FOGAUSA Logo / FB/FOGAUSA
અમેરિકામાં વસતા ગુજરાતી સમાજ માટે ફરી એકવાર ગૌરવ અને એકતાનો વિશાળ અવસર સર્જાઈ રહ્યો છે. ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશન્સ ઓફ USA એટલે કે FOGAUSA દ્વારા ફ્લોરિડાના ઓર્લાન્ડોમાં 22 થી 25 મે, 2026 દરમિયાન બીજા 'યુનાઇટેડ ગુજરાતી કન્વેન્શન'નું આયોજન કરવામાં આવ્યું છે. ઉત્તર અમેરિકામાં વસતા ગુજરાતીઓ માટે આ કાર્યક્રમ માત્ર સામાજિક મેળાવડો નહીં પરંતુ ગુજરાતી સંસ્કૃતિ, વેપાર, નેટવર્કિંગ અને વૈશ્વિક ગુજરાતી ઓળખને વધુ મજબૂત બનાવતો મહોત્સવ માનવામાં આવી રહ્યો છે.
FOGAUSA છેલ્લા ઘણા વર્ષોથી અમેરિકાના વિવિધ રાજ્યોમાં વસતા ગુજરાતી સંગઠનોને એક મંચ પર લાવવાનું કાર્ય કરી રહ્યું છે. હાલમાં સંસ્થા સાથે 100થી વધુ ગુજરાતી સામાજિક, ધાર્મિક અને જ્ઞાતિ આધારિત સંસ્થાઓ જોડાયેલી છે. જેના કારણે આ કન્વેન્શનને અમેરિકામાં વસતા ગુજરાતીઓના સૌથી મોટા સમાગમોમાંથી એક ગણવામાં આવી રહ્યું છે.
આ વર્ષે યોજાનાર કન્વેન્શન ખાસ કરીને અનેક કારણોસર ચર્ચામાં છે. એક તરફ વિશ્વભરના ગુજરાતીઓને સાંસ્કૃતિક રીતે જોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે તો બીજી તરફ વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને ભારત સરકાર દ્વારા આપવામાં આવેલા આર્થિક સંદેશાને કારણે ઘણા રાજકીય અને વ્યાપારી આગેવાનો પોતાના વિદેશ પ્રવાસ મર્યાદિત કરી રહ્યા છે.
તાજેતરમાં પ્રધાનમંત્રી Narendra Modi એ વૈશ્વિક આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દેશવાસીઓને વિદેશી ચલણ બચાવવા અને જરૂરી હોય ત્યારે જ વિદેશ પ્રવાસ કરવા અપીલ કરી હતી. આ સંદેશાને અનુસરીને ગુજરાતના અનેક રાજકીય નેતાઓ અને ઉદ્યોગપતિઓએ પોતાના અમેરિકાના પ્રવાસ રદ અથવા મર્યાદિત કર્યા છે. આ અસર FOGAUSAના કન્વેન્શન પર પણ જોવા મળી રહી છે.
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી Harsh Sanghavi એ પણ આર્થિક સાવચેતી અને દેશહિતને પ્રાથમિકતા આપતા પોતાનો અમેરિકાનો પ્રવાસ રદ કરવાનો નિર્ણય લીધો છે. જોકે તેમણે FOGAUSAની ટીમને અભિનંદન પાઠવતા જણાવ્યું કે ગુજરાતીઓને વૈશ્વિક સ્તરે જોડવાનો આ પ્રયાસ પ્રશંસનીય છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આગામી 2028-29ના કન્વેન્શનમાં તેઓ વ્યક્તિગત રીતે હાજરી આપશે.
હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું કે ભલે તેઓ શારીરિક રીતે હાજર રહી શકશે નહીં, પરંતુ 23 મે, 2026ના રોજ તેઓ વર્ચ્યુઅલી કન્વેન્શનને સંબોધિત કરશે. તેમના આ નિર્ણયને દેશહિત અને આર્થિક જવાબદારી સાથે જોડાયેલા સંદેશ તરીકે જોવામાં આવી રહ્યો છે.
Event Poster / X@FOGA_USAતે જ રીતે વડોદરાના સાંસદ Hemang Joshi એ પણ વૈશ્વિક આર્થિક પરિસ્થિતિ અને દેશના હિતને ધ્યાનમાં રાખીને કન્વેન્શનમાં હાજરી આપી શકશે નહીં તેવી જાણકારી આપી છે.
કન્વેન્શનના આયોજનને સફળ બનાવવા માટે FOGAUSAના રાષ્ટ્રીય નેતૃત્વે ગુજરાતમાં વ્યાપક મુલાકાતો યોજી હતી. સંસ્થાના સ્થાપક પ્રમુખ ડૉ. વાસુદેવ પટેલ, સ્થાપક ઉપપ્રમુખ હર્ષદભાઈ પાકાજી પટેલ અને સ્થાપક ઉપપ્રમુખ પી.વી. પટેલે ગુજરાતના વિવિધ શહેરોમાં જઈ રાજકીય, સામાજિક અને વ્યાપારી આગેવાનો સાથે મુલાકાત કરી હતી.
આ મુલાકાતો દરમિયાન કન્વેન્શન માટે વિશાળ ઉત્સાહ જોવા મળ્યો હતો. ખાસ કરીને વડોદરામાં વેપારી વર્ગ અને ઉદ્યોગપતિઓએ આ કન્વેન્શન પ્રત્યે ઊંડો રસ વ્યક્ત કર્યો હતો. હિમાંશુ પટેલ, કિરીટ વડાલિયા, અંકુર પટેલ, જલેન્દુ પાઠક, અમિત શાહ અને પરીક્ષિત પરીખ સહિતના અગ્રણી ઉદ્યોગપતિઓએ કન્વેન્શનને સમર્થન આપ્યું હતું.
પરંતુ વડાપ્રધાનના આહ્વાનને ધ્યાનમાં રાખીને વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (VCCI) દ્વારા પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. શરૂઆતમાં મોટું પ્રતિનિધિમંડળ મોકલવાની યોજના હતી, પરંતુ હવે ખર્ચ અને વિદેશી ચલણ બચતને ધ્યાનમાં રાખીને પ્રતિનિધિઓની સંખ્યા ઘટાડવામાં આવી છે.
VCCIના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ હિમાંશુ પટેલે FOGAUSAના સ્થાપક પ્રમુખ ડૉ. વાસુદેવ પટેલને જાણ કરી હતી કે હવે સંસ્થાનું પ્રતિનિધિત્વ માત્ર એક વરિષ્ઠ પ્રતિનિધિ તરીકે કિરીટ વડાલિયા કરશે. આ નિર્ણય દ્વારા વેપારી સંગઠનો પણ દેશની આર્થિક પ્રાથમિકતાઓને ગંભીરતાથી લઈ રહ્યા હોવાનું સ્પષ્ટ થાય છે.
કન્વેન્શનને લઈને ગુજરાતના અનેક રાજકીય આગેવાનો અને લોકપ્રતિનિધિઓએ શુભેચ્છાઓ પાઠવી છે. આણંદના સાંસદ મિતેશ પટેલ, રાજ્યસભાના સાંસદ મયંક નાયક, ગિરીશ રાજગોર તેમજ ધારાસભ્યો પંકજ દેસાઈ, અમિત ઠાકર, અમિત પી. શાહ અને અમૂલ ભટ્ટ સહિતના આગેવાનોએ FOGAUSAની ટીમને અભિનંદન પાઠવ્યા છે.
દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીએ પણ આ પ્રકારના કાર્યક્રમો ગુજરાતી સમાજને વૈશ્વિક સ્તરે વધુ મજબૂત બનાવે છે તેવી લાગણી વ્યક્ત કરી હતી. વિવિધ ક્ષેત્રોના આગેવાનોના સમર્થનથી સ્પષ્ટ થાય છે કે અમેરિકામાં વસતા ગુજરાતીઓ માત્ર સાંસ્કૃતિક રીતે જ નહીં પરંતુ આર્થિક અને સામાજિક રીતે પણ ગુજરાત સાથે મજબૂત જોડાણ ધરાવે છે.
FOGAUSAના ઓર્લાન્ડો કન્વેન્શનના ચેરમેન જયેશ પટેલે જણાવ્યું કે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિશ્વભરના ગુજરાતીઓને એક મંચ પર લાવી તેમની વચ્ચે સાંસ્કૃતિક અને વ્યાવસાયિક જોડાણ મજબૂત કરવાનો છે. કન્વેન્શનમાં ગુજરાતી સંસ્કૃતિ, પરંપરા, બિઝનેસ નેટવર્કિંગ, યુવા નેતૃત્વ અને સામાજિક સહકાર જેવા વિવિધ વિષયો પર કાર્યક્રમો યોજાશે.
આ કાર્યક્રમ દરમિયાન સાંસ્કૃતિક રજૂઆતો, બિઝનેસ સેશન, સામાજિક ચર્ચાઓ અને વિવિધ મનોરંજક કાર્યક્રમો પણ યોજાવાના છે. ખાસ કરીને અમેરિકામાં જન્મેલી નવી પેઢીને ગુજરાતી ભાષા અને સંસ્કૃતિ સાથે જોડવાનું પણ કન્વેન્શનનું મહત્વપૂર્ણ લક્ષ્ય માનવામાં આવે છે.
FOGAUSAના નેતૃત્વે ગુજરાતના રાજકીય, સામાજિક અને વેપારી આગેવાનો તરફથી મળેલા સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સંસ્થાએ જણાવ્યું કે તેઓ વિશ્વભરના ગુજરાતી સમાજ અને માતૃભૂમિ ગુજરાત વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે સતત કાર્યરત રહેશે.
વિશ્વના અનેક દેશોમાં વસેલા ગુજરાતીઓ આજે વેપાર, ટેક્નોલોજી, શિક્ષણ અને રાજકીય ક્ષેત્રોમાં આગવી ઓળખ બનાવી રહ્યા છે. આવા સમયમાં FOGAUSA જેવા મંચો માત્ર મેળાવડા પૂરતા નથી રહેતા, પરંતુ વૈશ્વિક ગુજરાતી સમાજની એકતા અને ઓળખના કેન્દ્ર તરીકે ઉભરી રહ્યા છે.
ઓર્લાન્ડોમાં યોજાનાર આ યુનાઇટેડ ગુજરાતી કન્વેન્શન આગામી દિવસોમાં ગુજરાતી ડાયસ્પોરાની વૈશ્વિક શક્તિ અને સાંસ્કૃતિક એકતાનું મહત્વપૂર્ણ પ્રતિક બની શકે છે.
ગુજરાતીમાં અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો "ન્યુ ઇન્ડિયા અબ્રોડ ગુજરાતી"
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login