સલમાન રશ્દી / Wikipedia
ભારતીય મૂળના બ્રિટિશ-અમેરિકી નવલકથાકાર સલમાન રશ્દીએ જણાવ્યું છે કે અમેરિકાના કેટલાક ભાગોમાં પુસ્તકો પરનો અભૂતપૂર્વ પ્રતિબંધ અભિવ્યક્તિની સ્વતંત્રતાને ખતરે મૂકી રહ્યો છે.
બ્લૂમબર્ગના ‘ધ મિશાલ હુસૈન શો’ સાથેની તાજેતરની વાતચીતમાં રશ્દીએ અમેરિકામાં પુસ્તક પ્રતિબંધના મુદ્દે પોતાનો મત વ્યક્ત કરતાં કહ્યું, “મેં ક્યારેય આવું બનતું હોવાની કલ્પના પણ નહોતી કરી.”
“અમેરિકામાં રહેવા માંગતા લોકોમાંના હું પણ એક હતો, કારણ કે અહીં બંધારણમાં અભિવ્યક્તિની સ્વતંત્રતાને સુરક્ષિત સ્થાન આપવામાં આવ્યું છે,” એમ બુકર પુરસ્કાર વિજેતા લેખકે ઉમેર્યું.
૨૦૦૦થી અમેરિકામાં રહેતા અને ૨૦૧૬માં અમેરિકી નાગરિક બનેલા રશ્દી માને છે કે ઇતિહાસનાં સર્વોત્તમ પુસ્તકોમાંનાં કેટલાંક પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
અભિવ્યક્તિ સ્વતંત્રતા માટે કાર્યરત સંસ્થા પેન અમેરિકાના જણાવ્યા અનુસાર, ૨૦૨૧થી અમેરિકાની સાર્વજનિક શાળાઓમાં આશરે ૨૩,૦૦૦ પુસ્તકો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જે અભૂતપૂર્વ છે.
૨૦૨૨માં ન્યૂયૉર્કમાં સ્ટેજ પર ૧૫ વાર છરીના ઘા ઝીલનારા રશ્દી પર હુમલો કરનાર હાદી મતર તેમની નવલકથા ‘ધ સેટેનિક વર્સિસ’ પ્રકાશિત થયા બાદ જાહેર થયેલા ફતવાને કારણે પ્રેરિત થયો હતો.
મુક્ત અભિવ્યક્તિના પક્ષમાં હંમેશાં અવાજ ઉઠાવનારા રશ્દીએ કહ્યું, “હું અભિવ્યક્તિ સ્વતંત્રતાના અનેક મુદ્દાઓ સાથે જોડાયેલો રહ્યો છું.”
“મારો હંમેશનો મત રહ્યો છે કે દરેકને બોલવા દો, ખાસ કરીને જેમની સાથે હું અસહમત હોઉં. જેની સાથે આપણે સંમત હોઈએ એવું બોર્ડ ઊંચકનારને મંજૂરી આપવામાં કોઈ મહાનતા નથી,” એમ ગોલ્ડન પેન એવૉર્ડ વિજેતાએ ઉમેર્યું.
રશ્દીની નવલકથા ‘ધ સેટેનિક વર્સિસ’ને ૧૯૮૮માં તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીએ ભારતમાં પ્રતિબંધિત કરી દીધી હતી, જેના જવાબમાં રશ્દીએ ન્યૂયૉર્ક ટાઇમ્સમાં ખુલ્લો પત્ર પ્રકાશિત કર્યો હતો. આ પ્રતિબંધ ૨૦૨૪માં નાબૂદ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login