ADVERTISEMENTs

અનિશ્ચિત સંજોગો, વધતા જતાં પડકારો.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ / REUTERS/Annabelle Gordon/ File Photo

રાષ્ટ્રપતિ ટ્રમ્પે વિશ્વભર પર આયાત-જકાતનો ચાબુક ફટકાર્યો છે, જેનાથી ઉભો થયેલો હાહાકાર ઓછો નથી, પરંતુ તેમની બીજી ટર્મની ઇમિગ્રેશન-વિઝા નીતિ આ કોલાહલમાં ઊંડા ઘા પાડી રહી છે. આવા ઘા જેનાથી લોકોની વિચારસરણી બદલાઈ રહી છે. ખાસ કરીને અમેરિકામાં ભણીને ત્યાં પોતાના સપનાંને સાકાર કરીને કાયમી ધોરણે રહેવાની આકાંક્ષા નવી નીતિઓની દીવાલો સામે ટકરાઈને દમ તોડી રહી છે. ભારતીયો પણ આ અનિશ્ચિત સંજોગોમાંથી પસાર થઈ રહ્યા છે. વર્ષોથી સેવેલા સપનાંને અમેરિકામાં જઈને પૂર્ણ કરવું દિવસે દિવસે મુશ્કેલ બનતું જાય છે. 

સ્થિતિ સૌની સામે છે અને આંકડા તેની સાક્ષી આપે છે. સરકારી આંકડાઓ પરથી જાણવા મળે છે કે માર્ચથી મે 2025 દરમિયાન ભારતીય વિદ્યાર્થીઓને મળતા F-1 સ્ટુડન્ટ વિઝામાં 27 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ ઘટાડો કોરોના મહામારી પછીના કોઈપણ વર્ષની તુલનામાં સૌથી ધીમી શરૂઆત ગણાય છે.

બીજું એક ઉદાહરણ: પ્રવાસન, શિક્ષણ કે અમેરિકામાં જઈને કામ કરવા ઇચ્છતા ભારતીય નાગરિકોએ પણ ટૂંક સમયમાં વિઝા સંબંધિત ખર્ચમાં વધારાનો સામનો કરવો પડશે. વર્ષ 2026થી ‘વન બિગ બ્યુટીફુલ બિલ’ હેઠળ મોટાભાગની બિન-ઇમિગ્રન્ટ વિઝા કેટેગરી પર 250 ડોલરનો નવો ‘વિઝા ઇન્ટિગ્રિટી ચાર્જ’ લાગુ થશે. આ બિલ પર 4 જુલાઈએ અમેરિકી રાષ્ટ્રપતિએ હસ્તાક્ષર કરી દીધા છે, અને હવે આ કાયદો બની ગયો છે.

આ બધા વચ્ચે એવા સમાચાર રાહત આપનારા કે આશાવાદ જન્માવનારા ગણી શકાય કે ફોર્બ્સની 2025ની ‘અમેરિકાના સૌથી ધનાઢ્ય ઇમિગ્રન્ટ્સ’ની યાદીમાં ભારતીય મૂળના 12 અબજોપતિઓનો સમાવેશ થયો છે. દેશોની દૃષ્ટિએ આ સંખ્યા સૌથી વધુ છે.

પરંતુ આ 12 વ્યક્તિઓ, જેમણે ફોર્બ્સની યાદીમાં સ્થાન મેળવ્યું છે, તેઓ ‘જૂના’ અમેરિકાના છે. આ યાદી આજની પેઢીને લાંબા સમય સુધી હૈયાધારણ ન આપી શકે, કારણ કે હવે સંજોગો બદલાઈ ગયા છે. આજે અમેરિકા પહોંચી જવું એટલે ભાગ્યશાળી ગણાવું, પરંતુ દરેક વસ્તુ માટે વધુ કિંમત ચૂકવવી પડશે.

આવા સંજોગોમાં અમેરિકાને શિક્ષણ અને વ્યાવસાયિક ઉન્નતિનું સતત લક્ષ્ય બનાવી રાખવું મુશ્કેલ છે. સરકારની કડક નીતિઓ પહેલેથી જ ઘટાડાનું ચિત્ર રજૂ કરી રહી છે. એ સાચું છે કે ટ્રમ્પની નીતિઓને લઈને અમેરિકામાં પણ હોબાળો મચ્યો છે અને વિરોધ પણ સામે આવ્યો છે, પરંતુ કોઈપણ દેશનો વિદ્યાર્થી એવા દેશમાં કેમ જવા માગશે જ્યાં ક્યારેક કંઈ પણ બની શકે? આવા સંજોગોમાં કોઈપણ વિદ્યાર્થી, ભલે તે ભારતીય હોય, બ્રિટન, જર્મની, ઓસ્ટ્રેલિયા કે કેનેડા જવાનું જ કેમ ન વિચારે? જો નાના ટકાવારીને બાદ કરીએ તો મોટાભાગના ભારતીય વિદ્યાર્થીઓની આર્થિક પૃષ્ઠભૂમિ જોખમ ઉઠાવવાની પરવાનગી જ આપતી નથી.

ઘણા એવા વિદ્યાર્થીઓ કે લોકો છે જેઓ અન્ય દેશો કે અમેરિકા જઈને ભારતમાં પોતાના પરિવારની આર્થિક સ્થિતિને સંભાળવાનો પ્રયાસ કરે છે. છેલ્લા 10 વર્ષથી ભારતીયો પોતાના દેશમાં પૈસા મોકલવાના મામલે વિશ્વમાં અગ્રેસર છે. આ પૈસા સંભ્રાંત વર્ગ નથી મોકલતો, શ્રમિક વર્ગ મોકલે છે. સ્પષ્ટ છે કે ઇમિગ્રેશન નીતિઓની અસર વિદ્યાર્થીઓથી લઈને મજૂરો સુધી થઈ રહી છે. અને આમાં ડરામણી વાત એ છે કે ખબર નથી કે ટ્રમ્પ ક્યારે કઈ બાબતે નારાજ થઈ જાય. અને જો નારાજ થઈ ગયા, તો બધાને ખબર પડે છે કે તેઓ શું કરે છે.

Comments

Related

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video