પ્રમીલા જયપાલ / Wikimedia commons
અમેરિકાના સાંસદ પ્રમિલા જયપાલ તાજેતરમાં એક નવું બિલ રજૂ કર્યું છે, જે હેઠળ શાળાઓ અને શિક્ષણ સંસ્થાઓએ એશિયન અમેરિકન, નેટિવ હવાઇયન અને પેસિફિક આઇલેન્ડર (AANHPI) વિદ્યાર્થીઓ અંગે વધુ વિગતવાર માહિતી એકત્રિત કરીને જાહેર કરવી પડશે. હાલ આ તમામ સમુદાયોને એક જ વ્યાપક શ્રેણીમાં સમાવાતા હોવાથી ઘણી મહત્વપૂર્ણ માહિતી છુપાઈ જાય છે.
"ઓલ સ્ટુડન્ટ્સ કાઉન્ટ એક્ટ" નામના આ બિલનો હેતુ AANHPI સમુદાયના વિવિધ વિદ્યાર્થી જૂથોની જરૂરિયાતો અને પડકારોને વધુ સારી રીતે ઓળખી તેમને યોગ્ય સહાય પૂરી પાડવાનો છે.
જયપાલે આ બિલ અમેરિકી સેનેટર મેઝી કે. હિરોનો સાથે મળીને રજૂ કર્યું છે. બિલ અંગે વાત કરતાં જયપાલે પોતાના જીવનના અનુભવનો ઉલ્લેખ કર્યો હતો.
તેમણે કહ્યું, "હું 16 વર્ષની ઉંમરે એકલી આ દેશમાં આવી હતી અને મારા ખિસ્સામાં કંઈ નહોતું. તેથી ઇમિગ્રન્ટ સમુદાયોના વિદ્યાર્થીઓને અમેરિકાની શિક્ષણ વ્યવસ્થામાં કયા પ્રકારના પડકારોનો સામનો કરવો પડે છે, તે હું સારી રીતે સમજું છું."
તેમણે વધુમાં જણાવ્યું, "અમારા વિદ્યાર્થીઓને દરેક સ્તરે યોગ્ય ઓળખ મળવી જોઈએ. એશિયન અમેરિકન, નેટિવ હવાઇયન અને પેસિફિક આઇલેન્ડર બાળકોના વિવિધ અનુભવો અને પડકારોને ડેટામાં સ્થાન આપવાથી અમે શિક્ષણ ક્ષેત્રે રહેલી અસમાનતા ઘટાડવા માટે વધુ અસરકારક રીતે કામ કરી શકીશું."
જો આ બિલ કાયદા તરીકે અમલમાં આવશે, તો શાળાઓ અને શિક્ષણ એજન્સીઓએ 15 એશિયન અમેરિકન ઉપસમુદાયો તેમજ 6 નેટિવ હવાઇયન અને પેસિફિક આઇલેન્ડર ઉપસમુદાયો અંગે અલગ-અલગ માહિતી એકત્રિત કરીને જાહેર કરવી પડશે.
બિલ અમલમાં આવ્યા બાદ તે 18 મહિનાની અંદર લાગુ થશે, જેથી રાજ્યો અને શાળા જિલ્લાઓને તેમની ડેટા સંગ્રહ પ્રણાલીઓ અને પદ્ધતિઓમાં જરૂરી ફેરફાર કરવા માટે પૂરતો સમય મળી રહે.
સેનેટર હિરોનોએ જણાવ્યું, "હવાઇમાં અમે અમારી વિવિધ સમુદાયોની વિશિષ્ટ ઓળખ, પૃષ્ઠભૂમિ અને પડકારોને માન્યતા આપીએ છીએ. AANHPI વિદ્યાર્થીઓના અલગ-અલગ ડેટાના સંગ્રહથી શાળાઓ વિદ્યાર્થીઓની વ્યક્તિગત જરૂરિયાતોને વધુ સારી રીતે સમજી શકશે અને તેમને યોગ્ય સહાય આપી શકશે."
તેમણે ઉમેર્યું, "વૈવિધ્યતા સામેના હુમલાઓ વચ્ચે પણ હું એ સુનિશ્ચિત કરવા માટે લડતી રહીશ કે દરેક વિદ્યાર્થીને વર્ગખંડમાં ઓળખ અને સમર્થન મળે."
આ બિલને સાઉથ એશિયન પબ્લિક હેલ્થ એસોસિએશન અને સિખ કોઅલિશન સહિત અનેક સામાજિક અને સમુદાય આધારિત સંસ્થાઓનું સમર્થન મળ્યું છે.
ભારતીય મૂળના અમેરિકી સાંસદ રો ખન્ના ઉપરાંત કોંગ્રેસ અને સેનેટના અન્ય ઘણા સભ્યોએ પણ આ બિલને ટેકો આપ્યો છે.
જયપાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, "AANHPI સમુદાય એકરૂપ નથી."
તેમણે વધુમાં જણાવ્યું, "સેનેટર મેઝી હિરોનો સાથે મળીને મેં આ બિલ રજૂ કર્યું છે જેથી AANHPI વિદ્યાર્થીઓને યોગ્ય ઓળખ મળી શકે, શિક્ષણ ક્ષેત્રે રહેલી ખામીઓ દૂર કરી શકાય અને વિદ્યાર્થીઓને વધુ સારી રીતે સેવા આપી શકાય."
ગુજરાતીમાં અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો "ન્યુ ઇન્ડિયા અબ્રોડ ગુજરાતી"
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login