ADVERTISEMENT

ADVERTISEMENT

યુવા ભારતીય અમેરિકનો વધુ સારું પ્રતિનિધિત્વ મેળવવા મિડટર્મ ચૂંટણીમાં ઉતરી રહ્યા છે: નેહા દિવાન

2026ની અમેરિકન મિડટર્મ ચૂંટણીમાં સ્થાનિક શાળા બોર્ડથી લઈને સેનેટ સુધી રેકોર્ડ સંખ્યામાં ભારતીય અમેરિકનો ચૂંટણી લડી રહ્યા છે.

 નેહા દિવાન નેહા દિવાન / Image Provided

અમેરિકાની મહત્વપૂર્ણ મિડટર્મ ચૂંટણીને હવે માત્ર ચાર મહિના બાકી છે ત્યારે ભારતીય અમેરિકન રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ વખતે ભારતીય અમેરિકન સમુદાયની ચૂંટણીમાં ભાગીદારી ઐતિહાસિક સ્તરે પહોંચી છે.

ઇન્ડિયાસ્પોરા સંસ્થામાં વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ઓપરેશન્સ અને જનરલ કાઉન્સેલ તરીકે કાર્યરત તેમજ વકીલ નેહા દેવાને તાજેતરના એક વિશેષ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, "આ વખતે વિવિધ ચૂંટણીમાં ભારતીય અમેરિકનો મોટી સંખ્યામાં ઉમેદવારી નોંધાવી રહ્યા છે. ગયા ચૂંટણી ચક્રની સરખામણીએ આ સંખ્યા વધી છે અને 2026માં શાળા બોર્ડથી લઈને અમેરિકન સેનેટ સુધીની વિવિધ ચૂંટણીમાં 300થી વધુ ભારતીય અમેરિકનો મેદાનમાં છે."

તેમના જણાવ્યા મુજબ ખાસ કરીને યુવા ભારતીય અમેરિકનો રાજકારણમાં આગળ આવી રહ્યા છે, કારણ કે તેમને લાગે છે કે તેમના સમુદાયને યોગ્ય પ્રતિનિધિત્વ મળતું નથી. "હું હાઇસ્કૂલ ડેમોક્રેટ્સ સહિત યુવા નેતાઓ સાથે વાત કરું છું. ઘણા યુવાનો હજુ મતદાન માટે પાત્ર નથી, છતાં તેઓ મિડટર્મ ચૂંટણીમાં સક્રિય રીતે જોડાઈને પોતાનું યોગદાન આપવા આતુર છે."

2020ની રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન 'સાઉથ એશિયન્સ ફોર બાઇડન'ના સ્થાપક અને નેશનલ ડિરેક્ટર રહેલા નેહા દેવાન કહે છે કે કમલા હેરિસની રાષ્ટ્રપતિ ચૂંટણી ઝુંબેશ દરમિયાન ભારતીય અમેરિકનોની રાજકીય ભાગીદારીમાં નોંધપાત્ર વધારો થયો હતો. તેમનું કહેવું છે કે અગાઉ ઘણા ભારતીય અમેરિકનો રિપબ્લિકન પાર્ટીને સમર્થન આપતા અને ડોનાલ્ડ ટ્રમ્પને મત આપતા હતા, પરંતુ છેલ્લા એક વર્ષમાં અમલમાં આવેલી કેટલીક સરકારી નીતિઓને કારણે આ ચૂંટણીમાં મતદારોના વલણમાં બદલાવ જોવા મળી રહ્યો છે.

દેવાને કહ્યું કે, "MAGA આંદોલન સાથે જોડાયેલા કેટલાક વર્ણનો અને ચર્ચાઓમાં અમેરિકાની સેકન્ડ લેડી ઉષા વાન્સ, એફબીઆઈ ડિરેક્ટર કાશ પટેલ અને ઓહાયોના ગવર્નર પદના રિપબ્લિકન ઉમેદવાર વિવેક રામાસ્વામી જેવા ભારતીય મૂળના નેતાઓને પણ તેમની જાતિ અને ઓળખના આધારે નિશાન બનાવવામાં આવ્યા છે. આ સમગ્ર ભારતીય અમેરિકન સમુદાય માટે ચિંતાનો વિષય છે."

તેમણે વધુમાં જણાવ્યું કે, "આપણે સૌ ભારતીય અમેરિકન વારસો વહેંચીએ છીએ, પરંતુ ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન્સ વચ્ચે રાજકીય વિચારધારા અલગ છે. છતાં આજે સમુદાયના લોકો તેમની ઓળખના આધારે ટ્રોલિંગ અને હુમલાનો સામનો કરી રહ્યા છે, ખાસ કરીને જ્યારે ઘણા ભારતીય અમેરિકનો હવે મહત્વપૂર્ણ જાહેર હોદ્દાઓ પર કાર્યરત છે."

તેમના મતે માત્ર ભારતીય ઓળખના આધારે બંને પક્ષો વચ્ચે કોઈ મોટું એકજૂટ મંચ ઊભું થશે તેવી શક્યતા ઓછી છે, કારણ કે ઘણા લોકો માટે પાર્ટી પ્રત્યેની વફાદારી વધુ મહત્વની રહે છે. જોકે ઇન્ડિયાસ્પોરા જેવી બિનપક્ષીય સંસ્થાઓ સમુદાય માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. "અમે સમુદાયને અસર કરતા મુદ્દાઓ પર કામ કરીએ છીએ. અમારા સંશોધન આધારિત અહેવાલો ભારતીય અમેરિકનો સામે વધતી નફરત અને જાતિવાદી માનસિકતાનો જવાબ આપે છે તેમજ અમેરિકામાં ભારતીય સમુદાયના સકારાત્મક યોગદાનને ઉજાગર કરે છે."

દેવાને જણાવ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો જન્મસિદ્ધ નાગરિકત્વ (Birthright Citizenship) સમાપ્ત કરવાનો એક્ઝિક્યુટિવ ઓર્ડર, જેને બાદમાં અમેરિકાની સુપ્રીમ કોર્ટે રદ કર્યો હતો, તે ભારતીય અમેરિકન સમુદાયના તમામ વર્ગોને અસર કરતો. તેમના જણાવ્યા મુજબ આ નિર્ણયનો વિરોધ ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન્સ બંને પક્ષના ભારતીય અમેરિકનોએ કર્યો હતો.

તેમણે કહ્યું કે હાલમાં ભારતીય અમેરિકનોને એકસાથે લાવતો સૌથી મોટો મુદ્દો તેમની આર્થિક સ્થિતિ છે. "ઘણા લોકો માટે રાજકીય કે સામાજિક મુદ્દાઓ કરતાં મોંઘવારી, શેરબજાર, પેટ્રોલના ભાવ અને ભારતીય ગ્રોસરી સ્ટોરમાં વધતા ખર્ચ વધુ મહત્વના બન્યા છે. ઉપરાંત H-1B વિઝા અંગેની કડક નીતિઓની અસર પણ ઘણા ભારતીય અમેરિકન માલિકીની નાના વ્યવસાયોને થઈ રહી છે, કારણ કે તેઓ આવા કર્મચારીઓ પર નિર્ભર છે."

દેવાનનું માનવું છે કે ભારત પ્રત્યે અમેરિકાની તાજેતરની વિદેશ નીતિમાં આવેલા ફેરફારો, જેને ઘણા લોકો ભારત માટે અનુકૂળ નથી માનતા, તે પણ નવેમ્બરની ચૂંટણીમાં કેટલાક ભારતીય અમેરિકન મતદારોના નિર્ણયને પ્રભાવિત કરી શકે છે.

તેમણે વધુમાં જણાવ્યું કે અગાઉ ચૂંટણીમાં માત્ર રાજકીય નેતાઓ સાથે ફોટા પડાવવા માટે ફંડ એકત્ર કરનારા ભારતીય અમેરિકનો હવે બદલાઈ રહ્યા છે. "હવે તેઓ પોતાના નાણાંનો ઉપયોગ વાસ્તવિક પરિવર્તન લાવવા માટે કરવા માંગે છે અને તેનું પરિણામ પણ દેખાઈ રહ્યું છે. હાલમાં અમેરિકાની પ્રતિનિધિ સભામાં ભારતીય મૂળના છ સભ્યો છે, જે સમગ્ર સમુદાય માટે પ્રોત્સાહક બાબત છે."

ગુજરાતીમાં અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો "ન્યુ ઇન્ડિયા અબ્રોડ ગુજરાતી"

Comments

Leave A Comment

Required fields are marked (*).

Related

Talk to us?