ADVERTISEMENT

ADVERTISEMENT

ભારતે બ્રિટન સરકાર દ્વારા ખાલિસ્તાની આતંકવાદી સંગઠનો પર પ્રતિબંધ મૂકવાના પગલાંને આવકાર્યો

ખાલિસ્તાની ઉગ્રવાદી તત્વો સામે બ્રિટનના પગલાંથી આતંકવાદ વિરોધી વૈશ્વિક લડતને મજબૂતી મળશે: વિદેશ મંત્રાલય

ખાલીસ્તાની ફ્લેગ File Photo / IANS

ભારતે સોમવારે યુનાઇટેડ કિંગડમ (બ્રિટન) સરકાર દ્વારા ભારત-વિરોધી ખાલિસ્તાની ઉગ્રવાદી તત્વો અને સંગઠનો પર પ્રતિબંધ મૂકવાના પગલાંનું હૃદયપૂર્વક સ્વાગત કર્યું છે. વિદેશ મંત્રાલયે આશા વ્યક્ત કરી છે કે ભારત અને બ્રિટન આતંકવાદ વિરોધી સહકાર તેમજ સુરક્ષા સહયોગને વધુ મજબૂત બનાવવા સતત નજીકથી કામ કરતાં રહેશે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સોમવારની નિયમિત પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ‘‘બ્રિટન સરકારે ભારત-વિરોધી ઉગ્રવાદી સંગઠનો પર જે પગલાં લીધાં છે તેનું અમે સ્વાગત કરીએ છીએ. આ પગલાં વૈશ્વિક સ્તરે આતંકવાદ અને ઉગ્રવાદ સામેની લડતને મજબૂત બનાવશે તેમજ ગેરકાયદેસર નાણાકીય પ્રવાહ અને આંતરરાષ્ટ્રીય અપરાધી નેટવર્કને અંકુશમાં લાવવામાં મદદરૂપ થશે. આવા વ્યક્તિઓ અને સંગઠનો માત્ર ભારત અને બ્રિટન માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે ખતરો છે.’’

બબ્બર ખાલસાના ગુરપ્રીત સિંઘ રેહલ તેમજ બબ્બર અકાલી લેહર જૂથ પર બ્રિટન સરકારે લગાવેલા પ્રતિબંધ અંગે પૂછવામાં આવતાં જયસ્વાલે કહ્યું, ‘‘age નીચે મુજબ જવાબ આપ્યો: ‘‘અમે બ્રિટન સરકારના આ પગલાંનું સ્વાગત કરીએ છીએ અને આશા રાખીએ છીએ કે આતંકવાદ વિરોધી અને સુરક્ષા સહકારના ક્ષેત્રમાં બંને દેશો વચ્ચેનો સહયોગ વધુ ગાઢ બનતો રહેશે.’’

ગત ૪ ડિસેમ્બરે બ્રિટનના ટ્રેઝરી વિભાગે ગુરપ્રીત સિંઘ રેહલની સંપત્તિ ફ્રીઝ કરવાની અને તેને ડિરેક્ટર તરીકે અયોગ્ય ઠેરવવાની જાહેરાત કરી હતી. તે જ રીતે બબ્બર અકાલી લેહર જૂથની સંપત્તિ પણ ફ્રીઝ કરવામાં આવી છે. બ્રિટન સરકારના નિવેદન મુજબ, રેહલ બબ્બર ખાલસા તેમજ બબ્બર અકાલી લેહરની આતંકવાદી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો છે, જેમાં ભરતી, નાણાકીય સહાય, હથિયારો ખરીદવા જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.

આ પહેલાં ઓક્ટોબર મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટનના વડાપ્રધાન કીયર સ્ટાર્મર વચ્ચે મુંબઈમાં મળેલી વાતચીત દરમિયાન પણ ખાલિસ્તાની ઉગ્રવાદનો મુદ્દો ચર્ચાયો હતો. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે લોકશાહી સમાજમાં ઉગ્રવાદ અને હિંસક વિચારધારાને કોઈ સ્થાન નથી અને લોકશાહીની મુક્તતાનો દુરુપયોગ કરીને તેને નબળી પાડનારા તત્વો સામે કાયદાકીય માળખામાં પગલાં લેવા જરૂરી છે.

ભારતે અગાઉ પણ બ્રિટનમાં ખાલિસ્તાની ઉગ્રવાદીઓની હાજરી અને તેમની પ્રવૃત્તિઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. જુલાઈમાં બ્રિટનની મુલાકાત દરમિયાન પણ વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ઉગ્ર વિચારધારા ધરાવતા તત્વોને લોકશાહીની મુક્તતાનો દુરુપયોગ કરવા દેવો ન જોઈએ.

Comments

Related