અમેરિકી કોંગ્રેસના પ્રતિનિધિસભાના સભ્ય જિલ ટોકુડા / X@RepJillTokuda
અમેરિકી કોંગ્રેસના પ્રતિનિધિસભાના સભ્ય જિલ ટોકુડાએ ભારત સહિત ઇન્ડો-પેસિફિક ક્ષેત્રના મહત્વના સાથી દેશો પર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા “ઇમરજન્સી” હેઠળ લાદવામાં આવેલા ટેરિફને સંપૂર્ણપણે રદ કરવા માટે બિલ રજૂ કર્યું છે. ટોકુડાએ કહ્યું કે ચીની કમ્યુનિસ્ટ પાર્ટીના વધતા દબાણનો સામનો કરી રહેલા અમારા સાથીઓને સજા કરવાને બદલે મજબૂત બનાવવા જોઈએ.
ટોકુડાએ જણાવ્યું હતું કે, “ચીની કમ્યુનિસ્ટ પાર્ટી દક્ષિણ ચીન સાગરમાં કૃત્રિમ ટાપુઓ પર લશ્કરી અડ્ડા બનાવવા, પેસિફિક દેશોની આયાત પર પ્રતિબંધ મૂકવા અને ભારત સાથેની સરહદે તણાવ વધારવા જેવા આક્રમક અને દબાણકારી વલણાંક ચાલુ રાખી રહી છે.”
તેમણે રજૂ કરેલા ‘ઇન્ડો-પેસિફિક પાર્ટનર એન્ડ એલાય ટેરિફ રિપીલ એક્ટ’ નામના બિલ દ્વારા એક્ઝિક્યુટિવ ઓર્ડર ૧૪૨૫૭ અને ૧૪૩૨૬ હેઠળ લાદવામાં આવેલા તમામ ટેરિફ નાબૂદ કરવામાં આવશે. આ ટેરિફ હાલમાં ૪૦ દેશો પર લાગુ છે, જેમાં જાપાન અને દક્ષિણ કોરિયા પર ૧૫ ટકા, ફિલિપાઇન્સ પર ૧૯ ટકા અને તાઇવાન પર ૨૦ ટકા ટેરિફનો સમાવેશ થાય છે.
હાઉસ સિલેક્ટ કમિટી ઓન ધ ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટીના સભ્ય ટોકુડાએ કહ્યું, “ચીની આક્રમકતાનો સામનો કરી રહેલા અમારા સૌથી નજીકના સાથીઓ પર ટેરિફ ઠોકવું એ ઊલટું, નુકસાનકારક અને ખતરનાક છે. આનાથી અમેરિકી વેપારીઓ અને ગ્રાહકોને પણ નુકસાન થાય છે.” તેમણે ઉમેર્યું કે, “આ કાયદો મુક્ત અને ખુલ્લા ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા અને સાથીઓની સુરક્ષાને ફરી દઢ કરે છે. આપણે સાથીઓની સાથે ઊભા રહેવું જોઈએ, તેમની વિરુદ્ધ નહીં.”
બિલમાં સ્પષ્ટ જણાવાયું છે કે ચીની કમ્યુનિસ્ટ પાર્ટીની બિન-બજારી પદ્ધતિઓ તેમજ આર્થિક, લશ્કરી અને ગ્રે-ઝોન પગલાં સામે સામૂહિક સુરક્ષા માટે ઇન્ડો-પેસિફિક સાથીઓ સાથે મળીને કામ કરવું જોઈએ. સાથી દેશો પર ટેરિફ લાદવાથી આ લક્ષ્યને જ ધક્કો લાગે છે અને અમેરિકી ગ્રાહકો તેમજ વેપાર પર વધારાનો બોજો પડે છે.
આ બિલ પસાર થતાં જ બંને એક્ઝિક્યુટિવ ઓર્ડર હેઠળના તમામ ટેરિફ નાબૂદ થઈ જશે. આ યાદીમાં ઓસ્ટ્રેલિયા, ભારત, ઇન્ડોનેશિયા, ન્યૂઝીલેન્ડ, ફીજી, સિંગાપુર, વિયેતનામ સહિત અનેક દેશોનો સમાવેશ થાય છે.
આ બિલના સહ-પ્રાયોજકોમાં રેપ. દીના ટાઇટસ, ડેનિયલ એસ. ગોલ્ડમેન, જિમ કોસ્ટા, આંદ્રે કાર્સન, ટેડ લ્યુ અને એડ કેસનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login