ભારત પર્વ–2025, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, એકતા નગર / માહિતી વિભાગ, ગુજરાત.
“એક ભારત, શ્રેષ્ઠ ભારત” ના ધ્યેયને જીવંત બનાવતા ભારત પર્વ–૨૦૨૫માં લોકકળા અને આધુનિક સંસ્કૃતિનો અદભૂત સંગમ જોવા મળ્યો છે. એકતા નગરના સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પરિસરમાં યોજાયેલા આ ભવ્ય પર્વમાં રાજસ્થાનની કઠપુતળી કળાએ સૌનું મન જીતી લીધું છે. રંગબેરંગી વેશભૂષા, પરંપરાગત સંગીત અને જીવંત પાત્રોની રમઝટ વચ્ચે ભારતની પ્રાચીન કળાએ ફરી એક વાર પોતાની ઓળખ નોંધાવી છે.
મૂળ રાજસ્થાનના નાગોર જિલ્લાના અને હાલ અમદાવાદમાં વસતા પવનભાઈ હરીભાઈ ભાટ તથા તેમના કાકા મહિપાલભાઈ નારણભાઈ ભાટ છેલ્લા પચ્ચીસ વર્ષથી કઠપુતળી કળાને જીવંત રાખી રહ્યા છે. પવનભાઈએ જણાવ્યું કે, “દાદા–પરદાદાના સમયથી કઠપુતળી કળા અમારી ઓળખ છે.પહેલા ગામે ગામે જઈ લોકોનું મનોરંજન કરતા હતા, આજે સરકારની યોજનાઓ પ્રચાર–પ્રસારનું માધ્યમ બની ગઈ છે. ભારત પર્વ–૨૦૨૫માં અમારી કળા રજૂ કરવાની તક મળી એ અમારા માટે ગૌરવની વાત છે. અહીં સરકાર તરફથી રહેવા–જમવાની સગવડ સાથે દૈનિક રોજગારી પણ મળી રહી છે.”
કઠપુતળીનો ખેલ માત્ર મનોરંજન નહીં, પરંતુ સામાજિક સંદેશ આપતું જીવંત માધ્યમ છે. આ કળા દ્વારા કલાકારો ગામડાંમાં સ્વચ્છતા, શિક્ષણ, આરોગ્ય અને સરકારની યોજનાઓ અંગે જાગૃતિ આપી રહ્યાં છે. પવનભાઈ કહે છે કે, “આ કળા એ લોકો સુધી પહોંચવાનો સૌથી સહજ માર્ગ છે, કારણ કે કઠપુતળીની ભાષા દરેક સમજે છે.”
કઠપુતળી શબ્દ સાંભળતાં જ બાળપણની મીઠી યાદો તાજી થઈ જાય છે, ફાનસના અજવાળે ગામની શેરીમાં ભેગા થયેલા બાળકો અને વડિલો વચ્ચે જીવંત થતી કઠપુતળી કળા, તે સમયના ટેલિવિઝન કે મોબાઇલ વિહોણા યુગમાં લોક મનોરંજનનું મુખ્ય સાધન હતી.
આજના ટેકનોલોજી યુગમાં ભલે મનોરંજનના સાધનો બદલાયા હોય, પરંતુ કઠપુતળી કળાએ પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. હવે આ કળા પપેટ થિયેટરના સ્વરૂપમાં શૈક્ષણિક અને સામાજિક સંદેશ આપવા માટે ઉપયોગમાં લેવાય છે.
ભારતમાં કઠપુતળીની કળા આશરે બે હજાર વર્ષ જૂની માનવામાં આવે છે. રાજસ્થાનની ધરતી આ કળાની જનની ગણાય છે. પાતળી દોરીથી નચાવવામાં આવતી કઠપુતળીઓ દ્વારા કલાકારો મહારાણા પ્રતાપ, અમરસિંહ રાઠોડ જેવા શૂરવીરોની શૌર્યગાથા અને લોકપ્રસંગોની જીવંત પ્રસ્તુતિ કરે છે. આ કળા રાજસ્થાનની સંસ્કૃતિ અને પરંપરાનું ગૌરવરૂપ પ્રતીક બની રહી છે.
ભારત પર્વ–૨૦૨૫માં દેશના વિવિધ રાજ્યોની લોકકળાઓએ ભારતીય સંસ્કૃતિની વૈવિધ્યસભર ઝલક પ્રગટ કરી છે. તેમાં કઠપુતળી કળાનું પ્રદર્શન લોકપ્રિય આકર્ષણ બની ગયું છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પરિસરમાં કઠપુતળી કળાની રમઝટ જોતા લોકો ઉત્સાહથી તાળી પાડી ઉલ્લાસ વ્યક્ત કરી રહ્યા છે.
સરકાર દ્વારા કલાકારોને રહેઠાણ, ભોજન સહિત રોજગારી પણ આપવામાં આવી રહી છે, જે લોકકળાઓના પુનર્જીવનનો ઉત્તમ પ્રયાસ ગણાય છે.પવનભાઈ કહે છે કે, “ભારત પર્વ અમને અમારી કળાને નવા મંચે રજૂ કરવાની તક આપી છે. લોકો આનંદ પણ મેળવે છે અને સરકારના સંદેશા પણ સરળતાથી સમજે છે.”
ભારત પર્વ–૨૦૨૫ માત્ર એક ઉત્સવ નથી, પરંતુ પરંપરા અને પ્રગતિ વચ્ચેનો જીવંત પુલ છે. અહીં લોકકળા, પરંપરાગત કારીગરી અને આધુનિક ભારતની ઝલક એકસાથે જોવા મળે છે. એકતા નગરમાં ગુંજતી કઠપુતળીની ધૂન એ સાબિત કરે છે કે ભારતીય પરંપરા આજે પણ જીવંત છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login