ADVERTISEMENT

ADVERTISEMENT

આજે નવી દિલ્હીમાં ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓની બેઠક

પ્રાદેશિક સ્થિરતા અને આર્થિક વિકાસ માટે ચાલી રહેલી ક્વાડ પહેલોની પણ સમીક્ષા થશે.

 યુ.એસ.ના વિદેશ સચિવ માર્કો રુબિયો ,ભારતીય વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકર, ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેની વોંગ અને જાપાનના વિદેશ મંત્રી ઇવાયા તાકેશી સાથે(File Photo) યુ.એસ.ના વિદેશ સચિવ માર્કો રુબિયો ,ભારતીય વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકર, ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેની વોંગ અને જાપાનના વિદેશ મંત્રી ઇવાયા તાકેશી સાથે(File Photo) / REUTERS/Elizabeth Frantz / Reuters

ભારત આજે 26 મેના રોજ નવી દિલ્હીમાં ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓની બેઠકનું આયોજન કરી રહ્યું છે. આ બેઠકમાં ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેની વોંગ, જાપાનના વિદેશ મંત્રી તોશિમિત્સુ મોટેગી અને અમેરિકાના વિદેશ સચિવ માર્કો રૂબિયોનું સ્વાગત કરશે.

વિદેશ મંત્રાલય (MEA) મુજબ બેઠકમાં ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સહકાર મજબૂત બનાવવા પર મુખ્ય ધ્યાન રહેશે. તેમાં દરિયાઈ સુરક્ષા, ક્રિટિકલ મિનરલ્સ, ઉભરતી ટેક્નોલોજી, સપ્લાય ચેઇન મજબૂત બનાવવી અને પશ્ચિમ એશિયા તથા યુક્રેનની પરિસ્થિતિ જેવા પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું કે, "મુક્ત અને ખુલ્લા ઇન્ડો-પેસિફિક માટે ક્વાડના વિઝનને ધ્યાનમાં રાખીને મંત્રીઓ 1 જુલાઈ 2025ના રોજ વોશિંગ્ટન DCમાં થયેલી ચર્ચાઓને આગળ વધારશે. તેઓ ક્વાડના પ્રાથમિક ક્ષેત્રોમાં સહયોગ વધારવા, ચાલી રહેલી પહેલોની પ્રગતિની સમીક્ષા કરવા તેમજ ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર અને અન્ય પરસ્પર ચિંતાના આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વિચારવિમર્શ કરશે."

આ બેઠકમાં દરિયાઈ સુરક્ષા, મજબૂત સપ્લાય ચેઇન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, મહત્વપૂર્ણ અને નવી ટેક્નોલોજી, હવામાન પરિવર્તન સામે પગલાં તેમજ માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત જેવા મુદ્દાઓ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

આ ઉપરાંત, પ્રાદેશિક સ્થિરતા અને આર્થિક વિકાસ માટે ચાલી રહેલી ક્વાડ પહેલોની પણ સમીક્ષા કરવામાં આવશે.

ભારતની મુલાકાત દરમિયાન ઓસ્ટ્રેલિયા અને જાપાનના વિદેશ મંત્રીઓ તેમજ અમેરિકાના વિદેશ સચિવ એસ. જયશંકર સાથે દ્વિપક્ષીય બેઠક પણ યોજે તેવી શક્યતા છે.

આ પહેલાં 25 મેના રોજ એસ. જયશંકરે જાપાનના વિદેશ મંત્રી તોશિમિત્સુ મોટેગી સાથે બેઠક કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ભારત અને જાપાન વચ્ચેની વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારી મુક્ત અને ખુલ્લા ઇન્ડો-પેસિફિક માટેના સંયુક્ત વિઝન પર આધારિત છે.

જયશંકરે પોતાના પ્રારંભિક સંબોધનમાં કહ્યું હતું કે, "ભારત અને જાપાન વચ્ચે વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારી છે, જે બંને દેશોના સંબંધોને વધુ મહત્વપૂર્ણ બનાવે છે. તેનું એક ઉદાહરણ આવતીકાલે ક્વાડ બેઠકમાં જોવા મળશે, જ્યાં અમે મુક્ત અને ખુલ્લા ઇન્ડો-પેસિફિકને આગળ વધારવા અંગે ચર્ચા કરીશું."

જાપાનના વિદેશ મંત્રી તેમના નવી દિલ્હી પ્રવાસ દરમિયાન 26 મેના રોજ અન્ય મંત્રીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળવાના છે.

ક્વાડ બેઠક એવા સમયે યોજાઈ રહી છે જ્યારે ઇન્ડો-પેસિફિક ક્ષેત્રના ભૂરાજકીય સમીકરણો સતત બદલાઈ રહ્યા છે અને સભ્ય દેશો પ્રાદેશિક તથા વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે સહયોગ વધારવાના પ્રયાસો કરી રહ્યા છે.

અહેવાલો અનુસાર બેઠક દરમિયાન આર્થિક સુરક્ષા અને ટેક્નોલોજી ભાગીદારી મજબૂત કરવા માટે કેટલીક નવી પહેલોની જાહેરાત થઈ શકે છે.

આ પહેલાં 24 મેના રોજ અમેરિકાના વિદેશ સચિવ માર્કો રૂબિયોએ જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા ક્રિટિકલ મિનરલ્સ, સપ્લાય ચેઇન અને આતંકવાદ જેવા અનેક મહત્વપૂર્ણ વૈશ્વિક મુદ્દાઓ પર વ્યૂહાત્મક રીતે એકમત છે. તેમણે ભારતને અમેરિકાના સૌથી મહત્વપૂર્ણ વ્યૂહાત્મક ભાગીદારોમાંનું એક ગણાવ્યું હતું.

જયશંકર સાથેની સંયુક્ત પત્રકાર પરિષદમાં રૂબિયોએ કહ્યું હતું કે ભારત અને અમેરિકા બંનેએ વૈશ્વિક આતંકવાદી નેટવર્કના કારણે નુકસાન સહન કર્યું છે. તેમણે ઉમેર્યું હતું કે બંને લોકશાહી દેશો જાહેર જવાબદારી અને પારદર્શિતાના મહત્વને સારી રીતે સમજે છે.

રૂબિયોએ કહ્યું હતું કે, "અમારે અમેરિકન જનતાને સમજાવવું પડે છે કે અમે લીધેલા નિર્ણયો દેશના હિતમાં કેમ છે અને ભારતના નેતાઓને પણ પોતાના નાગરિકોને સમજાવવું પડે છે કે અમેરિકા સાથેની ભાગીદારી દેશના હિતમાં કેમ છે. લોકશાહી દેશોમાં આ જવાબદારી ખાસ મહત્વ ધરાવે છે."

ગુજરાતીમાં અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો "ન્યુ ઇન્ડિયા અબ્રોડ ગુજરાતી"

Comments

Related