ADVERTISEMENTs

ચાઈનાથી આયાત થતા યાર્ન પરથી QCO હટાવવા અને ATUF સ્કીમને ફરીથી શરૂ કરવા રજૂઆત.

SGCCI પ્રમુખની નવી દિલ્હી ખાતે કેન્દ્રિય ટેક્ષ્ટાઇલ મંત્રી શ્રી ગિરિરાજ સિંહ સમક્ષ ભારતમાં નહિ બનતા સ્પેશ્યાલીટી યાર્ન અને જે માટે ચાઈનાથી આયાત ઉપર નિર્ભર રહેવું પડે છે તેવા યાર્ન પરથી QCO હટાવવા અને ATUF સ્કીમને ફરીથી શરૂ કરવા રજૂઆત.

કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી ગિરિરાજસિંહ ને રજૂઆત / SGCCI

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ નવી દિલ્હી ખાતે ભારત સરકારના કેન્દ્રિય જલશકિત મંત્રી શ્રી સી.આર. પાટીલજીની સાથે રહીને ભારતના કેન્દ્રિય ટેક્ષ્ટાઇલ મંત્રી શ્રી ગિરીરાજ સિંહ સમક્ષ ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ માટે ઉદ્‌ભવતા પ્રશ્નોના નિરાકરણ માટે વિવિધ રજૂઆતો કરી હતી. આ મામલે ચેમ્બર પ્રમુખશ્રી ભારત સરકારના જોઈન્ટ ટેક્ષ્ટાઇલ સેક્રેટરી પ્રાજક્તા વર્મા (IAS)ને પણ મળ્યા હતાં. ચેમ્બર પ્રમુખશ્રીની સાથે રજૂઆત વખતે સાઉથ ગુજરાત ટેક્ષ્ટાઇલ પ્રોસેસિંગ એસોસીએશનના પ્રમુખ શ્રી જિતેન્દ્ર વખારિયા પણ જોડાયા હતા.

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ ટેક્ષ્ટાઇલ મંત્રી સમક્ષ રજૂઆત કરી હતી કે, મેકેનિકલ સ્ટ્રેચ યાર્ન, બાય શ્રીન્કેજ યાર્ન, હાઇ ડેનિયર પોલિએસ્ટર ઇન્ડસ્ટ્રીયલ યાર્ન, લો ડેનિયર હાઇ ફિલામેન્ટ યાર્ન અને લો ડેનિયર લો ફિલામેન્ટ યાર્ન જેવા અમુક યાર્ન કે જે ભારતમાં બનતા નથી અને આ યાર્ન ચાઈનાથી આયાત કરવા પડે છે એવા સ્પેશ્યાલીટી પોલીએસ્ટર યાર્ન પર લાગેલા QCOને હટાવવામાં આવે.

તેમણે ટેક્ષ્ટાઇલ મંત્રી સમક્ષ ATUF સ્કીમને ફરીથી શરૂ કરવા માટે પણ રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભારત ટેક્ષ્ટાઇલ ક્ષેત્રે વિશ્વમાં એક્ષ્પોર્ટની દ્રષ્ટિએ ર ટકાનું યોગદાન ધરાવે છે, જે ભારત સરકાર વર્ષ ૨૦૪૭ સુધીમાં ૧૦ ટકા સુધી લઇ જવા માંગે છે તે માટે ટેક્ષ્ટાઇલ ક્ષેત્રે ડાઉન સ્ટ્રીમ, પ્રોસેસિંગ અને નીટિંગ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ મોટા પ્રમાણમાં રોકાણ આવવું જોઈએ એ માટે ATUF સ્કીમ કે જે એપ્રિલ ૨૦૨૨થી બંધ કરવામાં આવી છે તેને ફરીથી શરૂ કરવાની તાતી જરૂરિયાત છે.

ચેમ્બર પ્રમુખે યાર્ન બેંક સ્કીમને ફરીથી શરુ કરવા માટે પણ રજૂઆત કરી હતી. તેમણે મંત્રીશ્રીને જણાવ્યું હતું કે, QCOને કારણે યાર્નના ભાવમાં જબરજસ્ત ઉછાળો આવ્યો છે અને યાર્નની ઉપલબ્ધતામાં પણ ઘટાડો નોંધાયો છે. યાર્ન ખરીદવા નાના વીવર્સને ઘણી તકલીફ પડી રહી છે, આથી વીવર્સની મુશ્કેલીના નિવારણ માટે યાર્ન બેંક સ્કીમને ફરીથી શરૂ કરવામાં આવે તેવી રજૂઆત તેમણે કરી હતી.

આ ઉપરાંત સ્ટેન્ડ અપ ઇન્ડિયા સ્કીમ ૨૦૨૦થી બંધ છે એમાં પણ પાવર ટેક્ષ સ્કીમ, ગૃપ વર્કશેડ સ્કીમ, SITP સ્કીમ, IPDS સ્કીમ અને કોમ્પ્રેહેન્સીવ પાવરલુમ ડેવલપમેન્ટ સ્કીમ અત્યારે બંધ છે. આ સ્કીમથી સમગ્ર ટેક્ષટાઈલ વેલ્યુ ચેઈનમાં બધા ઉદ્યોગકારોને રાહત થતી હતી, આથી ભારતને વૈશ્વિક કક્ષાએ ઊંચાઈએ લઇ જવા માટે આ સ્કીમોને ફરીથી શરૂ કરવાની રજૂઆત કરવામાં આવી હતી. 

આ ઉપરાંત કેન્દ્રની નવી ટેક્ષટાઈલ પોલીસી બનાવવી જોઈએ. સાથે જ પીએલઆઈ- ૨ સ્કીમ લાવવામાં આવે અને એમાં ઇન્વેસ્ટમેન્ટના ક્રાઇટેરિયામાં ઘડાડો કરવા અને ઇન્ક્રીમેન્ટલ ટર્નઓવરની જોગવાઇને કાઢી નાંખવાની રજૂઆત કરવામાં આવી હતી.

Comments

Related