સમન્વિથા ધારેશ્વર / LinkedIn
ઓસ્ટ્રેલિયાના સિડનીના હોર્ન્સબી વિસ્તારમાં ૧૪ નવેમ્બરના રોજ સાંજની ચાલતી વખતે ઝડપી BMW કારે ભારતીય મૂળની આઠ મહિનાની ગર્ભવતી મહિલાને અડફેટે લીધી હતી, જેના કારણે મહિલા અને તેના ગર્ભસ્થ બાળક બંનેનાં મોત નીપજ્યાં હતાં.
આ દુઃખદ ઘટનાનો ભોગ બનેલી ૩૩ વર્ષીય સમન્વિથા ધારેશ્વર IT એનાલિસ્ટ તરીકે કામ કરતાં હતાં. તેમના પતિ અને ત્રણ વર્ષના પુત્ર સાથે જ્યોર્જ સ્ટ્રીટ પર ચાલતાં હતાં ત્યારે એક કિયા કારે તેમને રસ્તો ક્રોસ કરવા દીધો હતો. તે જ વેળાએ પાછળથી આવતી ૧૯ વર્ષીય આરોન પાપાઝોગ્લુની BMWએ કિયા કારને પાછળથી જોરદાર ટક્કર મારી, જેના કારણે કિયા આગળ ધકેલાઇ અને સમન્વિથાને અડફેટે લીધાં.
ઘટનાસ્થળે પહોંચેલી ઇમર્જન્સી ટીમે જીવ બચાવવાના તમામ પ્રયાસો કર્યા, પરંતુ સમન્વિથા અને તેમના ગર્ભસ્થ બાળકને બચાવી શકાયા નહીં. સદનસીબે તેમના પતિ અને ત્રણ વર્ષના પુત્રને કોઇ ઇજા થઇ નહોતી, પરંતુ તેમણે આ ભયાનક દૃશ્ય પોતાની આંખો સામે જોયું હતું.
ઘટના બાદ થોડી જ વારમાં ડ્રાઇવર આરોન પાપાઝોગ્લુની ધરપકડ કરવામાં આવી હતી. તેના પર ખતરનાક ડ્રાઇવિંગથી મોત, બેદરકારીભર્યું ડ્રાઇવિંગ અને ગર્ભસ્થ બાળકના મોતનું કારણ બનવા જેવા ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે હોસ્પિટલમાં કરાયેલી ફરજિયાત તપાસમાં તે દારૂ કે ડ્રગ્સના પ્રભાવ હેઠળ ન હતો તે વાત સામે આવી છે અને તેની પાસે અગાઉ કોઇ ગુનાઇત કે ટ્રાફિક રેકોર્ડ નથી.
કોર્ટમાં હાજર કરાતાં મેજિસ્ટ્રેટ રે પ્લિબરસેકે જામીન નામંજૂર કરતાં કહ્યું કે, “આ ઘટનાનું પરિણામ બે પરિવારો માટે અત્યંત ભયાનક છે.”
સમન્વિથા Alsco Uniforms કંપનીમાં IT સિસ્ટમ્સ એનાલિસ્ટ તરીકે ફરજ બજાવતાં હતાં. તાજેતરમાં જ તેમના પરિવારે સિડનીના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં ગ્રાન્થમ ફાર્મમાં જમીન ખરીદી હતી અને સપ્ટેમ્બરમાં બ્લેકટાઉન સિટી કાઉન્સિલમાં બે માળના ઘરના નકશાની મંજૂરી માટે અરજી કરી હતી.
સિડનીમાં વસતા ભારતીય સમુદાયે આ ઘટનાથી ગહન દુઃખ અને આઘાત વ્યક્ત કર્યો છે. “Indians in Sydney” સંગઠનના નિવેદનમાં કહેવાયું છે કે, “આ દુઃખદ નુકસાનથી સમગ્ર સમુદાય શોક અને વ્યથામાં ડૂબેલો છે. પરિવાર પુરેપુરો તૂટી ગયો છે.”
પોલીસ તપાસ ચાલુ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login