રાજ્યની પ્રાથમિક ચૂંટણી દરમિયાન એક મહિલા મતદાન કરે છે(File Photo) / REUTERS/Jonathan Drake
કેલિફોર્નિયાના મતદારો 2 જૂને નવા ગવર્નરની પસંદગી માટે પ્રથમ તબક્કાનું મતદાન કરી રહ્યા છે. આ ચૂંટણીમાં રન-ઓફ માટેની બે બેઠકો માટે ત્રણ મુખ્ય ઉમેદવારો વચ્ચે કડક સ્પર્ધા જોવા મળી રહી છે. સાથે જ લોસ એન્જેલસના મતદારો નવા મેયરની પસંદગી માટે પણ મતદાન કરી રહ્યા છે.
કેલિફોર્નિયાની 'જંગલ પ્રાઇમરી' પદ્ધતિ હેઠળ તમામ પક્ષોના ઉમેદવારો એક જ મતપત્રક પર ચૂંટણી લડે છે અને સૌથી વધુ મત મેળવનારા બે ઉમેદવારો નવેમ્બરમાં યોજાનારી સામાન્ય ચૂંટણીમાં આમને-સામને ટકરાશે. હાલના ગવર્નર ગેવિન ન્યૂસમ કાર્યકાળની મર્યાદાને કારણે ફરી ચૂંટણી લડી શકતા નથી.
લગભગ 4 કરોડની વસ્તી ધરાવતા અને ડેમોક્રેટિક પક્ષનો ગઢ માનાતા કેલિફોર્નિયામાં 60થી વધુ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. મતદારોને લાંબા મતપત્રકો પોસ્ટ દ્વારા મોકલવામાં આવ્યા છે.
તાજેતરના સર્વેક્ષણો મુજબ પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડનના આરોગ્ય સચિવ રહેલા ઝેવિયર બેસેરા આગળ ચાલી રહ્યા છે. તેમની સામે નવેમ્બરની ચૂંટણીમાં ટક્કર આપવા માટે બીજા સ્થાન માટે ડેમોક્રેટ ટોમ સ્ટેયર અને ડોનાલ્ડ ટ્રમ્પ સમર્થિત રિપબ્લિકન સ્ટીવ હિલ્ટન વચ્ચે જોરદાર સ્પર્ધા છે.
અબજોપતિ હેજ ફંડ મેનેજર ટોમ સ્ટેયરે પોતાની ઝુંબેશમાં 20 કરોડ ડોલરથી વધુ રકમ ખર્ચી છે. તેઓ ધનિકો પર વધુ કર અને મધ્યમ વર્ગ માટે વીજળીના બિલમાં રાહત જેવા મુદ્દાઓ ઉઠાવી રહ્યા છે.
બીજી તરફ, બ્રિટિશ મૂળના રાજકીય વ્યૂહરચનાકાર અને ભૂતપૂર્વ ફોક્સ ન્યૂઝ ટિપ્પણીકાર સ્ટીવ હિલ્ટન ડેમોક્રેટિક શાસન પર નિશાન સાધી રહ્યા છે. તેમનું કહેવું છે કે રાજ્યની સમસ્યાઓનું મૂળ ડેમોક્રેટિક નીતિઓમાં છે અને તેથી તેઓ તેનું સમાધાન લાવી શકતા નથી.
જે કોઈ ઉમેદવાર અંતે વિજેતા બનશે તેની સામે અનેક પડકારો હશે. કેલિફોર્નિયાની અર્થવ્યવસ્થા એટલી મોટી છે કે જો તે એક અલગ દેશ હોત તો વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા ગણાત. તેમ છતાં રાજ્યના લોકોમાં અસંતોષ વ્યાપક છે.
સિલિકોન વેલીના ધનિક ટેક ઉદ્યોગપતિઓ વૈભવી જીવન જીવી રહ્યા છે, જ્યારે સામાન્ય લોકો માટે મકાન ખરીદવું કે ભાડું ચૂકવવું મુશ્કેલ બન્યું છે. નવા મકાનોના નિર્માણની ધીમી ગતિએ આ સમસ્યા વધુ ગંભીર બનાવી છે.
ઉચ્ચ વીજળી બિલ, દેશભરમાં સૌથી મોંઘું પેટ્રોલ, ભારે કર અને નબળી જાહેર સેવાઓના કારણે લોકોમાં અસંતોષ વધી રહ્યો છે. આ ઉપરાંત, બેઘર લોકોની વધતી સમસ્યા ખાસ કરીને લોસ એન્જેલસ અને સાન ફ્રાન્સિસ્કો જેવા શહેરોમાં મોટો પડકાર બની છે.
ચૂંટણીમાં ભારે પ્રચાર અને કરોડો ડોલરની જાહેરાતો છતાં મતદારોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો નથી. જોકે આ ચૂંટણીના પરિણામોની અસર રાષ્ટ્રીય રાજકારણ પર પણ પડી શકે છે.
હાલના ગવર્નર ગેવિન ન્યૂસમ 2028ની અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ઉમેદવારીની આશા રાખતા હોવાનું માનવામાં આવે છે. તેઓ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગનના માર્ગે આગળ વધવા ઇચ્છે છે, જેમણે 1967થી 1975 દરમિયાન કેલિફોર્નિયાના ગવર્નર તરીકે સેવા આપી હતી.
લોસ એન્જેલસમાં મેયર પદની ચૂંટણી
લોસ એન્જેલસમાં પણ મેયર પદ માટે પ્રાથમિક ચૂંટણી યોજાઈ રહી છે. હાલની મેયર કેરન બાસ બીજી મુદત માટે ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ તેમને ડાબેરી અને જમણેરી બંને તરફથી પડકાર મળી રહ્યો છે.
પૂર્વ અમેરિકી સાંસદ અને ડેમોક્રેટિક નેતા કેરન બાસનો શરૂઆતનો કાર્યકાળ ખાસ નોંધપાત્ર રહ્યો નહોતો અને શરૂઆતમાં તેમની જીત લગભગ નિશ્ચિત માનવામાં આવતી હતી.
પરંતુ જાન્યુઆરી 2025માં શહેરમાં લાગેલી વિનાશક આગની ઘટનાને સંભાળવામાં થયેલી ટીકા બાદ તેમની લોકપ્રિયતાને ફટકો પડ્યો હતો. બાદમાં ફેડરલ ઇમિગ્રેશન દરોડાઓ સામે તેમણે આપેલા પ્રતિસાદથી તેમની સ્થિતિમાં થોડો સુધારો થયો, છતાં તેઓ હજુ પડકારનો સામનો કરી રહ્યા છે.
તાજેતરના સર્વેક્ષણો અનુસાર કેરન બાસ અને ડેમોક્રેટિક સોશ્યાલિસ્ટ કાઉન્સિલ સભ્ય નિત્યા રમણ વચ્ચે કાંટાની ટક્કર છે.
આ રેસમાં રિયાલિટી ટીવી સ્ટાર સ્પેન્સર પ્રેટ પણ ચર્ચામાં છે. જાન્યુઆરી 2025ની આગમાં તેમનું ઘર નષ્ટ થયું હતું. તેમણે શહેરના પુનઃનિર્માણની ધીમી પ્રક્રિયા, ખરાબ રસ્તાઓ, બેઘરતા અને નશાની સમસ્યા જેવા મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને પ્રચાર કર્યો છે.
પ્રેટ અને સ્ટીવ હિલ્ટન બંને જાહેર સુરક્ષા અને કડક કાયદા-વ્યવસ્થાના મુદ્દાઓને પ્રાથમિકતા આપી રહ્યા છે, જેને કેટલાક પરંપરાગત ડેમોક્રેટિક મતદારોનો પણ ટેકો મળી રહ્યો છે.
મેયર પદ માટે ડઝન જેટલા અન્ય ઉમેદવારો પણ મેદાનમાં છે, પરંતુ મુખ્ય મુકાબલો ઉપરોક્ત ઉમેદવારો વચ્ચે જ માનવામાં આવે છે.
જો કોઈ ઉમેદવાર મંગળવારે 50 ટકાથી વધુ મત મેળવી લે તો તે સીધો વિજેતા જાહેર થશે. અન્યથા સૌથી વધુ મત મેળવનારા બે ઉમેદવારો 3 નવેમ્બરે યોજાનારી સામાન્ય ચૂંટણીમાં સામસામે ટકરાશે.
ગુજરાતીમાં અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો "ન્યુ ઇન્ડિયા અબ્રોડ ગુજરાતી"
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login