ADVERTISEMENT

ADVERTISEMENT

મિસૌરી યુનિવર્સિટીના પ્રોફેસર આર. કન્નન 2025ના NAI ફેલો તરીકે નામાંકિત

આ વર્ષની શરૂઆતમાં કન્નનને યુનિવર્સિટી ઓફ મિસૌરી બોર્ડ ઓફ ક્યુરેટર્સ દ્વારા ક્યુરેટર્સ ડિસ્ટિંગ્વિશ્ડ પ્રોફેસરનું બિરુદ આપવામાં આવ્યું હતું.

ભારતીય મૂળના પ્રોફેસર રઘુરામન કન્નન / University of Missouri

ભારતીય મૂળના પ્રોફેસર રઘુરામન કન્નનને યુનિવર્સિટી ઓફ મિસૌરીમાંથી ૨૦૨૫ માટે નેશનલ એકેડમી ઓફ ઇન્વેન્ટર્સ (NAI) ફેલો તરીકે ચૂંટવામાં આવ્યા છે.

NAI ફેલોઝની પસંદગી તેમની એવી શોધો અથવા ઇન્વેન્શન્સ માટે કરવામાં આવે છે જે જીવનની ગુણવત્તા, આર્થિક વિકાસ અને સમાજના કલ્યાણ પર મૂર્ત અસર કરે છે.

આ વર્ષની શરૂઆતમાં કન્નનને યુનિવર્સિટી ઓફ મિસૌરી બોર્ડ ઓફ ક્યુરેટર્સ દ્વારા ક્યુરેટર્સ ડિસ્ટિંગ્વિશ્ડ પ્રોફેસરનું બિરુદ આપવામાં આવ્યું હતું, જે યુનિવર્સિટીનો શિક્ષકો અને વિદ્વાનો માટે સર્વોચ્ચ શૈક્ષણિક સન્માન છે.

ક્યુરેટર્સ ડિસ્ટિંગ્વિશ્ડ પ્રોફેસર હોવાની સાથે કન્નન માઇકલ જે. અને શેરોન આર. બુકસ્ટીન ચેર ઇન કેન્સર રિસર્ચ છે અને તેમને કેમિકલ અને બાયોમેડિકલ એન્જિનિયરિંગ વિભાગ તેમજ સ્કૂલ ઓફ મેડિસિનમાં સંયુક્ત નિયુક્તિ છે.

કન્નન એમયુ હેલ્થ કેરના એલિસ ફિશેલ કેન્સર સેન્ટરમાં ઇમ્યુનો-ઓન્કોલોજી અને થેરાપ્યુટિક્સ પ્રોગ્રામના સહ-નિયામક પણ છે.

તેમણે નેનોપાર્ટિકલ આધારિત દવા વિતરણ વાહનોની લાઇબ્રેરી વિકસાવી છે જે તંદુરસ્ત પેશીઓને નુકસાન પહોંચાડ્યા વિના ગાંઠોને નિશાન બનાવે છે. આ નવીનતાનો ઉપયોગ કરીને તેઓ ફેફસાં, અંડાશય, સ્તન, સ્વાદુપિંડ અને યકૃતના કેન્સર માટે સારવાર વિકસાવવાનું કામ કરી રહ્યા છે. તેમની પાસે કુલ ૬૫ પેટન્ટ છે, જેમાંથી ૧૨ અમેરિકામાં સક્રિય છે.

૨૦૨૫ના એનએઆઈ ફેલો તરીકે નામાંકિત થવા અને દેશના સૌથી પ્રતિષ્ઠિત શૈક્ષણિક ઇન્વેન્ટર્સની હરોળમાં જોડાવા વિશે બોલતાં કન્નને યુનિવર્સિટી ઓફ મિસૌરીને કહ્યું કે,

“NAI ફેલો તરીકે નામાંકિત થવું એ ખૂબ મોટો સન્માન છે. આ સન્માન મારા સાથીઓ, સહયોગીઓ અને વિદ્યાર્થીઓનું પણ એટલું જ છે જેટલું મારું છે.”

“સ્કૂલ ઓફ મેડિસિન, કોલેજ ઓફ એન્જિનિયરિંગ અને યુનિવર્સિટી ઓફ મિસૌરી દ્વારા નવીનતાને પ્રોત્સાહન આપતું અને શોધોને વાસ્તવિક અસરમાં ફેરવતું વાતાવરણ પૂરું પાડવા બદલ હું ખૂબ આભારી છું,” તેમણે અંતમાં કહ્યું.

કન્નનનું NAI ફેલો તરીકે ઔપચારિક ઇન્ડક્શન NAIના ૧૫મા વાર્ષિક પરિષદમાં થશે, જે ૧થી ૪ જૂન ૨૦૨૬ દરમિયાન કેલિફોર્નિયાના લોસ એન્જલસમાં યોજાશે.

કન્નન એમયુમાં ચાર સ્ટાર્ટ-અપ કંપનીઓના સહ-સ્થાપક પણ છે. તેમની બે કંપનીઓ – નેનોપાર્ટિકલ બાયોકેમ ઇન્ક. અને શાસુન-એનબીઆઈ, એલએલસી – માટે પહેલેથી જ મિલિયન ડોલરના રોકાણો મેળવી ચૂક્યા છે.

૨૦૧૨માં નેનોપાર્ટિકલ બાયોકેમ ઇન્ક.ને તકનીકી નવીનતા અને આર્થિક વિકાસ માટે ટિબેટ્સ એવોર્ડ મળ્યો હતો, જે વ્હાઇટ હાઉસમાં રજૂ કરવામાં આવ્યો હતો.

Comments

Related