોલરને પાર કરી ગયો છે, જેમાં મુખ્યત્વે ઊર્જા આયાતનો ફાળો છે.

Comments

Related