-સંજય પંડયા
ઇન્ટરનેશનલ ગુજરાતી કલ્ચરલ સોસાયટી એટલાન્ટાએ ઓગસ્ટ ૩ ના રોજ પીચટ્રી રીજ હાઇસ્કૂલના ઓડીટોરીયમમાં શ્રી સૌમ્ય જોષી લિખીત અને દિગદર્શીત “વેલકમ જીંદગી”નો ૯૯૪મો પ્રયોગ સફળતાપૂર્વક રજુ કર્યો હતો.
આ નાટકમાં સાવરકુંડલાથી મુંબઈમાં સારા ભવિષ્યની અપેક્ષાએ સ્થળાંતર થયેલા ગણાત્રા પરિવારની વાર્તા છે. નાટકના ત્રણેય પાત્રોનો પરિચય પહેલી વીસ મિનિટમાં મળી રહે છે. નિવૃત્તિઆરે આવી ઊભેલા અને પોતાના કામમાં ગૌરવલેતા એક કંપનીના હેડ કલાર્ક અરૂણ ગણાત્રા (સૌમ્ય જોષી), ઘરકામમાં રચ્યાપચ્યા રહેતા તેમના પત્ની ભાનુ ગણાત્રા (જિજ્ઞા વ્યાસ) અને એમ.બી.એ.ની ડીગ્રી પછી પણ બેકાર પુત્ર વિવેક ગણાત્રા (અભિનય બેંકર). નાટક “વેલકમ જીંદગી”માં પત્ની કુટુંબની બધી જરૂરિયાતો સચવાઈ જાયએ હેતુથી પતિ પર ધ્યાન છે. પુત્ર પાસે એમ.બી.એ.ની ડીગ્રી હોવા છતાં તેણે કોઈ કોર્પોરેશનમાં નોકરી કરવી કે પોતાનો મિત્ર સાથે ધંધો કરવો તેની દ્વીધામાં છે.
નાટક એક સ્તર પર કુટુંબના સભ્યોની એકબીજા માટેની અંદર છુપાયેલ અવ્યકત લાગણીમાંથી ઊભું થાય છે. આથી દરેક સભ્યે એકબીજા માટે કેટ કેટલું કર્યુ છે તે અત્યંત ભાવુક બની રજુ કરે છે. નાટકનો આ એક અત્યંત રોચક હિસ્સો છે.
નાટકના બીજા સ્તર પર એક મધ્યમ આવકવાળું કુટુંબ મોટી રકમ વ્યાપારમાં રોકાણ કરે તો તેમાં આવતા જોખમો, કોની સાથે રોકાણ કરે છે તે માણસો અને સફળ થવાશે કે નહિ તેની ચિંતા આદિમાં બહાર લાવે છે.
પત્ની ભાનુ ગણાત્રાના સંવાદોમાં ઉપરછલ્લી કાઠીયાવાડી છાંટ જોવા મળે છે. કમનસીબે તમના બધા સંવાદ બરાબર સં-ભળાયા નહિ! પત્ની અને માતા તરીકે ભાનુ પોતાના વિચારો, હતાશાઓ અને ઉમંગને ખુબ ગાઈ વગાડીને વ્યકત કરે છે. તેનાથી તદ્દન વિરુધ્ધ પતિ અરૂણ ગણાત્રા છે. તે ભાગ્યે જ તેના મનની વાત કરે છે અને તેના ઝુકી ગયેલ ખભા અને વળી ગયેલ તેમનું શરીર તેની સાક્ષી સમાન રંગભૂમિ પર દેખાય છે. જ્યારે પુત્ર વિવેકને કશુંક કરી નાંખી ખુબ કમાણી કરી લેવાની ખેવના છે. મોટ । સ્વપ્ન જોવા સાથે તેને માતાપિતા માટે ઊંડી જ લાગણી છે. આમ પિતા—પુત્રના આવા સામસામેના વિચારો તેની અને તેના પિતાની વચ્ચે ગેરસમજની મોટી દિવાલ ઊભી કરે છે. નાટકના એક ખુબ જ કશમકશ દ્દશ્યમાં વિવેક તેના પિતાને જણાવે છે કે તેના મિત્ર પાસે પૈસા છે એટલે નહિ પણ તે ખરેખર સારો મિત્ર છે માટે તે તેની સાથે ધંધો કરવા માંગે છે.
નાટકમાં ત્રણેય કલાકારોએ તેમની ભૂમિકા ખુબ સુંદરરીતે ભજવી છે. સુયોગ્ય સેટ સાથે સમગ્ર નાટક દરમિયાનના સંગીતે નાટકને વધુ ધારદાર બનાવ્યું હતું.
નાટકના અંતે આવતો પિતા અને પતિ અરૂણ ગણાત્રોનો લાંબો સંવાદ ખુબ અસરકારક રહ્યો. મધ્યમ વર્ગની મજૂરી અને ખાસ કરીને એક સામન્ય ક્લાર્કની ગરીમાને ઉજાગર કરતા આ સંવાદો આખા નાટકને એક ઉચ્ચ ભૂમિકાએ મુકી આપે છે.
આ નાટકનો રમૂજી કહેવું ઉચિત નથી, તેને કુટુંબકથા કહેવું ગુનો ગણાય. હા તેને સમાજની કટાક્ષિકા કદાચ કહી શકીએ પણ આ ખડખડાટ હસાવતું, મારામારીને ઓવારે ઊભા રાખી દે તેવા ભારેખમ દ્દશ્યોવાળા અને શોકમાં ગરકાવ કરી દે તેવા સંવા-દોવાળું આ નાટક આપણી સમક્ષ દર્પણ ધરે છે. ભાનુ ગણાત્રાનો એક યાદગાર સંવાદ: “કાનના જલસા આંખોથી ના કરાય” આ નાટક માટે એક દમ બંધબેસતો છે. શ્રી સૌમ્ય જોષીના આ નાટકને માણવા જોવું પડે, તેના વિશે વાંચીને કશું જ મેળવી શકાતું નથી!
એટલાન્ટામાં વસતા એક એન.આર.આઇ. તરીકે કબૂલવું પડશે કે રાબેતા મુજબ અમને અહીં મનોરંજનને નામે એંઠવાડ જ પીરસાય છે. આવા હતાશાભર્યા સંજોગોમાં ઇન્ટરનેશનલ ગુજરાતી કલ્ચરલ સોસાયટી, એટલાન્ટા આવા સારા નાટકને લાવવા બદલ ધન્યવાદને પાત્ર ઠરે છે.
આજથી બે વર્ષ પહેલાં ઇન્ટરનેશનલ ગુજરાતી કલ્ચરલ સોસાયટી, એટલાન્ટાએ ગુજરાતી ચલચિત્ર મહોત્સવનું સફળ આયોજન કર્યુ હતું. ગયે વર્ષે “એક સાંજ મધુ રાય સાથે અને શોભિત દેસાઈ સાથે કાવ્ય સંગીત ગોષ્ઠી”યોજી હતી. આ વર્ષની શરૂઆત એટલાન્ટાના સ્થાનિક કલાકારો સાથે વસંતના વધામણાની સુંદર સાંજ “પગલાં વસંતના”નું સુંદર આયોજન કર્યું હતું.
આ કાર્યક્રમની સફળ માટે શ્રી જતીન શાહ, શ્રીમતી ચૌલા ઝવેરી-શાહ, શ્રી નિમીષ અને પારૂલ સેવક, શ્રી મલય દેસાઈ, શ્રી સાગર શાહ અને ઇકબાલભાઈ અનજેરીએ ખૂબ જહેમત લીધી હતી. પટેલ પ્રોસેસીંગ. ભીંડી જવેલર્સ, શેઠ ફાઉન્ડેશન, ડો. અમીતા પરીખ અને શ્રી કેતન ઘીયાને આ કાર્યક્રમ સફળ બનાવવા આપેલ યોગદાન બદલ આભાર.
ડો. નરેશભાઈ અને આશાબહેન પરીખ, ડો ધવલ શાહ, શ્રી રાજીવ ગોસ્વામી, શ્રી નિતીન શાહ અને આપણા ભારતીય સંસ્કૃતિના પ્રતિનિધિ શ્રી મુસ્તફા અજમેરી જેવા મહાનુભાવો આ નાટક માણવા હાજર રહ્યા હતા
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login