ADVERTISEMENT

ADVERTISEMENT

અમેરિકામાં ઇમિગ્રન્ટ માટે ફરજિયાત 'એસિમિલેશન ટેસ્ટ'નો પ્રસ્તાવ

અમેરિકન મૂલ્યો સાથે અસંગત વિચારો ધરાવતા લોકોની ઓળખ માટે બિલ રજૂ

 કોંગ્રેસવુમન નેન્સી મેસ કોંગ્રેસવુમન નેન્સી મેસ / Wikimedia commons

રિપબ્લિકન અમેરિકન કોંગ્રેસવુમન Nancy Mace એ 26 મેના રોજ અમેરિકામાં પ્રવેશ અથવા ઇમિગ્રેશન લાભ મેળવવા ઇચ્છતા લોકો માટે ફરજિયાત સાંસ્કૃતિક સમાયોજન (Assimilation) ચકાસણીનો પ્રસ્તાવ મૂકતું બિલ રજૂ કર્યું છે.

"No Immigration Without Assimilation Act" નામના આ બિલનો હેતુ એવા લોકોના પ્રવેશને રોકવાનો છે, જે અમેરિકન મૂલ્યો અને સંસ્કૃતિને સ્વીકારતા નથી. મેસે જણાવ્યું હતું કે, "અમેરિકન મૂલ્યોનો અસ્વીકાર કરનાર લોકોને દેશમાં આવવા દેતી તૂટી ગયેલી વ્યવસ્થાને બંધ કરવાનો સમય આવી ગયો છે."

આ બિલ પસાર થાય તો અમેરિકાનું હોમલેન્ડ સિક્યુરિટી વિભાગ (DHS) દરેક ઇમિગ્રેશન અરજી મંજૂર કરતા પહેલાં અરજદારની "અમેરિકન સમાજમાં ભળી જવાની સંભાવના"ની ફરજિયાત ચકાસણી કરશે.

મેસના કાર્યાલયે નિવેદનમાં કહ્યું, "જો તમે અમેરિકાને નફરત કરો છો, તો તમને અહીં આવવાનો કે રહેવાનો અધિકાર મળવો જોઈએ નહીં."

બિલ મુજબ, એવા લોકો જેમના વિચારો અમેરિકાના મૂળ સિદ્ધાંતો સાથે મેળ ખાતા ન હોય, જે અમેરિકન સંસ્કૃતિમાં ભળવા ઇચ્છતા ન હોય અથવા જેમની હાજરી દેશની સાંસ્કૃતિક એકતાને નુકસાન પહોંચાડે તેવી માનવામાં આવે, તેમને દેશમાં પ્રવેશ નકારવામાં આવશે.

આ ઉપરાંત, બિલમાં એવી જોગવાઈ પણ છે કે અમેરિકામાં પહેલેથી રહેતા ઇમિગ્રન્ટ્સના વિચારો જો અમેરિકન સંસ્કૃતિ, કાયદા અને લોકો વિરુદ્ધ હોવાનું સામે આવે, તો તેમને દેશમાંથી કાઢી મૂકવાની કાર્યવાહી થઈ શકે.

મેસે કહ્યું, "અમેરિકાનો અપમાન કરનારા લોકો માટે હવે સ્વાગતના દરવાજા ખુલ્લા નહીં રહે."

તેમણે વધુમાં ઉમેર્યું, "જો તમને લાગે છે કે શરિયા કાયદો અમેરિકન બંધારણથી ઉપર હોવો જોઈએ, જો તમે જિહાદી હિંસાને યોગ્ય માનો છો અથવા અંગ્રેજી શીખવાનો ઇનકાર કરો છો, તો તમને અમેરિકામાં આવવાનો અધિકાર નથી. શરિયા કાયદો ક્યારેય અમેરિકન કાયદાની જગ્યા નહીં લે."

મેસે દાવો કર્યો કે, "અમેરિકા દુનિયાનું શ્રેષ્ઠ દેશ છે અને તેને સુરક્ષિત રાખવાનો અમને સંપૂર્ણ અધિકાર છે."

બિલમાં જણાવાયું છે કે અમેરિકન સિદ્ધાંતો વિરુદ્ધ માનવામાં આવતા વિચારોમાં શરિયા જેવા ધાર્મિક કાયદાને અમેરિકન કાયદા સાથે અથવા તેના ઉપર સ્થાન આપવાની માન્યતા, ધાર્મિક અથવા રાજકીય હિંસાનું સમર્થન, બંધારણીય હકો અને લોકશાહી વ્યવસ્થાનો વિરોધ જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે.

અંગ્રેજી શીખવાનો ઇનકાર તેમજ DHS દ્વારા અમેરિકન મૂલ્યો વિરુદ્ધ ગણાતા અન્ય વિચારોને પણ ચિંતાજનક માનવામાં આવશે.

પ્રસ્તાવિત ચકાસણી પ્રક્રિયામાં અરજદારનો સીધો ઇન્ટરવ્યૂ, જાહેર નિવેદનોની તપાસ અને અરજદારના સ્વભાવ અને વિચારો વિશે માહિતી આપી શકે એવા સગા-સંબંધીઓ તથા ઓળખીતાઓની પૂછપરછનો સમાવેશ કરવામાં આવશે.

મેસે કહ્યું, "દુનિયાના લગભગ દરેક દેશ પોતાનો સંસ્કાર, મૂલ્યો અને જીવનશૈલીનું રક્ષણ કરે છે. અમેરિકા પણ તેમાં અલગ ન હોવું જોઈએ."

તેમણે વધુમાં ઉમેર્યું, "ઘણા સમયથી અમે એવા લોકોને આવકારતા રહ્યા છીએ, જેઓ આ દેશનો માન રાખતા નથી. અમેરિકા ત્રીજા વિશ્વના દેશો માટે કચરો ફેંકવાની જગ્યા નથી. આ બિલ અમેરિકાને પ્રથમ સ્થાન આપે છે અને તેના માટે અમે માફી માંગવાના નથી."

ગુજરાતીમાં અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો "ન્યુ ઇન્ડિયા અબ્રોડ ગુજરાતી"

Comments

Related