આ કાર્યવાહીના ભાગ રૂપે, તપાસકર્તાઓએ કેલિફોર્નિયામાં ડઝનબંધ સર્ચ વોરંટનો અમલ કરતી વખતે લગભગ 1,000 કિલોગ્રામ કોકેન, એક કિલોગ્રામ હેરોઈન, આશરે $40,000 રોકડા અને એક ડઝન હથિયારો જપ્ત કર્યા. / IANS
આંતરરાષ્ટ્રીય કાયદા અમલ એજન્સીઓની સંયુક્ત કાર્યવાહીમાં અમેરિકા, કેનેડા અને યુરોપમાં સક્રિય ત્રણ આંતરરાષ્ટ્રીય સંગઠિત ગુનાહિત ગેંગના 24 શંકાસ્પદ સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. અમેરિકી અધિકારીઓએ આ નેટવર્ક્સ પર હત્યા, ખંડણી, ડ્રગ્સની હેરાફેરી અને અનેક ખંડોમાં ફેલાયેલા હિંસક ગુનાઓમાં સંડોવણીના આરોપ લગાવ્યા છે.
અમેરિકાના ન્યાય વિભાગે 7 જુલાઈએ જણાવ્યું કે કેલિફોર્નિયામાં જાહેર કરાયેલા ત્રણ ફેડરલ આરોપપત્રોમાં કુલ 37 આરોપીઓ સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી "ઓપરેશન હાર્ડ બોલ" હેઠળ કરવામાં આવી છે, જે ભારત, ઉત્તર અમેરિકા અને યુરોપમાં સક્રિય સંગઠિત ગુનાહિત નેટવર્ક્સને નિશાન બનાવતી ઘણા વર્ષોની તપાસનો ભાગ છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ અમેરિકામાં 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી 11 કેલિફોર્નિયામાંથી ઝડપાયા છે. ઉપરાંત કેનેડામાં ત્રણ અને સ્પેનમાં એક આરોપીની ધરપકડ થઈ છે. અન્ય સાત આરોપીઓ પહેલાથી જ કસ્ટડીમાં હતા, જ્યારે અમેરિકા, ભારત અને યુરોપમાં રહેલા 10 ફરાર આરોપીઓની શોધ ચાલુ છે.
આ કાર્યવાહી દરમિયાન કેલિફોર્નિયામાં અનેક સ્થળોએ દરોડા પાડીને અંદાજે 1,000 કિલોગ્રામ કોકેન, 1 કિલોગ્રામ હેરોઈન, આશરે 40,000 ડોલર રોકડ અને 12 હથિયારો જપ્ત કરવામાં આવ્યા હતા.
અમેરિકાના ફર્સ્ટ આસિસ્ટન્ટ યુ.એસ. અટર્ની બિલ એસાયલીએ જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય ગુનાહિત ગેંગો જે ભય, ડ્રગ્સ અને હિંસા ફેલાવે છે, તેઓ સામે કાયદાની સંપૂર્ણ શક્તિથી કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે અમેરિકા, કેનેડા, યુરોપ અને એશિયાની કાયદા અમલ એજન્સીઓ મળીને આવા સંગઠનોને જ્યાં પણ હશે ત્યાં સુધી પહોંચી તેમને નષ્ટ કરવા માટે પ્રતિબદ્ધ છે.
એફબીઆઈના લોસ એન્જલસ ફિલ્ડ ઓફિસના આસિસ્ટન્ટ ડિરેક્ટર પેટ્રિક ગ્રાન્ડીએ જણાવ્યું કે આજની સંયુક્ત કાર્યવાહી ત્રણ એવા ખતરનાક આંતરરાષ્ટ્રીય ગુનાહિત સંગઠનો સામે કરવામાં આવી છે, જેઓ અમેરિકા અને વિદેશમાં અનેક પરિવારોને ભયભીત કરતા, સમાજનું શોષણ કરતા અને હિંસક ગુનાઓ દ્વારા લોકોના જીવ લેતા હતા.
તેમણે ઉમેર્યું કે કાયદા અમલ એજન્સીઓ આવા હિંસક સંગઠનોને ઓળખી તેમની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ખોરવી અને તેમને કાયદા સમક્ષ લાવવા માટે પ્રતિબદ્ધ છે.
એક આરોપપત્રમાં પંજાબના જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ઉલ્લેખ છે. સરકારી વકીલોનો આરોપ છે કે તે જેલમાંથી ગેરકાયદેસર સંચાર સાધનો દ્વારા રાજકીય હત્યા, ખૂન, ખંડણી, અપહરણ, ડ્રગ્સની હેરાફેરી અને માનવ તસ્કરી જેવી પ્રવૃત્તિઓ ચલાવતું વૈશ્વિક ગુનાહિત નેટવર્ક સંચાલિત કરતો હતો. તપાસ મુજબ આ સંગઠને ભારત, અમેરિકા અને અન્ય દેશોમાં સભ્યોની ભરતી કરી હતી અને ભારતીય મૂળના લોકોમાં ભયનું વાતાવરણ ઉભું કરીને તેનો લાભ લીધો હતો.
આ આરોપોમાં જૂન 2023માં કેનેડાના બ્રિટિશ કોલંબિયાના સરે શહેરમાં "H.S.N." તરીકે ઓળખાવવામાં આવેલા એક વ્યક્તિની હત્યાનો પણ સમાવેશ થાય છે.
ફેડરલ પ્રોસિક્યુટરોએ આરોપ મૂક્યો છે કે લોરેન્સ બિશ્નોઈ અને તેનો સાથી સતિંદરજીત સિંહ ઉર્ફે ગોલ્ડી બ્રારએ આ હત્યાનો આદેશ આપ્યો હતો. આરોપપત્ર મુજબ કેલિફોર્નિયામાં કેટલાક લોકોને 50 લાખ ડોલરની ખંડણી માટે ધમકાવવામાં આવ્યા હતા તેમજ અમેરિકા અને કેનેડા વચ્ચે મોટા પાયે કોકેનની હેરાફેરી કરવામાં આવતી હતી.
અલગ આરોપપત્રમાં જગ્ગુ ભગવાણપુરિયા ગેંગ પર આંતરરાષ્ટ્રીય સ્તરે ભાડૂતી હત્યા, અપહરણ, નશીલા પદાર્થોની હેરાફેરી, ગેરકાયદેસર હથિયારોનો વેપાર અને ખંડણી જેવા ગુનાઓ ચલાવવાનો આરોપ છે. પ્રોસિક્યુટરોનો દાવો છે કે આ ગેંગ કેટલાક ભ્રષ્ટ અધિકારીઓની મદદથી પોતાના વિરોધીઓને ખોટા કેસોમાં ફસાવતું હતું.
ત્રીજા આરોપપત્રમાં કેનેડા સ્થિત એક નેટવર્ક પર દક્ષિણ કેલિફોર્નિયાથી લાંબા અંતરના ટ્રકો મારફતે સેંકડો કિલોગ્રામ કોકેન અને મેથામ્ફેટામિન કેનેડામાં પહોંચાડવાના આરોપ મૂકવામાં આવ્યા છે.
જો આરોપીઓ દોષિત સાબિત થશે તો ઘણા લોકોને કાયદા મુજબ ઓછામાં ઓછી 10 વર્ષની સજા થી લઈને આજીવન કેદ સુધીની સજા થઈ શકે છે.
ગુજરાતીમાં અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો "ન્યુ ઇન્ડિયા અબ્રોડ ગુજરાતી"
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login