ADVERTISEMENT

ADVERTISEMENT

સોશિયલ મીડિયા તપાસના કારણે H-1B વિઝા ઇન્ટરવ્યૂમાં મોટો વિલંબ

ટ્રમ્પ વહીવટીતંત્રએ H-1B વિઝા અરજદારો તેમજ તેમના આશ્રિતો માટે પણ સોશિયલ મીડિયા સ્ક્રીનિંગ ફરજિયાત કરી

પ્રતીકાત્મક તસ્વીર / Pexels

અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટે ભારતમાં આ મહિનાના અંતમાં નિયત થયેલા H-1B વિઝાના ઇન્ટરવ્યૂને મોકૂફ રાખ્યા છે. આ વિલંબનું મુખ્ય કારણ નવી સોશિયલ મીડિયા તપાસ નીતિને કારણે વધેલું કામનું ભારણ છે, એમ બ્લૂમબર્ગ લૉના અહેવાલમાં જણાવાયું છે.

આ મહિનાની શરૂઆતમાં ટ્રમ્પ વહીવટીતંત્રએ H-1B વિઝા અરજીકારો તેમજ H-4 આશ્રિત વિઝા ધારકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની પણ તપાસ શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ પહેલાં આ વર્ષે આ જ તપાસ પ્રક્રિયા માત્ર વિદ્યાર્થી વિઝા (F-1) ધારકો માટે જ લાગુ કરવામાં આવી હતી.

નવી નીતિને કારણે મધ્ય તથા અંતિમ ડિસેમ્બરમાં નિયત થયેલા મોટાભાગના ઇન્ટરવ્યૂ હવે આવતા વર્ષના ઉનાળા સુધી મુલતવી રાખવામાં આવ્યા છે. પરિણામે, વિઝા સ્ટેમ્પિંગ માટે વિદેશમાંથી આવતા હજારો H-1B કર્મચારીઓ અમેરિકા પરત ફરી શકશે તેવી સ્થિતિમાં નથી અને મહિનો સુધી અટવાયેલા રહેવાની શક્યતા છે.

ભારતમાં અમેરિકી દૂતાવાસે મંગળવારે X (પહેલાં ટ્વિટર) પર ચેતવણી આપી હતી કે જે અરજદારો પોતાની જૂની નિયત તારીખે દૂતાવાસ કે કોન્સ્યુલેટ ખાતે હાજર થશે, તેમને પ્રવેશ આપવામાં આવશે નહીં.

વધુમાં, H-1B કર્મચારીઓ હવે ભારતની બહાર અન્ય દેશોમાંથી વિઝા રિન્યુ કરાવવાની સુવિધા પણ ગુમાવી ચૂક્યા છે. સપ્ટેમ્બરમાં સ્ટેટ ડિપાર્ટમેન્ટે જાહેર કર્યું હતું કે તમામ અસ્થાયી વિઝા ધારકોએ હવે માત્ર પોતાના રાષ્ટ્રીયતાના દેશ કે નિવાસસ્થાનના દેશમાં જ ઇન્ટરવ્યૂ આપવો પડશે. આ નવા નિયમથી અરજદારો માટે વધુ એક મોટી અડચણ સર્જાઈ છે.

Comments

Related